દેશની હદ છોડવા ઇલ્યાસ કાપડીયા દ્વારા કરાયેલ અરજી ફગાવતી કોર્ટ

રૂપિયા ૪.૬ કરોડની વીજ ચોરીના કેસમાં સંડોવાયેલા ઈલ્યાસ કાપડિયાએ પોતાની પત્નીની કિડનીની સારવાર કરાવવા માટે શ્રીલંકા જવાનું હોય ભારત દેશની હદ છોડવા તેમજ ત્રણ મહિના માટે પાસપોર્ટ પરત મેળવવા અરજી કરી હતી. મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરી હતી કે આરોપીની પત્નીને ટ્રાન્સપ્લાન્ટ માટે કોણ કિડની આપવાનું છે તે અંગે કોઈ હકીકત પુરાવા રીતે કોર્ટમાં રજૂ કરી નથી. આરોપી ભાગી જાય તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી. કોર્ટે આરોપીની અરજી નકારી કાઢી હતી.
વર્ષ ૨૦૦૯માં જીઈબી ખાતે આરોપી ઇલિયાસ ગુલામ નબી કાપડિયા (રહે મીની સીલ્કા હાઉસ બિલ્ડીંગ બજાર તેમજ ગાર્ડન સોસાયટી આશ્યના એપાર્ટમેન્ટ અડાજણ) ગુનો નોંધાયો હતો આરોપી ઇલ્યાસ કાપડિયા સામે આક્ષેપ હતું કે તેણે ચાર કરોડથી વધુની વીજ ચોરી કરી હતી. આ ગુનામાં જેલમાં બંધ ઇલિયાસ કાપડિયાએ કેટલીક શરતોને આધીન જામીનમુક્ત કરવામાં આવ્યો હતો. જેમાં પાસપોર્ટ જમા કરવા ઉપરાંત ભારત દેશની હદ નહીં છોડવા અંગેની પણ શરતો હતી. દરમિયાન ઇલ્યાસ કાપડિયાએ પોતાનીની પત્નીની કિડની ટ્રાન્સપ્લાન્ટ સહિતની સારવાર માટે શ્રીલંકા જવું હોય ત્રણ મહિના માટે શરતોમાં ફેરફાર કરી પાસપોર્ટ પરત આપવા તેમજ ત્રણ મહિના માટે ભારત દેશની હદ છોડવા પરવાનગી આપવા અરજી કરી હતી. કોર્ટે આ અરજી નકારી કાઢી હતી.