‘ભારતની બેટી’ મેડમ કામા: દેશભક્તિ અને શૂરવીરતાની અનોખી મિસાલ
દિનમહિમા: તા.૨૪મી સપ્ટેમ્બર: મેડમ ભિખાઈજી કામાની જન્મજયંતિ
વિદેશની ધરતી પર રહી દેશ માટે સમગ્ર જિંદગી ન્યોચ્છાવર કરનાર દેશની વિરાંગના મેડમ કામાને શત્ શત્ નમન
વિદેશની ધરતી પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવનાર મહિલા મેડમ ભિખાઈજી કામા
સુરતઃશનિવારઃ દેશની આઝાદીની લડતમાં મહિલાઓએ પોતાના મહામુલુ યોગદાન આપ્યું હતું. દેશની ઘણી વિરાંગનાઓએ શહિદી પણ વ્હોરી હતી. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા અનેક સંઘર્ષો બાદ આઝાદી મળી હતી. ઘણા એવા ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓ છે જેમણે ભારતની બહાર રહીને માતૃભૂમિની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધુ હતું. જેમાં વિદેશની ધરતી પર રહીને ભારત માતાને આઝાદી માટે મેડમ ભિખાઈજી કામાએ ભારતનો રાષ્ટ્રીય ધ્વજ પ્રથમવાર ફરકાવીને બહુમાન મેળવ્યું હતું.
‘ભારતની બેટી’ તરીકે આગવી નામના મેળવનાર મેડમ ભિખાઈજી કામાનો જન્મ મુંબઈના પ્રતિષ્ઠિત પારસી કુટુંબમાં ૨૪મી સપ્ટેમ્બર, ૧૮૬૧ના રોજ થયો હતો. તેમનાં પિતાનું નામ સોરાબજી ફરામજી પટેલ હતું, અને માતાનું નામ હતું જીજીબાઈ. તેમનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની એલેકઝાન્ડરા પારસી ગર્લ્સ સ્કૂલમાં થયું. તે જમાનામાં છોકરીઓને વધુ ભણાવવાનું ચલણ ન હતું, પરંતુ ભિખાઈજી ઘરે રહીને જ અંગ્રેજી, ફ્રેન્ચ અને જર્મન જેવી વિદેશી ભાષાઓ શીખ્યા હતાં.
ભિખાઈજી કામા અને તેઓ કુલ નવ ભાઈ બહેનો હતાં. ઘરમાં સૌ એમને ‘મુન્ની’ કહીને બોલાવતાં. શાળાના પોતાના વર્ગમાં તેઓ હંમેશા પ્રથમ જ આવતાં. આપેલ ગૃહકાર્ય પૂરૂ કર્યા વગર તેઓ જમતાં પણ ન હતાં.
તેઓ નાનપણથી જ દેશભક્તિના રંગે રંગાયા હતાં. ઝૂંપડામાં રહેતાં લોકોને તેઓ ભણાવતા હતાં. ઈ.સ. ૧૮૮૫માં કૉંગ્રેસ દ્વારા સ્વચ્છતા અંગેનું અધિવેશન મુંબઈમાં યોજાયું હતું. આ અધિવેશને એમનાં મન પર અનોખી છાપ પાડી હતી, અને આઝાદીની લડતમાં ભાગ લેવાનાં તેમનાં ઈરાદાને મજબૂત પણ કર્યો હતો. તેમનાં પિતાને આ બધું પસંદ ન હોવાથી તેમણે એમનાં લગ્ન કરાવી દીધાં હતાં. ૨૪ વર્ષની ઉંમરે તેમનાં લગ્ન મુંબઈનાં જાણીતા ઉદ્યોગપતિ અને વકીલ શ્રી રૂસ્તમ ખુરશીદ કામા સાથે થયા. પતિનાં ઘરે અત્યંત જાહોજલાલી અને એશોઆરામ હોવાં છતાં તેમનું મન તો દેશને આઝાદ કરાવવાની વાત જ વિચારતું હતું.
