મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરી મેળા થકી કિશોરીઓના સશક્તિકરણ અને સુરક્ષાનો પ્રયાસ
વિશ્વ બાલિકા દિવસ અંતર્ગત ઓલપાડના સાયણ ખાતે ‘સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત' થીમ અંતર્ગત કિશોરી મેળો યોજાયો
શિક્ષણ, આરોગ્ય, રોજગાર, બચત, સુરક્ષા, કાનૂની સહાય સહિતના પાસાઓની સમજ અપાઈ
સુરતઃસોમવાર: કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા પુરસ્કૃત યોજનાઓના હાર્દમાં દીકરી જન્મને પ્રોત્સાહન, દિકરીઓના શિક્ષણ, પોષણ બાળલગ્ન, સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી આ યોજનાઓના સંકલનમાં ભારત સરકારની થીમ ‘કિશોરી કુશળ બનો’ હેઠળ રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ અને ICDS વિભાગના સંયુક્ત ઉપક્રમે ઓલપાડ તાલુકાનાં સાયણ ગામની જીવનદીપ વિદ્યાલય ખાતે ‘કિશોરી કુશળ બનો થીમ તથા ‘સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન’ હેઠળ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ તથા પૂર્ણા યોજના અંતર્ગત કિશોરી મેળો યોજાયો હતો. મેળામાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, બચત, સુરક્ષા, કાનૂની સહાય સહિતના પાસાઓની સમજ અપાઈ હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી નીતાબેન પટેલે જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા કિશોરી, મહિલાઓ અને માતાના સશક્તિકરણ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. કિશોરીઓના આરોગ્ય, ખોરાક, શિક્ષણ સહિતની દરેક બાબતની દરકાર સરકાર કરી રહી છે. ત્યારે દીકરીઓ આ દરેક યોજનાનો લાભ લે એ જરૂરી છે. આજની દીકરીઓ આવતીકાલની મતા છે અને ભારતનું ભવિષ્ય ઉજળું બનશે.
મહિલા અને બાળ કલ્યાણ વિકાસ અધિકારી બી.જે.ગામીતે કિશોરીઓ માટેની વિવિધ યોજનાઓનો લાભ લઈ સુપોષિત અને સક્ષમ બનવા અને અન્ય કિશોરીઓ સુધી આ યોજનાઓની માહિતી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત OSCનાં પેરા લીગલ એડવાઇસર મમતા કાકલોતર દ્વાર મહિલા બાળની તમામ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામા આવી હતી.
આ પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, શ્રમ અને રોજગાર વિભાગ, પોસ્ટ ઓફિસ, પોલીસ વિભાગ, અર્બન હેલ્થ સેન્ટર અને સંકલિત બાળ વિકાસ યોજના વિભાગ હેઠળ તૈયાર કરવામાં આવેલા સ્ટોલ દ્વારા બાળકોના હક અને કાયદા, ચાઇલ્ડ મેરેજ એક્ટ, પોક્સો એક્ટ, વિનામૂલ્યે કાનૂની સહાય, કૌશલ્ય વર્ધનના વિવિધ ક્ષેત્રો, આઈ.ટી.આઈ અને કે.વી.કે.ના વિવિધ કોર્સ, શી ટીમ, મહિલા સુરક્ષા, સ્વબચાવ શિક્ષણ, અશોકભાઈ દ્વારા પોસ્ટ બચત યોજના સહિત સરકારની વિવિધ યોજનાઓ વિશેની જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ કિરણભાઈ,સભ્યશ્રી હેમુભાઈ પાઠક, સરપંચશ્રી જિગીષાબેન ઠક્કર, દહેજ પ્રતિબંધત સંરક્ષક અધિકારી કે.વી.લકુમ, ડી.પી.વસાવા, મહિલા બાળ અધિકારીશ્રી બી.જી.ગામીત,ડિસ્ટ્રીક મિશન કો-ઓર્ડિનેટરશ્રી સ્મિતાબેન પટેલ, CDPOનાં પ્રતિનિધી શીતલબેન, મુખ્ય સેવિકાઓ અને વર્કર બહેનો મહિલા અને બાળ કચેરી સંચાલિત DHEW ટીમ, PBSC ટીમ, શાળાના ટ્રસ્ટીશ્રી ભરતભાઈ, આચાર્યશ્રી જયદીપભાઈ તેમજ શાળાની કિશોરીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.