સુરત થી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન સુરત ની કિરણ હોસ્પિટલ થી કરાવવામાં આવ્યું.

સુરત થી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન સુરત ની કિરણ હોસ્પિટલ થી કરાવવામાં આવ્યું.
હિન્દુ મરાઠા પાટીલ સમાજના બ્રેઈનડેડ કિરણભાઈ મોરેશ્વરભાઈ પાટીલ ઉ.વ ૪૫ના કિડની અને ચક્ષુઓનું દાન
ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી
મૂળ ગામ – ખેડી, તા. અમલનેર, જી. જલગાંવ, મહારાષ્ટ્રના વતની અને હાલમાં પ્લોટ નં – ૨૭, સોમેશ્વર નગર- ૧, જીયાવ બુડીયા રોડ, ભેસ્તાન, સુરત ખાતે પોતાના પરિવાર સાથે રહેતા અને સચીનમાં આવેલ સાક્ષી ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મીલમાં ડાઈંગ માસ્ટર તરીકે ફરજ બજાવતા કિરણભાઈ તા. ૧૩ એપ્રિલના રોજ બપોરે જમી રહ્યા હતા, ત્યારે તેમને લકવાનો હુમલો આવતા પરિવારજનોએ તેમને તાત્કાલિક ભેસ્તાનમાં આવેલ વાઇબ્રન્ટ હોસ્પીટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ વધુ સારવાર માટે તેમને કિરણ હોસ્પિટલમાં ન્યૂરોસર્જન ડો. ભોમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા. નિદાન માટે CT સ્કૅન કરાવતા બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયું હતુ.
૧૪ એપ્રિલના રોજ ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોર, ન્યુરોફીઝીશયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી અને મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલે કિરણભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા.
ડો.મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી કિરણભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.
ડોનેટ લાઈફ ની ટીમે હોસ્પિટલ પહોંચી ડો.મેહુલ પંચાલ સાથે રહી કિરણભાઈની પત્ની શ્રદ્ધા, ભાઈ મનોજ, પુત્રી નિધિ અને દિયા તેમજ પાટીલ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યુ.
કિરણભાઈની પત્ની શ્રદ્ધાએ જણાવ્યું કે, મારા પતિ બ્રેઈનડેડ છે, શરીર રાખ જ થઈ જવાનું છે, ત્યારે મારા પતિના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. કિરણભાઈના પરિવારમાં પત્ની શ્રદ્ધા ઉ.વ. ૩૯ ગૃહિણી છે. બે પુત્રી પૈકી, એક પુત્રી નિધિ ઉ.વ. ૨૦ નવસારીમાં આવેલ નારણલાલા કોલેજમાં બેચલર ઇન કોમ્પુટર સાયન્સ ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, બીજી પુત્રી દિયા ઉ.વ. ૧૭ ગર્લ્સ પોલીટેકનીકમાં ડિપ્લોમા ઇન ઇન્ફરમેશન ટેક્નોલૉજીના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે, પુત્ર રિશી ઉ.વ. ૧૬ સાર્વજનિક એજયુકેશન સંચાલિત ઉધનામાં આવેલ સાર્વજનિક સ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા બંને કિડની સુરતની કિરણ હોસ્પિટલને ફાળવવામાં આવી.
દાનમાં મેળવવામાં આવેલી બે કિડની માંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની રહેવાસી ઉ.વ. ૪૨ વર્ષીય મહિલામાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ઉ.વ. ૩૫ વર્ષીય વ્યક્તિમાં કિરણ હોસ્પીટલમાં ડૉ. મુકેશ આહિર, ડૉ. પ્રમોદ પટેલ, ડો. કલ્પેશ ગોહિલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું.
ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. સંકિત શાહ દ્વારા કરવામાં આવશે.
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં કિરણભાઈની પત્ની શ્રદ્ધા, ભાઈ મનોજ, પુત્રી નિધિ અને દિયા તેમજ પાટીલ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોર, ન્યુરોફીઝીશયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલ, ટ્રાન્સપ્લાન્ટ કૉ-ઓર્ડીનેટર ડૉ. અલ્પા પટેલ, જગદીશ સિંધવ, એનેસ્થેસિયા ટીમ, કિરણ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, હર્ષ સિન્હા, ભરતભાઈ ત્રિવેદી અને જતીન કાપડિયાનો સહકાર સાંપડ્યો હતો.
ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૩૧૯ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં ૫૩૬ કિડની, ૨૩૨ લિવર, ૫૬ હૃદય, ૫૨ ફેફસાં, ૯ પેન્ક્રીઆસ, ૮ હાથ, ૧ નાનું આતરડું અને ૪૨૫ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૨૧૫ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.