Uncategorized

ચેમ્બર ઓફ કોમર્સ તથા સાઉથ ગુજરાત પ્રોડકટીવિટી કાઉન્સીલના સંયુકત ઉપક્રમે Convention of NGOs કાર્યક્રમ યોજાયો

ચેમ્બર ઓફ કોમર્સ તથા સાઉથ ગુજરાત પ્રોડકટીવિટી કાઉન્સીલના સંયુકત ઉપક્રમે Convention of NGOs કાર્યક્રમ યોજાયો

સમાજમાં દરેક વ્યકિતમાં સેવાનો ભાવ તો છે જ પણ એને જાગૃત અને સક્રીય કરવાનું કામ એનજીઓનું છે : ગુજરાતના રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી શ્રી નાનુભાઇ વાનાણી

લોકોમાં દયા અને કરૂણા હોવી જોઇએ, ત્યાગની વૃત્તિ અને જરૂરિયાતમંદને મદદરૂપ થવાનો ભાવ હોવો જોઇએ : છાંયડોના પ્રમુખ શ્રી ભરતભાઇ શાહ

સુરત કોઇના પર નિર્ભર રહયું નથી અને શહેરીજનો દરેક આપત્તીને અવસર બનાવી દે છે, આથી બધી એનજીઓએ સંકલન કરવાની જરૂર છે : શ્રી અશોકભાઇ કાનુન્ગો

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સાઉથ ગુજરાત પ્રોડકટીવિટી કાઉન્સીલના સંયુકત ઉપક્રમે બુધવાર, તા. ૧લી મે, ર૦ર૪ના સાંજે પઃ૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે Convention of NGOs વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના પૂર્વ પાણી પુરવઠા અને શિક્ષણ મંત્રી શ્રી નાનુભાઇ વાનાણી મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા અને વિવિધ એનજીઓના હોદ્દેદારો તેમજ પ્રતિનિધિઓને સંબોધન કર્યું હતું. સુરતના લાયન્સ કેન્સર ડિટેકશન સેન્ટર ટ્રસ્ટના ચેરમેન શ્રી અશોકભાઇ કાનુન્ગો અને છાંયડોના પ્રમુખ શ્રી ભરતભાઇ શાહે અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું અને વકતવ્ય રજૂ કર્યું હતું.

 

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ અને પ્રેસિડેન્ટ ઇલેકટ શ્રી વિજય મેવાવાલાએ કાર્યક્રમમાં સર્વેને આવકાર્યા હતા અને સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એનજીઓ એટલે એવી સંસ્થા જ્યાં કોઇ પણ પ્રકારના નાણાંકીય નફાને ધ્યાનમાં લીધા વગર કરવામાં આવતી માનવીય સેવા. ભારત સરકારના દર્પણ વેબસાઇટ અનુસાર ગુજરાત રાજ્યમાં રજિસ્ટર્ડ એનજીઓની સંખ્યા ૧૦,રર૪ છે. દેશમાં એનજીઓ થકી કરવામાં આવતા કાર્યો હંમેશાથી જ પ્રશંસાપાત્ર રહયા છે. જીવનમાં જરૂરિયાતમંદને મદદ કર્યા બાદ જે આનંદની લાગણી હોય તે અવર્ણનીય હોય છે. સમાજમાં વિવિધ પ્રકારની સમસ્યા છે ત્યારે આ સમયની માંગ છે કે એનજીઓની સાથે શહેરની વિવિધ સંસ્થાઓ જોડાઇને જરૂરિયાતમંદના વહારે આવે. એનજીઓ એક સેવાકીય પ્રવૃત્તિ છે, જેને કયારેય વ્યવસાય બનાવવો જોઇએ નહીં અને તેના માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ સક્રીય પ્રયાસો કરવામાં આવી રહયા છે.

 

સાઉથ ગુજરાત પ્રોડકટીવિટી કાઉન્સીલના પ્રમુખ શ્રી ભદ્રેશભાઇ શાહે શાબ્દીક પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એનજીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓની ગુણવત્તા અંગે ચર્ચા કરવા અને તેને વધારવા અને સંસ્થાઓ વચ્ચે વધુ સારા સહકારને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની એનજીઓને એક પ્લેટફોર્મ પર એકત્રિત કરી સામાજિક વિકાસ માટે એકસાથે મળીને કામ કરવાની ભાવના પ્રગટ કરવા એનજીઓનું વિશાળ સંમેલન કરવામાં આવશે.

