ભેસ્તાન બીઆરટીએસ ડેપો ખાતે બસ ડ્રાઈવરોની વિજળીક હડતાળ

ભેસ્તાન બીઆરટીએસ ડેપો ખાતે બસ ડ્રાઈવરોની વિજળીક હડતાળ
૧૪૦ જેટલાં ડ્રાઈવરોએ હડતાળ પાડતા ૧૦૦ જેટલી બસોના પેંડા થંભી ગયા
સુરતમાં ઓરેન્જ બીઆરટીએસ બસના ડ્રાઈવરો હડતાળ પર ઉતરી ગયા છે, ડ્રાઈવરોનો આક્ષેપ છે કે સમયસર પગાર ચૂકવવામાં આવતો નથી જેના કારણે ઘર ચલાવવામાં તકલીફ પડી રહી છે. ભેસ્તાન સ્થિત BRTS ડેપો ખાતે ડ્રાઈવરો થયા છે એકઠા. ૫૨ દિવસ થયા છતાં પગાર નથી ચૂકવાયો તેવો ડ્રાઈવરોનો આક્ષેપ છે. સુરત કોર્પોરેશન સંચાલિત ઓરેન્જ બીઆરટીએસ બસના ડ્રાઈવરો હડતાળ પર ઉતરી ગયા છે, પગાર અને વિવિધ માંગણીઓને લઈ ડ્રાઈવરો હડતાળ પર ઉતરી ગયા છે.ESIC કપાય છે પણ કાર્ડ નથી આપતા,PF કપાય છે પણ કોન્ટ્રાકટર નંબર નથી આપતા, કોન્ટ્રાકટરનો હુકમ છે કે અકસ્માત કરશો તો નુકસાની ડ્રાઈવરને ભરવાની રહેશે તેવી અલગ-અલગ માંગણીઓ સાથે ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે.
ડ્રાઈવરોએ કેટલાક રૂટ પર ઓરેન્જ બસ બંધ કરી હડતાળ જાહેર કરી છે. ડ્રાઈવરો હડતાળ પર ઉતરતા મુસાફરોને તકલીફ પડી રહી છે. સાથે સાથે મુસાફરોને ખાનગી વાહનનો સહારો લેવો પડયો છે. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સુરતીઓ બીઆરટીએસ બસનો સહારો લેતા હોય છે.ત્યારે ડ્રાઈવરોનું કહેવું છે કે અમારી માંગ સંતોષાશે નહી તો અગામી સમયમાં હડતાળ યથાવત રહેશે.
સુરત મહાનગરપાલિકા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશન માટે અલગ-અલગ એજન્સીઓને બસ દોડાવવા માટેનું કામ આપ્યું છે. કંપની અને ડ્રાઈવર-કંડક્ટરો વચ્ચે સતત કોઈના કોઈ મુદ્દે માથાકૂટ થતી રહે છે, જેની સીધી અસર સુરતની પ્રજા ઉપર થાય છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત બસ સેવાના સંચાલકો ડ્રાઈવરોને નક્કી કરેલો પગાર ન આપતાં અચાનક જ BRTS બસના ૧૪૦ જેટલા ડ્રાઈવર હડતાલ પર ઉતરી ગયા હતા. આકરા તડકામાં સુરતના રસ્તા પર દોડતી ૧૦૦ જેટલી બસના પૈડા થંભી ગયા હતા. આકરી ગરમીમાં બસ નહીં દોડતાં હજારો મુસાફરો અટવાયા હતા.