સુરત જિલ્લા આયોજન મંડળ હેઠળ વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે રૂ.૧૩.૭૫ કરોડના ૪૪૮ જનસુવિધાના વિકાસકામો મંજૂર

સુરત જિલ્લા આયોજન મંડળ હેઠળ વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે રૂ.૧૩.૭૫ કરોડના ૪૪૮ જનસુવિધાના વિકાસકામો મંજૂર
વિકાસકામો ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં પરિપૂર્ણ થાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ
સુરત જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલી સુરત જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ૨૦૨૫-૨૬ વર્ષના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈઓ હેઠળ રૂા.૧૩૭૫ લાખની જોગવાઈ સામે ૧૩૪૪ લાખના ૪૪૮ વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. બેઠકમાં વન, પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા સેવા સદનના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં ૧૫ ટકા વિવેકાધિન જોગવાઈ અને ૫ ટકા પ્રોત્સાહક તથા ભૌગોલિક રીતે ખાસ પછાત વિસ્તારની જોગવાઈ હેઠળ તાલુકાવાર, નગરપાલિકાવાર અને જિલ્લાકક્ષાએ જોગવાઈ હેઠળના કામોને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત, જિલ્લા કક્ષાએ રૂ.૧.૫૦ કરોડના ખર્ચે આંગણવાડીના વિવિધ વિકાસકામોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મંત્રીશ્રી કનુભાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. વિકાસકામો ગુણવત્તાપૂર્વક સમયમર્યાદામાં પરિપુર્ણ થાય તે દિશામાં કાર્ય કરવા સંબધિત અધિકારીઓને મંત્રીશ્રીએ તાકીદ કરી હતી.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં આંતરમાળખાકીય સુવિધાઓના સુગ્રથિત વિકાસ થકી નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે રાજય સરકાર મકકમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખૂટતી સુવિધાઓના કામોને પ્રાધાન્ય આપવા તેમજ આયોજન હેઠળના વિકાસકામોનું સતત મોનિટરીંગ કરીને પૂર્ણ કરવા માટેના સઘન પ્રયાસો કરવા જણાવ્યું હતું.
બેઠક પ્રારંભે કલેકટર ડો. સૌરભ પારધીએ પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય સર્વશ્રી ગણપતસિંહ વસાવા, ઈશ્વરભાઈ પરમાર, મોહનભાઈ ઢોડિયા, સંદિપભાઈ દેસાઈ, જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી ભાભોર, નિવાસી અધિક કલેક્ટર શ્રી વિજય રબારી, તા.પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો, સબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.