આ શું માત્ર 7 ઓવરમાં આખી ટીમ તંબૂ ભેગી !

આ શું માત્ર 7 ઓવરમાં આખી ટીમ તંબૂ ભેગી !
ઓસ્ટ્રેલિયાના 94 રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાન 64 રનમાં 9 વિકેટ
બ્રિસ્બેનઃ ગ્લેન મેક્સવેલની તોફાની બેટિંગ બાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટી-20 મેચમાં ઝેવિયર બાર્ટલેટ અને નાથન એલિસની ઘાતક બોલિંગથી પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધું હતું. વરસાદના વિઘ્ન બાદ શરૂ થયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 29 રનથી હરાવ્યું હતું. વરસાદથી પ્રભાવિત પ્રથમ T20 મેચમાં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેનો નિર્ણય ટીમની હારનું કારણ બન્યો હતો.
ગાબા ખાતે વાદળછાયા વાતાવરણમાં પાકિસ્તાનના બોલરો ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા. વરસાદના કારણે મેચ માત્ર 7 ઓવરની કરવામાં આવી હતી. આ 7 ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવીને 94 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે માત્ર 19 બોલમાં 43 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ સિવાય માર્કસ સ્ટોઈનિસે 300ના સ્ટ્રાઈક રેટથી 7 બોલમાં 21 રનનું યોગદાન આપ્યું હતું.
માત્ર 7 ઓવરની મેચમાં એવી ધારણા હતી કે બેટિંગમાં પાકિસ્તાન તરફથી વળતો હુમલો થશે, પરંતુ ઓસ્ટ્રેલિયન બોલરોએ એવો પાયમાલ મચાવ્યો કે મોહમ્મદ રિઝવાનની ટીમ પાણીમાં બેસી ગઈ હતી. લક્ષ્યાંક હાંસલ કરવાનું તો દૂર પાકિસ્તાનની ટીમે માત્ર 16 રનના સ્કોર પર તેની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ટોપ ઓર્ડરની ખરાબ બેટિંગ બાદ ટીમના બેટ્સમેનો મિડલ ઓર્ડરમાં પણ ખરાબ રહ્યા હતા. પાકિસ્તાનની ટીમે ઇનિંગના છેલ્લા બોલ સુધી 64 રનના સ્કોર પર 9 વિકેટ ગુમાવી દીધી હતી.