લગ્ન પછી પણ તેમણે સામાજિક પ્રવૃત્તિઓમાં રસ લેવાનું ચાલુ જ રાખ્યું હતું. ઈ.સ.૧૮૯૬માં જ્યારે મુંબઈમાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે તેમણે ગરીબોના વિસ્તારોમાં જઈને લોકોની સેવા કરવા માંડી હતી. તેઓ પણ પ્લેગની ઝપેટમાં આવ્યા હતા. ઈ.સ.૧૯૦૨માં તેઓ ગંભીર રીતે બિમાર પડતા તેમના પતિ ઈલાજ માટે ઈંગ્લેન્ડ લઈ ગયા. એમનો ઈલાજ ચાલુ હતો અને પતિએ ભારત પાછા આવી જવું પડ્યું. ત્યારબાદ ભિખાઈજી જીવનનો મોટા ભાગનો સમય ત્યાં જ રહ્યાં.
આઝાદીનાં જંગમાં આ નારીશક્તિએ અનોખી વીરતા દાખવી હતી. ઈ.સ. ૧૯૦૨માં લંડનમાં ચાલી રહેલી સારવાર દરમિયાન તેમની મુલાકાત દાદાભાઈ નવરોજી સાથે થઈ. પરિણામે એમની આઝાદીના જંગમાં સક્રિયતા વધી. તેઓ આઈરીશ અને રશિયન ક્રાંતિકારીઓને ક્રિસમસની ભેટ તરીકે છૂપી રીતે પિસ્તોલ મોકલીને પોતાનાં મિત્રો વધારતાં હતાં.
૧૯૦૫માં કામ ફ્રાંસના પેરિસમાં સરદારસિંહ રાણા અને મુંચેરશાહ ગોદરેજની સાથે મળીને પેરિસ ઈન્ડિયન સોસાયટીની સ્થાપના કરી. આ સોસાયટી એવું બતાવતી હતી કે તેઓ ભારતનો પ્રચાર કરે છે, પરંતુ ગુપ્ત રીતે તેઓ ભારતમાં સશસ્ત્ર લડાઈ કરનારાઓને હથિયારો પૂરાં પાડતાં હતાં. ભિખાઈજી જુદાં જુદાં પ્રકારનાં રમકડાંઓ ખરીદતાં અને ખૂબ જ સિફતથી તેમાં બંદૂકો અને કારતૂસો મોકલતા. આ ઉપરાંત તેઓ બંદૂક, દારૂગોળો, બૉમ્બ વગેરે બનાવવાની માહિતી આપતાં પુસ્તકો અને મેગેઝિન્સ છૂપી રીતે ભારત મોકલતા હતાં. ખૂબ ઓછા વર્ષોમાં તેઓ આઝાદીની લડતના એક અગ્રગણ્ય લડવૈયા બની ગયા.
ભિખાઈજી પોતાનાં તીખાં ભાષણો અને લેખો દ્વારા અત્યંત ટૂંકા ગાળામાં ભારતીયો માટે આદરપાત્ર અને અંગ્રેજ સત્તાધીશો માટે માથાનો દુઃખાવો બની ગયાં. ઈ.સ.૧૯૦૬માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા, જેનો આખા દેશમાં જોરદાર વિરોધ થયો. દેશમાં બંગભંગ વિરોધી આંદોલન શરૂ થયું, અને મેડમ કામાએ ઈંગ્લેન્ડથી એને ટેકો જાહેર કર્યો.
ઈ.સ.૧૯૦૭માં જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં આંતરરાષ્ટ્રીય સોશ્યાલિસ્ટ કૉંગ્રેસ અધિવેશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે મેડમ કામા અને સરદારસિંહ રાણા આગળ આવ્યાં. આ અધિવેશનમાં જતાં તેમને અટકાવવા માટે ભારતની અંગ્રેજ સરકારે ખૂબ જ ધમપછાડા કર્યા, પણ ફાવી નહીં. આ અધિવેશનમાં પધારેલા અનેક દેશોના પ્રતિનિધિઓની સામે મેડમ કામાએ ભારતમાં અંગ્રેજો દ્વારા થતાં શોષણ, દમન અને ગુલામીનું વર્ણન કર્યું. ઉપરાંત, ભારતને સંપૂર્ણ આઝાદી મળે એ માટેનો પણ જોરદાર પ્રસ્તાવ રજૂ કર્યો, અને આ અધિવેશનમાં જ તેમણે જાતે બનાવેલો ભારતનો ધ્વજ ફરકાવ્યો. ભારતનો ધ્વજ લહેરાવનાર પ્રથમ મહિલા બની ગયાં.
