વરાછાની જે.બી. ધારૂકાવાલા કોલેજ ખાતે વહેલી સવારે મતદાન જાગૃતિ માટે ભવ્ય ‘વોકેથોન’ યોજાઈ

વરાછાની જે.બી. ધારૂકાવાલા કોલેજ ખાતે વહેલી સવારે મતદાન જાગૃતિ માટે ભવ્ય ‘વોકેથોન’ યોજાઈ
વોકેથોનમાં શાળાના વિદ્યાર્થીઓ, BLO, સેક્ટર ઓફિસરોએ ‘ચુનાવ કા પર્વ’ની ઉજવણીમાં જોડાવા અને મતદાન જનજાગૃત્તિના શપથ લીધા
વિવિધ પોસ્ટરો, બેનરો સાથે મહત્તમ મતદાનનો સંદેશો આપતા વિદ્યાર્થીઓ, BLO સ્ટાફ, સેક્ટર ઓફિસરો
સુરત:શનિવાર: આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને નાગરિકો પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે, મહત્તમ લોકો નામ નોંધણી કરાવે તેવા આશયથી જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ મતદાતા જાગૃતિ માટે વરાછાની જે.બી.ધારૂકાવાલા કોલેજથી ચોપાટી- સીએનજી પમ્પ થઈ જે.બી.ધારૂકાવાલા સુધીની ‘વોકેથોન’ યોજાઈ હતી. આ વોકેથોનમાં મામલતદારશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ તથા એએસઓ કચેરી સ્ટાફ, એમ.એન.જે પટેલ શાળા અને શ્રી સ્વામી આત્મનંદ સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ, BLO, સેક્ટર ઓફિસર, AERO, પોલીસ જવાનોએ મોટી સંખ્યામાં જોડાઈને ‘૧૦ મિનીટ દેશ માટે’, ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’, ‘મતદાન આપણો અધિકાર’, ‘અવસર લોકશાહીનો’, ‘પહેલા મતદાન પછી અન્ય કામ’ જેવા વિવિધ સ્લોગનો અને પોસ્ટરો સાથે મહત્તમ મતદાનનો સંદેશો આપ્યો હતો. આ વોકેથોનને મદદનીશ ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દર્શન શાહે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યુ હતું.
આ અવસરે શ્રી દર્શન શાહે લોકો વધુમાં વધુ મતદાન કરે તેવા આશયથી વોકથોનનું આયોજન કરાયું હોવાનું જણાવી સૌને લોકશાહીના મહાપર્વમાં જોડાઈ અવશ્ય મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચ દ્વારા એક એક મતની કિંમત સમજીને દુર્ગમ જંગલોના ગામો, પહાડી વિસ્તારોમાં પણ મતદાન મથકો ઉભા કરવામાં આવે છે. મતદાનને લોકશાહીની પવિત્ર ફરજ સમજીને મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા તેમજ જેમની ઉંમર અઢાર વર્ષથી ઉપર થઈ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને અચૂક મતદાન માટે પ્રેરિત કરી સગા-સબંધીઓ પણ મતદાન માટે આગળ આવે એમ જણાવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓએ મત આપ્યા પછી સોશિયલ મીડિયા પર ફોટો, વિડીયો અપલોડ કરી અન્યોને પણ મતદાનની પ્રેરણા આપવાનું આહ્વાન કર્યું હતું.
વોકેથોનમાં ઉપસ્થિત સૌએ પરિવાર સાથે મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે મામલતદારશ્રી રોશનીબેન પટેલ, શ્રી ટી.યુ. રાવ, AERO ભાવિનભાઈ ભટ્ટ, વરાછા રોડ મત વિસ્તારના BLO, સેક્ટર ઓફિસર, AERO, ASO કચેરી સ્ટાફ, શાળાના આચાર્ય, શિક્ષણગણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિતરહીને લોકોને મતદાન માટે જાગૃત્ત થવાનો સંદેશો આપ્યો હતો.