હજીરા સ્થિત NTPC કવાસ દ્વારા કવાસ પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી અંગે પરિસંવાદ યોજાયો
NTPC ઉત્કર્ષ મેરિટ સ્કોલરશીપ યોજના દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ
સુરતઃશુક્રવારઃ હજીરા સ્થિત NTPC કવાસ ખાતે એનટીપીસીના ચીફ જનરલ મેનેજર (ક્વાસ) ડી.કે.દુબેની ઉપસ્થિતિમાં પરિસંવાદ યોજાયો હતો. જેમાં પત્રકારોને NTPC ઉત્કર્ષ મેરિટ સ્કોલરશીપ યોજના દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના પ્રયાસ સહિત કવાસ વિદ્યુત ઉત્પાદન સ્ટેશન ખાતેની વર્તમાન અને ભાવિ યોજનાઓ, કવાસ ખાતે કાર્યરત સોલાર પ્લાન્ટ, હાઇડ્રોજન બ્લેન્ડિંગ સિસ્ટમના પાયલોટ પ્રોજેક્ટ તેમજ કવાસ દ્વારા કરાતી CSR પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ડી.કે.દુબેએ જણાવ્યું કે, એનટીપીસી કવાસે નાણાકીય વર્ષ ૨૦૨૩-‘૨૪માં ૫૧૯ MU વીજળી ઉત્પન્ન કરી હતી. PNG અને હાઇડ્રોજન બ્લેન્ડિંગ સિસ્ટમના પાયલોટ પ્રોજેક્ટ વિષે વાત કરતા તેમણે જણાવ્યુ કે, જાન્યુઆરી ૨૦૨૩માં શરૂ કરાયેલા આ પ્રોજેક્ટમાં ૫% હાઇડ્રોજન બ્લેન્ડિંગ કરવામાં આવી રહ્યું છે, જે વધારીને ૮% કરવાની અરજી મંજૂર મળતાં ટૂંક સમયમાં અમલમાં તેનો આવશે.
CSR પ્રોગ્રામ હેઠળ NTPC-કવાસ દ્વારા કરાયેલી કામગીરીની માહિતી આપતા તેમણે કહ્યું કે, હજીરા નજીકના ગામોમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવે છે. મહિલાઓ, યુવાનો અને ખેડૂતોના કૌશલ્યવર્ધન ક્ષેત્રે ભટલાઈ ગામમાં અજોલા ખેતી તાલીમ અને ગ્રામીણ મહિલાઓને પર્સ બનાવવાની તાલીમ, ડિજિટલ શિક્ષણ, રમતગમત મહાકુંભ અને કલા મહાકુંભમાં સહભાગિતા માટે તાલીમ, શાળાઓમાં બાળકોને ગણવેશનું વિતરણ, મોબાઈલ એમ્બ્યુલન્સ વાહન દ્વારા માતા અને બાળકની આરોગ્ય સંભાળ, NTPC ઉત્કર્ષ મેરિટ સ્કોલરશીપ યોજના દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
નોંધનીય છે કે, ૭૩,૮૨૪ મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે NTPC દેશની સૌથી મોટી પાવર જનરેશન કંપની છે. જેની કુલ ઉત્પાદન ક્ષમતા ૬૫૬.૨ મેગાવોટ છે. ૨૫ મેગાવોટ ફ્લોટિંગ અને ૩૧ મેગાવોટ ગ્રાઉન્ડ સોલાર સાથે સોલાર પ્લાન્ટની કુલ ઉત્પાદન ક્ષમતા ૫૬ મેગાવોટ છે. સાથે જ NTPC દ્વારા ૨૦૩૨ સુધીમાં ૧૩૦ ગીગાવોટ વીજળી ઉત્પાદન કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરાયું છે.
આ પ્રસંગે ફાઇનાન્સ-વીપીજી જનરલ મેનેજર પી. શ્રીવત્સન, આસિસ્ટન્ટ મેનેજર(O&M) સંજયકુમાર મિત્તલ, આસિસ્ટન્ટ મેનેજર(HR) શ્રીમતી સુજીતા રાથ, એનટીપીસી-કવાસના વિભાગીય વડાઓ, કર્મચારીગણ સહિતના પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.