તેમના રાષ્ટ્રધ્વજમાં લાલ, કેસરી અને લીલા એમ ત્રણ પટ્ટા હતા. લાલ પટ્ટામાં આઠ અર્ધખીલ્યાં કમળ હતાં, જે ભારતના તે સમયનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતાં હતાં. વચ્ચેના પટ્ટા પર દેવનાગરી લિપિમાં ‘વંદે માતરમ’ લખેલું હતું. સૌથી નીચેના પટ્ટામાં એક બાજુ સૂર્ય અને બીજી બાજુ ચાંદ તારો હતો, જે ભારતનાં બે મુખ્ય ધર્મો હિંદુ અને મુસ્લિમના પ્રતિક હતાં.
તેમણે વિદેશની ધરતી પર ભારતીય ધ્વજ ફરકાવતા નીડરતાથી ઘોષણા કરતા કહ્યું હતુ કે, ‘આ ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ છે. હું તમામ સભાસદોને આહ્વાન કરૂ છું કે ઉઠો…હું દુનિયાભરના તમામ સ્વતંત્રતાના ચાહકોને આ ધ્વજ સાથે સહભાગી થવાની અપિલ કરૂ છું. વંદે માતરમ્….વંદે માતરમ્…’
આ ઘટના બાદ મેડમ કામા આ ધ્વજની એક નકલ પોતાનાં તમામ ભાષણો દરમિયાન સાથે જ રાખતાં હતાં. તેમણે ચાલુ કરેલ સામયિક ‘તલવાર’ના પૂઠા પર પણ આ ધ્વજનું ચિત્ર હતું. તેમણે ‘વંદે માતરમ’ નામનું એક અખબાર પણ શરૂ કર્યું હતું. આમાં તેમના ભાષણો ઉપરાંત અન્ય નેતાઓના ભાષણો પણ પ્રગટ થતાં હતાં.
મેડમ કામા ઈ.સ.૧૯૦૫ સુધી તો સંપૂર્ણ પણે અહિંસામાં જ માનતાં હતાં, પરંતુ અંગ્રેજોના દમન અને અત્યાચાર આગળ નેતાઓના ઠંડા વલણ અને ધીમી ગતિથી અકળાઈને તેઓ હિંસક ક્રાંતિ તરફ વળ્યાં હતાં. તેઓ હિંદુ-મુસ્લિમ એકતા, સ્વાવલંબીપણું અને સ્ત્રીસમાનતાનો પણ પ્રચાર કરતાં હતાં.
વિદેશમાં તેમના વધતા જતા પ્રભાવથી ભયભીત થઈને અંગ્રેજોએ તેમને ફ્રાંસમાંથી ભારત હાંકી કાઢવાની માંગણી કરી હતી, પરંતુ ફ્રેંચ સરકારે તેમને પોતાની માતૃભૂમિમાં પાછા મોકલવાની અને તેમની સંપત્તિને જપ્ત કરવાની બ્રિટિશરોની માંગણીને નકારી કાઢી હતી. મેડમ કામાને પરાસ્ત કરવાના બ્રિટિશરોના અથાક પ્રયત્નો બાદ પણ મેડમ કામાએ ભારતની સ્વતંત્રતા માટે તેમની લડત ચાલુ રાખી હતી.
ઈ. સ.૧૯૦૭ના અંતમાં તેઓ અમેરિકા ગયા હતાં અને ત્યાંથી પાછા ઈંગ્લેન્ડ આવ્યાં કે તરત જ તેમની ધરપકડ કરવી અને તેમનાં પર દેશદ્રોહનો મુકદમો ચલાવી કાળા પાણીની સજા કરવી એવું અંગ્રેજ સરકારે નક્કી કર્યું. મેડમ કામાને આ વાતનો અંદાજ આવી જતાં તેઓ ઈંગ્લેન્ડને બદલે સીધાં પેરિસ જતાં રહ્યાં. આ જ સમયગાળામાં સરદારસિંહ પણ લંડનથી પેરિસ જતા રહ્યા, અને બંનેએ પેરિસથી જ ભારતની આઝાદીની લડત ચલાવી. મેડમ કામાનું પેરિસમાં આવેલું ઘર વિદેશોમાં વસતાં ભારતીય ક્રાંતિકારીઓ માટેનું મુખ્ય મથક બની ગયું હતું.
