આરોગ્ય

ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા સુરત શહેર-જિલ્લામાં જૂન અને જુલાઈ મહિનામાં કન્જકટીવાઈટીસના ૬૦૧૨ દર્દીઓનું નિદાન અને નિ:શુલ્ક સારવાર આપવામાં આવી

ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા આઈ કન્જકટીવાઈટીસ રોગને ફેલાતો અટકાવવા માટે સઘન કામગીરી

સુરત: મંગળવાર: સુરત શહેર-જિલ્લામાં આઈ કન્જકટીવાઈટીસ (આંખ આવવી)ના કેસોમાં ચિંતાજનક વધારો થતા EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ અને MHU (મોબાઈલ હેલ્થ યુનિટ)ના માધ્યમથી અસરગ્રસ્તોને જરૂરી માર્ગદર્શન અને આરોગ્ય સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. લોકો જાગૃત્ત બને એ માટે જનજાગૃતિ સત્રો હાથ ધરવામાં આવ્યા છે. જૂન મહિનાથી અત્યાર સુધીમાં ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ દ્વારા લગભગ જૂન મહિનામાં ૧૦૪૯ દર્દીઓ અને જુલાઈ સુધીમાં ૪૯૬૩ દર્દીઓ મળી આ બે મહિના દરમિયાન કન્જકટીવાઈટીસના ૬૦૧૨ દર્દીઓને નિદાન અને નિ:શુલ્ક સારવાર, દવા આપવામાં આવી હતી.
‘ધન્વંતરિ રથ’ની આ ખાસ ઝુંબેશનો ઉદ્દેશ્ય કન્જકટીવાઈટીસને ફેલાતો રોકવા અને આમ નાગરિકો, ખાસ કરીને બાંધકામ સાઈટ્સ અને કંપનીઓમાં કામ કરતા શ્રમિકોમાં ચેપ ફેલાતો અટકાવવાનો છે.
EMRI ગ્રીન હેલ્થ સર્વિસના પ્રોજેક્ટ હેડ શ્રી હરીન્દ્ર વાળાએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ૩ મોબાઈલ હેલ્થ યુનિટ (MHU વાન) આરોગ્ય સેવા આપે છે. જ્યારે સુરતના ઔદ્યોગિક વિસ્તારો, બાંધકામ સાઈટ્સ પર ૬ મોબાઈલ હેલ્થ યુનિટ (MHU શ્રમ) ભ્રમણ કરીને શ્રમિકોને નિદાન સારવાર આપે છે. જ્યારે ૧૪ ધન્વંતરિ આરોગ્ય રથ શહેરી વિસ્તારમાં ફરી તાવ સહિતની વિવિધ બીમારીઓમાં જનરલ હેલ્થ ચેક અપ, લેબોરેટરી જેમાં બ્લડ અને યુરિન ટેસ્ટ કરી દવા-સારવાર આપવામાં આવે છે. પ્રત્યેક રથમાં મેડિકલ ઓફિસર, લેબ ટેકનિશીયન, કાઉન્સેલર, ફાર્માસિસ્ટ, પેરામેડિકની ટીમ ફરજ બજાવે છે. હાલ આંખો આવવાની બીમારી ફેલાતા તેના નિદાન સારવારમાં વિશેષ ધ્યાન આપી રહ્યા છીએ.
મોબાઈલ હેલ્થ યુનિટના પ્રશિક્ષિત તબીબી સ્ટાફની સમર્પિત ટીમો સઘન આરોગ્ય ઝુંબેશ સાથે જાગૃતિ શિબિરો યોજી જરૂરિયાતમંદોને સ્થળ પર જ નિદાન અને સારવાર આપી રહી છે. સ્થાનિક અધિકારીઓ, આગેવાનો અને લોકોના સહયોગથી ધન્વંતરિ આરોગ્ય રથની સેવા અસરકારક બની રહી છે. આંખના રોગ સામે જાગૃત રહેવું, યોગ્ય કાળજી રાખવી અને આંખ આવવા સંબંધિત કોઈપણ લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી નિદાન કરાવવું અને દવા લેવી હિતાવહ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button