સાડી અને સંસ્કૃતિનો અનોખો સંગમ એટલે ઐતિહાસિક ‘સુરત સાડી વોકેથોન’*
સાડી અને સંસ્કૃતિનો અનોખો સંગમ એટલે ઐતિહાસિક ‘સુરત સાડી વોકેથોન’
*અઠવાલાઈન્સ ખાતે દેશમાં પ્રથમવાર યોજાયેલી ‘સાડી વોકેથોન’માં સુરતની ૧૦ હજારથી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો*
——
*‘લઘુ ભારત’ સમા સુરતમાં મહિલાઓને સ્વાસ્થ્ય જાગૃતિનો સંદેશો આપતી ‘સુરત સાડી વોકેથોન’થી એક નવો રેકોર્ડ રચાયો છે: કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી દર્શનાબેન જરદોશ*
——
*ભારતીય પરંપરા અને આધુનિકતા સાથે સંતુલન સાધીને વર્ષોથી દેશની નારીશક્તિ સમાજ, રાજ્ય અને દેશની પ્રગતિમાં તેજ ગતિએ પોતાનો અમૂલ્ય ફાળો નોંધાવી રહી છે: સાંસદ સી.આર.પાટિલ*
——
*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિડીયો સંદેશ દ્વારા સ્પર્ધકોનો ઉત્સાહ વધારી સુરત મહાનગરપાલિકાની આગવી પહેલા માટે અભિનંદન પાઠવ્યા*
——
*ભારતીય પરિધાનના વૈવિધ્યની પ્રતિતી કરાવતી ચંદેરી, મધુબની, બનારસી, તુસાર સિલ્ક, જમદાની, બાલુચરી, કોસા સિલ્ક,પટોલા જેવી વિવિધ વણાટ અને ડિઝાઈનની સાડીઓ બની આકર્ષણનું કેન્દ્ર*
——
સુરત:રવિવાર: ટેક્ષ્ટાઈલ હબ સુરતના અઠવાલાઈન્સ સ્થિત પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે SMC અને સુરત સ્માર્ટ સિટી ડેલવપમેન્ટ કોર્પો લિ. દ્વારા ઐતિહાસિક ‘સુરત સાડી વોકેથોન’ યોજાઈ. દેશમાં પ્રથમવાર યોજાયેલી સાડી વોકેથોનમાં સુરતની ૧૦ હજારથી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. ‘વોક ફોર યોર હેલ્થ ઈન સિક્સ યાર્ડ્સ ઓફ એલિગન્સ’ની થીમ આધારિત વોકેથોનને કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી દર્શનાબેન જરદોશ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદશ્રી સી.આર.પાટિલ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, મેયર હેમાલીબેન બોઘાવાલા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી વોકેથોનને પ્રસ્થાન કરાવ્યું હતું.
ભારતીય પરંપરાગત પરિવેશને ઉજાગર કરતી વિવિધ ડિઝાઈન, વણાટ અને મટિરિયલ્સની રંગબેરંગી સાડીઓમાં સજ્જ થઈને મહિલાઓ ઉત્સાહભેર સહભાગી થઈ હતી. વીર નર્મદ દ. ગુજ. યુનિવર્સિટીના વિદેશી મહિલા છાત્રોએ પણ આ વોકેથોનમાં સાડી પહેરી સુરતની ખૂબસૂરત વિચારસરણી અને ‘જેવો દેશ તેવો વેશ’ની વિભાવના સાકાર કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિડીયો સંદેશ દ્વારા સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો, તેમજ સુરત મહાનગરપાલિકાની પ્રેરક અને અનોખી પહેલ માટે અભિનંદન પાઠવ્યા હતા.