 

ગુજરાતના રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી શ્રી નાનુભાઇ વાનાણીએ જણાવ્યું હતું કે, ‘સેવા પરમો ધર્મ’ એટલે એનજીઓ. વિશ્વમાં બે પ્રકારની વ્યવસ્થા હોય છે. જેમાં પ્રાકૃતિક વ્યવસ્થા અને સાંસ્કૃતિક વ્યવસ્થાનો સમાવેશ થાય છે. પ્રકૃતિને ડિસ્ટર્બ નહીં કરીએ તો ઘણું સારું થઇ શકે છે. કારણ કે, પ્રકૃતિએ ઘણી સારી વ્યવસ્થા ગોઠવી છે. શાસન વ્યવસ્થાની એક મર્યાદા હોય છે. ભૂકંપ, પુર અને કોરોનાની વિકટ સ્થિતિમાં શાસન વ્યવસ્થાની મર્યાદા પૂર્ણ થયા બાદ સમાજ અને નાગરિકોને જવાબદારી ઉપાડી લીધી હતી. આવી સ્થિતિમાં કલ્પના ન કરી શકીએ ત્યાંથી સેવાનો હાથ લંબાતો હોય છે.

 

તેમણે જણાવ્યું હતું કે, સમાજમાં દરેક વ્યકિતમાં સેવાનો ભાવ તો છે જ પણ એને જાગૃત અને સક્રીય કેવી રીતે કરવો એ કામ એનજીઓનું છે. ઘણા ક્ષેત્રોમાં એનજીઓ નેત્રદિપક કામ કરે છે અને એમાં સુરત અને સુરતીઓનો કોઇ જવાબ નથી. સુરતમાં વિવિધ એનજીઓને સંગઠીત કરવાની શરૂઆત થઇ છે. બધાએ સમાજના વિકાસ માટે સ્વૈચ્છીક જવાબદારી ઉપાડી લેવી પડશે. સરકાર અને કોઇપણ સંસ્થાની મર્યાદા હોય છે ત્યારે એનજીઓનો સંગઠીત પ્રવાહ સુરતના વિકાસમાં કામ લાગી શકે છે. એના માટે શાસન વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થાને કો–ઓર્ડિનેશન કરવું પડશે. વધુમાં તેમણે કહયું કે, સમસ્યા નિરાકરણ એ જાહેર જીવનનું કામ છે, આથી સમાજના વિકાસ માટે નેતૃત્વ પૂરું પાડવાનું કામ એનજીઓનું છે.

 

શ્રી ભરતભાઇ શાહે જણાવ્યું હતું કે, એનજીઓ એટલે નોન ગર્વમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેનો ઉદ્દેશ્ય નફો કમાવવાનો નથી પણ રાહત દરે અથવા વિના મૂલ્યે ગરીબ, પીડિત અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનો તેમજ તેમના માટે સેવા ઉપલબ્ધ કરવાનો છે. લોકો માટે સરકાર દ્વારા ઘણી બધી સુવિધાઓ અને યોજનાઓ અમલી કરાઇ છે, જે અંગે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવો પડશે. લોકોમાં દયા અને કરૂણા તથા છોડવાનો ભાવ, ત્યાગની વૃત્તિ અને જરૂરિયાતમંદને મદદરૂપ થવાનો ભાવ હોવો જોઇએ. લોકોની સેવા કરવાનો ભાવ સાચો અને ચોખ્ખો હોવો જોઇએ. એમાં ભાવશુદ્ધિ ખૂબ જ મહત્વની બાબત છે. લોકોએ સમાજના પીડિત, વંચિત, જરૂરિયાતમંદ લોકો માટે શું કરી શકીએ તે વિચારવું જોઇએ. યોગ્ય સમજથી સમાજનો વિકાસ થાય તે જરૂરી છે.

 

શ્રી અશોક કાનુન્ગોએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં ઘણી વખત વિપત્તીઓ આવી છે અને એનજીઓએ તે સમયે સેવાકીય પ્રવૃત્તિ કરી છે. સુરત કોઇના પર નિર્ભર રહયું નથી અને શહેરીજનો આપત્તીને પણ અવસર બનાવી દે છે, આથી બધી એનજીઓએ સંકલન કરવાની જરૂર છે. સમાજમાં, શહેર પર જે કઇ મુશ્કેલી આવે છે તેના નિરાકરણ માટે પ્રયાસ કરવાનો છે. સુરતના શહેરીજનોમાં દાન કરવાની અને સેવા કરવાની વૃત્તિ છે. સુરતમાં એનજીઓ દ્વારા આખા શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા અને તેની મદદથી ૯૯ ટકા ક્રાઇમ ડિટેકટ થાય છે.

 

આ કાર્યક્રમમાં ૧૭૦થી વધુ એનજીઓના હોદ્દેદારો તેમજ પ્રતિનિધિઓ હાજર રહયા હતા. કાર્યક્રમમાં ઓપન ફોરમ પણ યોજાયું હતું. જેમાં ઉપસ્થિત એનજીઓના હોદ્દેદારો અને પ્રતિનિધિઓએ તેઓની એનજીઓ દ્વારા કરવામાં આવતી લોકોપયોગી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી.

 

ચેમ્બર ઓફ કોમર્સની એનજીઓ કમિટીના ચેરમેન શ્રી મોહંમદ નાવેદ શેખે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કમિટીના કો–ચેરપર્સન એડવોકેટ સુશ્રી બીનાબેન ભગતે સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button