પ્રાદેશિક સમાચાર

બિપરજોય વાવાઝોડાની વિકટ સ્થિતિ વચ્ચે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી વધુ એક અંગદાન

બિપરજોય વાવાઝોડાની વિકટ સ્થિતિ વચ્ચે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી વધુ એક અંગદાન

શહેરના કોસાડ આવાસ ખાતે રહેતા ૨૮ વર્ષીય બ્રેઈનડેડ યુવકની બે કિડની, બે ચક્ષુઓનું દાન

*બ્રેઈનડેડ યુવકની બે કિડનીના દાનથકી બે વ્યકિતઓને નવજીવન તથા બે ચક્ષુઓથી બે વ્યકિતઓની આંખોમાં રોશની પથરાશે

દાનવીરોની ભૂમિ સુરતમાં અંગદાન પ્રત્યે જાગૃત્તિ: ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ મેળવતું સુરત

સુરતઃ બિપરજોય વાવાઝોડાની વિકટ સ્થિતિ વચ્ચે દાનવીરોની ભૂમિ તરીકે ઓળખાતા સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ એક અંગદાન થયું હતું. આજે શહેરના કોસાડ આવાસ ખાતે રહેતા ૨૮ વર્ષીય બ્રેઈનડેડ ગણેશ કેશવભાઈ પરમારની બે કિડની તથા બે ચક્ષુનું દાન કરાયું છે.

બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ટકરાયું છે, ત્યારે રાજ્ય સરકાર લોકોના જાનમાલની સલામતી અને જીવનરક્ષાને પ્રાથમિકતા આપી રહી છે, એ જ રીતે હાલ વાવઝોડાની દહેશત વચ્ચે પણ સુરતમાં અંગદાનની સરવાણી અટકી નથી, એની આજે પ્રતીતિ થઈ છે.

સુરતના કોસાડ આવાસ ખાતે ૨૮ વર્ષીય ગણેશ કેશવભાઈ પરમાર અને તેમના ભાઈ વચ્ચે ઝઘડો થતા ગણેશને ઈજા થઈ હતી, અને તા.૧૪મી જૂનના રોજ સવારે ૭.૩૦ વાગે નવી સિવિલ હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ તા.૧૬મીએ રાત્રિએ ૧.૩૦ વાગે ન્યુરોફિજીશ્યન સર્જન ડો.પરેશ ઝાંઝમેરા તથા ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. પરિવારજનોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા તથા કાઉન્સેલર નિર્મલાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. જેથી સ્વ.ગણેશના માતા તથા મામીએ અંગદાનની સમંતિ આપી હતી.

આજે બપોરે બ્રેઈનડેડ સ્વ.ગણેશના બે કિડની તથા બે ચક્ષુનું દાન લેવામાં આવ્યું હતું. બે કિડની અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જયારે બે ચક્ષુને સિવિલ હોસ્પિટલની આઈ બેંકમાં રાખવામાં આવ્યા હતા. આમ, બે કિડની થકી બે નવી જિંદગી તથા ચક્ષુ થકી આંખોની રોશની આપવાનું સેવાકાર્ય થયું હતું.

સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર, RMO ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડિયા, ડો.ભરત ચાવડા, નર્સિંગ કાઉન્સીલના ઉપાધ્યક્ષશ્રી ઈકબાલ કડીવાલા, નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફે અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.

આમ, નવી સિવિલના પ્રયાસો સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે આજે ૨૯મું અંગદાન થયું છે. સુરતમાં અંગદાન પ્રત્યે જાગૃત્તિ આવતા ‘અંગદાન થકી જીવનદાન’ના મંત્રને સુરતવાસીઓ સાર્થક કરી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button