માલસરના યુવાને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે બાળકોને કીટ-છત્રીનું દાન કરી સમાજને પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો

માલસરના યુવાને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે બાળકોને કીટ-છત્રીનું દાન કરી સમાજને પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો
ખોટા ખર્ચા બંધ કરી માલસર પ્રાથમિક શાળાના બાલવાટિકા અને ધોરણ-૧ ના ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી ખુશી વહેંચી
શિનોર : આજના આધુનિક યુગમાં લોકો પોતાના જન્મદિવસ પાછળ હજારો રૂપિયાનો ધુમાડો કરીને પાર્ટીઓ યોજતા હોય છે, ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર મુકામે રહેતા અને સામાન્ય નોકરી કરીને જીવન ગુજારતા એક યુવાને પોતાનો જન્મદિવસ તદ્દન અનોખી અને પરોપકારી રીતે ઉજવીને સમાજ સામે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
માલસર ગામના વતની દીપકભાઈ રતિલાલ વસાવાનો આજે તારીખ ૨૦ જૂન ૨૦૨૬ના રોજ જન્મદિવસ હતો. પોતાના જન્મદિન નિમિત્તે ખોટા ખર્ચાઓ કરવાના બદલે તેમણે કંઈક સાર્થક કરવાનું વિચાર્યું હતું. રાજ્ય સરકારના આદેશ મુજબ હાલમાં જ શાળાના નવીન સત્રના આરંભ સાથે શાળાઓ કિલ્લોલ કરતી થઈ છે અને નવા બાળકોને આવકારવા માટે ‘શાળા પ્રવેશોત્સવ’નું આયોજન કરવામાં આવનાર છે. આ અવસરને ધ્યાનમાં રાખીને દીપકભાઈએ માલસર પ્રાથમિક શાળાના બાળકોની મદદ કરવાનું નક્કી કર્યું હતું.
તેમણે શાળામાં નવા પ્રવેશ મેળવનાર બાલવાટિકા અને ધોરણ-૧ ના નાના ભૂલકાઓને અભ્યાસમાં મદદરૂપ થઈ શકાય તે હેતુથી પોતાના સ્વહસ્તે આકર્ષક દફતર (સ્કૂલ બેગ), રંગીન છત્રી અને શૈક્ષણિક સામગ્રીની કીટનું વિતરણ કર્યું હતું. આ સુંદર ભેટ મેળવીને શાળાના નાના-નાના ભૂલકાઓના ચહેરા પર કુદરતી અને નિર્દોષ ખુશી વ્યાપી ગઈ હતી.
દાતા દીપકભાઈ વસાવાની આ સરાહનીય અને ઉમદા કામગીરી બદલ માલસર પ્રાથમિક શાળાના આચાર્ય હસમુખભાઈ પી. રોહિત, શાળા પરિવાર, એસ.એમ.સી. (SMC) કમિટીના સભ્યો તેમજ ગ્રામજનોએ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
પોતાના જન્મદિવસની આ પ્રકારે અનોખી ઉજવણી કરીને શૈક્ષણિક ક્ષેત્રે પાયાના ભૂલકાઓને મદદગાર બનવાની ઉત્તમ તક ઝડપીને દીપકભાઈએ શિનોર તાલુકા સહિત સમગ્ર વડોદરા જિલ્લા અને સમાજને એક નવો અને પ્રેરણાદાયી રાહ ચીંધ્યો છે.