ટેક્ષ્ટાઈલ માટે વિશ્વવિખ્યાત સુરતની યશકલગીમાં ‘સાડી વોકેથોન’ થકી એક નવું સોપાન જોડાવા બદલ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે આનંદની લાગણી વ્યકત કરી હતી. તેમણે કહ્યું કે, આઝાદીના અમૃત કાળમાં સુરત ‘એક ભારત,શ્રેષ્ઠ ભારત’ની પ્રતીતિ કરાવી રહ્યું છે. ‘લઘુ ભારત’ સમા સુરતમાં મહિલાઓને સ્વાસ્થ્ય જાગૃતિનો સંદેશો આપતી ‘સુરત સાડી વોકેથોન’થી એક નવો રેકોર્ડ રચાયો છે તેમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ વોકેથોનમાં પોલિસ અધિકારીઓ, સરકારી મહિલા કર્મચારીઓને તેમજ અન્ય કર્મીઓને પણ સહભાગી થવા બદલ ધન્યવાદ વ્યક્ત કર્યો હતો.
વોકેથોનમાં મહિલાઓનો ઉત્સાહ વધારતા સાંસદશ્રી સી.આર.પાટિલે જણાવ્યું હતું કે, ભારતીય પોષાકનું અભિન્ન અંગ અને વૈશ્વિક ઓળખ ધરાવતી સાડી પહેરીને ભારતીય મહિલાઓએ આપણી સંસ્કૃતિને હરહંમેશ પ્રાધાન્ય આપ્યું છે. સ્ત્રીઓની કાર્યક્ષમતાની સરાહના કરતાં તેમણે કહ્યું હતું કે, ભારતીય પરંપરા અને આધુનિકતા સાથે સંતુલન સાધીને વર્ષોથી દેશની નારીશક્તિ સમાજ, રાજ્ય અને દેશની પ્રગતિમાં તેજ ગતિએ પોતાનો અમૂલ્ય ફાળો નોંધાવી રહી છે. વધુમાં તેમણે વડાપ્રધાનશ્રીનાં નેતૃત્વમાં આગળ વધતાં દેશમાં સ્ત્રીઓને મળી રહેલી અગ્રિમતાનો ઉલ્લેખ કરી મહિલાઓના રાષ્ટ્રીય વિકાસમાં યોગદાનની પણ પ્રશંસા કરી હતી.
મહિલાઓનો ઉત્સાહ વધારવા સાથે મંત્રીશ્રી દર્શનાબેન જરદોષ, મેયર હેમાલીબેન બોઘાવાલા, પાલિકા કમિશનરશ્રી શાલિની અગ્રવાલ, વુમન ૨૦ના અધ્યક્ષ ડો. સંધ્યા પૂરીએ પણ સ્પર્ધકોની સાથે વોકેથોનમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, પોલીસ કમિશનરશ્રી અજય કુમાર તોમર, નાયબ પોલીસ કમિશનર (વહીવટ અને પોલીસ મુખ્ય મથક) સરોજ કુમારી, સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી પરેશ પટેલ, શહેર સંગઠન અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્યશ્રી સંગીતાબેન પાટીલ, પોલિસ વિભાગના મહિલા ઉચ્ચ અધિકારીઓ, SMC કર્મચારીઓ, શહેરની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
. . . . . . .
*અનોખી ‘સાડી વોકેથોન’માં સાડીઓ દ્વારા ભારતના વિશાળ અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાની ઝાંખી*
યોગ ગરબાના તાલે શરૂ થયેલી આ અનોખી વોકેથોનમાં વિવિધ રાજયોનું પ્રતિનિધિત્વ કરતી મહિલાઓએ સંબંધિત પ્રાંતની ડિઝાઈન, સ્ટાઈલ અને કલર અનુરૂપ સાડીઓ ધારણ કરી હતી. જેમાં હરિયાણા, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરાલા, ઓડિશા, તેલંગાણા, કર્ણાટક, ગુજરાત, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પ. બંગાળ જેવા રાજયોની તુસાર, ગીચા, મધુબની પેઈન્ટિંગ સાડીઓ, કાંથા, કોસા સિલ્ક, ફૂલકરી, પટોળા, ડબલ ઈકત, ટાંગલિયા, અશવલી, ચંદેરી, કોટન બોમકાઈ, કોટપડ, પોચેમ્પલી, બનારસી, જામાવર (બનારસી), લહેરિયા, ગોતા પટ્ટી, બાંધણી જેવી સાડીઓ દ્વારા ભારતના વિશાળ અને વૈવિધ્યસભર પરિધાન અને સાંસ્કૃતિક વારસાની ઝાંખી થઈ હતી.