લોકોને શુધ્ધ અને સાત્વિક શાકભાજી સહિતની પ્રાકૃતિક ખેતપેદાશોની ખરીદી કરી શકે તે માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છેઃ
સુરત જિલ્લાના તાલુકાવાસીઓને પ્રાકૃતિક ખેતપેદાશો ખરીદવાનો ઘર આંગણે અવસર સાપડયોઃ
હવે તાલુકાઓમાં ભરતા હાટબજારમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો માટે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છેઃ
માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે પ્રાકૃતિક ખેતીના સ્ટોલનો પ્રારંભઃ માત્ર દોઢ કલાકમાં ખેતપેદાશોનું વેચાણ થયુંઃ
સુરતઃ ગુરૂવારઃ- આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે રાજયના પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને બજાર મળી રહે તેવા આશયથી સુરત જિલ્લાના ખેતીવાડી તંત્ર દ્વારા સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રાજ્યપાલશ્રીના અનુરોધને આત્મસાત કરીને ખેડુતોને બજાર વ્યવસ્થા ઉભી કરવાના ભાગરૂપે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતેના હાટબજાર ખાતે પ્રાકૃતિક ખેતી કરતા આઠ ખેડુતો દ્વારા ઉત્પાદિત ખેતપેદાશો માટેના સ્ટોલ ઉભા કરીને વેચાણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર દોઢ કલાકમાં ભીડા, ડુંગળી, રીંગણા, કારેલા જેવા ખેડુતોએ ઉત્પાદિત કરેલી શાકભાજીનું વેચાણ થયું હતું. જિલ્લાના આત્મા પ્રોજેકટ ડાયરેકટરશ્રી એન.જી.ગામતે જણાવ્યું કે, ગામદીઠ ૭૫ ખેડુતોને પ્રાકૃતિક ખેતી માટે તૈયાર કરવામાં આવ્યા છે જેના ઉત્પાદનોને બજાર મળી રહે તે માટે તાલુકામાં યોજાતા હાટ બજારમાં અલગ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને અલગથી ટી-શર્ટ, કેપ, આઈકાર્ડ ઈસ્યુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને બજાર મળી રહે તે માટેના વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી હોવાનું તેમણે કહ્યું હતું.