સાધલી-પોર રોડ ૮ મહિનાથી અધ્ધરતાલ, છૂટા કપચી-માટીના કારણે રસ્તો બન્યો ‘ડેથ ઝોન’

સાધલી-પોર રોડ ૮ મહિનાથી અધ્ધરતાલ, છૂટા કપચી-માટીના કારણે રસ્તો બન્યો ‘ડેથ ઝોન’
પોલ્ટ્રી ફાર્મ નજીક વધુ એક કાર પલટી, સદભાગ્યે જાનહાનિ ટળી

શિનોર : એક તરફ ગુજરાત સરકાર સ્પીડ અને પ્રોગ્રેસના દાવા કરે છે, ત્યારે બીજી તરફ શિનોર તાલુકાનો સાધલીથી પોરને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ૮ મહિના કરતાં વધુ સમયથી મંથર ગતિએ ચાલતા કામને કારણે વાહનચાલકો માટે ‘મોતનો કૂવો’ સાબિત થઈ રહ્યો છે. માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારીના કારણે રસ્તા પર પાથરેલી છૂટી કપચી અને ધૂળની ડમરીઓએ આ આખા રૂટને અકસ્માત ઝોન બનાવી દીધો છે.
તાજેતરમાં જ વડોદરાથી પોર થઈને સાધલી આવી રહેલી એક ફોર વ્હીલ કાર લીંગસ્થળીથી ટીંબરવા તરફ આવતા એક પોલ્ટ્રી ફાર્મ નજીક ગમખ્વાર અકસ્માતનો ભોગ બની હતી. તંત્ર દ્વારા રસ્તા પર રઝળતી મૂકેલી છૂટી કપચીમાં અચાનક કારના ટાયર સ્લિપ થઈ જતાં ગાડી ખેંચાઈ ગઈ હતી અને રોડની બાજુમાં આવેલા ખાડામાં ૨ થી ૩ પલટી ખાઈ ગઈ હતી. સદભાગ્યે કારચાલકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ જ જગ્યાએ અગાઉ પણ અનેક અકસ્માતો થયા:
બાઈક ચાલકો સ્લિપ થયા: આ જ છૂટી કપચીના કારણે નોકરી-ધંધે જતા ૩ થી ૪ બાઈક ચાલકો અહીં સ્લિપ થઈ જતાં ઈજાગ્રસ્ત થયા છે.
૪ એપ્રિલ ૨૦૨૬ની ઘટના: ગત એપ્રિલ માસમાં કાયાવરોહણ તરફથી આવતી એક નવી નક્કોર ફોર વ્હીલ ગાડી પણ લીંગસ્થળી અને ટીંબરવા વચ્ચે આ જ રીતે કપચીમાં સ્લિપ થઈને ઝાડ સાથે અથડાઈ હતી અને બે-ત્રણ પલટી ખાઈ ગઈ હતી.
ટીંબરવાના સ્થાનિકની કારનો અકસ્માત: આ જ સ્પોટ પર ટીંબરવાના એક સ્થાનિક રહીશની ફોર વ્હીલ ગાડી પણ અકસ્માતનો ભોગ બની ચૂકી છે.
“બચાવનાર ઈશ્વર છે, પણ અકસ્માત કરાવનાર તંત્ર છે!”
સ્થાનિકો ભારે આક્રોશ સાથે કહી રહ્યા છે કે આ અકસ્માતોમાં લોકોના જીવ ઉપરવાળો ઈશ્વર બચાવી રહ્યો છે, પરંતુ આ અકસ્માતો સર્જવા માટે માર્ગ અને મકાન વિભાગ સંપૂર્ણપણે જવાબદાર છે. ૮-૮ મહિનાથી રસ્તાનું કામ અધૂરું છોડી દેવાયું છે, ધૂળ ન ઊડે તે માટે પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી. પરિણામે આસપાસના ખેડૂતો, ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
જનતા પરેશાન, નેતાઓ આંધળા-બહેરા અને મૂંગા!
આ વિસ્તારમાંથી ચૂંટણી ટાણે વોટ માંગીને ગયેલા તાલુકા, જિલ્લા, રાજ્ય (ધારાસભ્ય) કે કેન્દ્રના (સાંસદ) તમામ જનપ્રતિનિધિઓ જાણે આંધળા, બહેરા અને મૂંગા બની ગયા હોય તેમ જનતાની આ હાલાકી બાબતે મૌન સેવીને બેઠા છે. નિર્દોષ પ્રજા રોજ જીવના જોખમે સફર કરવા મજબૂર બની છે.
વિકાસના બણગાં ફૂંકતી સરકારના રાજમાં સાધલી-પોર રોડ ક્યારે પૂરો થશે અને તંત્ર કોઈનો જીવ લેવાયા પછી જાગશે કે પહેલા? તેવા આકરા સવાલો જનતા પૂછી રહી છે.