ઈ. સ. ૧૯૧૪માં જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે એક તરફ જર્મની હતું અને બીજી તરફ ઈંગ્લેન્ડ, ફ્રાંસ જેવાં રાષ્ટ્રો. અંગ્રેજોએ આ યુદ્ધ જીતવા માટે પોતાના તાબા હેઠળના તમામ રાષ્ટ્રોને એમાં જોડાવવાનું ફરમાન મોકલ્યું હતું, જેમાં ભારત પણ હતું. અનેક ભારતીય જવાનોના આ યુદ્ધમાં થતાં મોતને લઈને મેડમ કામા દુઃખી થયાં હતાં. તેમણે ઘોષણા કરી કે જર્મની આપણું મિત્ર છે, એમની સામે નહીં, એમની સાથે રહો. આથી અંગ્રેજોએ ફ્રાન્સની સરકારને મેડમ કામાને પોતાને સોંપી દેવા કહ્યું. ફ્રાન્સની સરકારે આવું તો ન કર્યું પરંતુ મેડમ કામાને પેરિસથી દૂર લઈ જઈ એક કિલ્લામાં નજરકેદ કર્યાં અને વિશ્વયુદ્ધ પૂર્ણ થતાં જ એમને છોડી દીધાં.
ફરીથી તેઓ પેરિસ આવ્યાં અને ઈ. સ.૧૯૩૫ સુધી ત્યાં જ રહ્યાં. આ સમયે લેનિને તેમને રશિયામાં સ્થાયી થવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ મેડમ કામાએ એનો સવિનય અસ્વીકાર કર્યો હતો.
સતત આઝાદીની લડાઈમાં ભાગ લેવાને કારણે અને પોતાની જાતની પરવા ન કરવાને કારણે તેમનું શરીર બીમારીઓનું ઘર બની ગયું હતું. ઉંમર સિત્તેર વટાવી ચૂકી હતી. પેરિસમાં હવે તેઓ એકલાં જ હતાં, કોઈ એમની દેખરેખ રાખનાર ન્હોતું. એમના મિત્રો એમની મદદ કરવા તૈયાર હતાં, પણ મેડમ કામાએ તો માદરે વતન ભારત પાછા ફરવું હતું. એમની આવી અવસ્થા હોવાં છતાં અંગ્રેજ સરકાર એમનાથી ગભરાતી હતી. આથી જ તેઓ મેડમ કામાને ભારતમાં આવવા દેતા નહોતા.
આખરે પાંત્રીસ વર્ષોના લાંબા ગાળા બાદ ઈ.સ.૧૯૩૬ની શરૂઆતમાં તેઓ સ્ટ્રોકના કારણે લકવાગ્રસ્ત થયા, જેથી અંગ્રેજોએ તેઓને ભારત પાછા ફરવાની પરવાનગી આપી. ભારતમાં આવીને મુંબઈની એક પારસી ધર્માદા હૉસ્પિટલમાં દાખલ થયાં. આખરે ઈ.સ. ૧૯૩૬ના વર્ષમાં ૧૩મી ઑગસ્ટના રોજ પંચોતેર વર્ષની ઉંમરે મુંબઈની એક પારસી હૉસ્પિટલમાં આ મહાન મહિલા ક્રાંતિકારીનું અવસાન થયુ હતું.
મેડમ ભિખાઈજીમાં દેશભક્તિ અને શૂરવીરતાનો અનોખો સંગમ હતા. એમણે યુરોપ અને અમેરિકામાં ભારતની આઝાદીનો નાદ જગાડ્યો હતો. તેમણે વ્યકિતગત સંપત્તિનો મોટો ભાગ અબાબાઈ ફાર્મજી પિટીટ પારસી ગર્લ્સ અનાથાયલયમાં દાન કર્યો હતો. તેમના દેશહિતના કામ અને સન્માન તરીકે ભારતમાં અનેક સ્થળો અને રસ્તાઓના નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યા છે.