વરાછામાં મલ્ટી લેવલ પાર્કિંગ એમ -3 નો કોન્ટ્રાકટ જાન્યુઆરીમાં પૂરો થયો હોવા છતાં પણ ત્યાં રૂપિયા ઉઘરાવવામાં આવે છે: દિનેશ કાછડીયા

વરાછામાં મલ્ટી લેવલ પાર્કિંગ એમ -3 નો કોન્ટ્રાકટ જાન્યુઆરીમાં પૂરો થયો હોવા છતાં પણ ત્યાં રૂપિયા ઉઘરાવવામાં આવે છે: દિનેશ કાછડીયા
સુરત મનપાને લાખો રૂપિયાનો ચૂનો લગાડનાર આ વ્યક્તિ કોણ છે તેની તપાસ થાય : દિનેશ કાછડીયા
ફ્રી પાર્કિંગ હોવા છતાં પૈસા ઉઘરાવતા હતાં તે અધિકારીઓને ખબર નહીં હોય..?: દિનેશ કાછડીયા નો વેધક પ્રશ્ન
આમ આદમી પાર્ટી નાં નેતા અને પૂર્વ કોર્પોરેટર શ્રી દિનેશ કાછડીયાએ આજે મનપા કમિશ્નર શાલિનીબેન અગ્રવાલ ને પત્ર લખી જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાની હદમાં આવેલ વરાછા ઝોન-એ માં ટીપી સ્કીમ નંબર ચાર માં આવેલ m3 મલ્ટી લેવલ પાર્કિંગ માં કોન્ટ્રાક્ટર નો કોન્ટ્રાક્ટ 31-1-2024 ના રોજ પૂરો થઈ ગયો છે તો ત્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા બેનરો લગાવવા જોઈએ કે અહીંયા ફ્રી પાર્કિંગ છે અને માર્શલો પણ મૂકવા જોઈએ., જે કામ આજ દિવસ સુધી થયું નથી.
દિનેશભાઇ કાછડીયા એ કમિશ્નર ને સીધો પ્રશ્ન કર્યો હતો કે, આના કારણે ત્યાં મલ્ટી લેવલ પાર્કિંગમાં કોઈ ઈસમ દ્વારા બીજો ત્રીજો ચોથો અને પાંચમો મહિના સુધીના લોકો પાસે રૂપિયા લઈ લીધા છે અને પાસ પણ બનાવી આપવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાને લાખો રૂપિયાનો ચૂનો લગાડનાર આ વ્યક્તિ કોણ છે અને લોકો પાસે લાખો રૂપિયા ફ્રી પાર્કિંગ હોવા છતાં ઉઘરાવનાર વ્યક્તિ આ કોણ છે? શું સુરત મહાનગરપાલિકાની આટલી બધી બેદરકારી છે કે ત્યાં બેનર પણ લગાવી નથી શકતા અને માર્શલો પણ મૂકી નથી શકતા?
દિનેશભાઇ કાછડીયા એ પાલિકાના જવાબદાર અધિકારીઓ પર નિશાન તાકતા કહ્યું હતું કે, આના ઉપરથી એવું લાગે છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ બેજવાબદાર થઈ ગયા છે. લોકોના ટેક્સના પૈસાથી બનેલી મિલકત જે સુરતમાં 70 લાખ લોકોની માલિકી છે તેમાં આવા લોકો માત્ર ચોરી કરીને રૂપિયા બનાવતા હોય અને સુરત મહાનગરપાલિકાના અધિકારીને ખબર ન હોય એવું બને ખરું? મને લાગે છે ક્યાંક ને ક્યાંક બધા જ લોકોની સંડોવણી આની અંદર હોઈ શકે.
દિનેશભાઇ કાછડીયા એ કમિશનરશ્રીને વિનંતી કરતા કહ્યું હતું કે, આની વિચલન તપાસ કરવામાં આવે. કોઈ એવા સક્ષમ વ્યક્તિને તપાસ કરવામાં આપે જેથી કરીને જે પણ ગુનેગારો હોય એમની સામે એક્શન લેવામાં આવે અને આવા ગુનેગારો જેલના સળિયા ની પાછળ હોવા જોઈએ જેથી કરીને આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકાને કોઈપણ મિલકતમાં આવી ઘૂસણ ખોરી ન કરે.
આ સાથે દિનેશ કાછડીયા એ કહ્યું કે, જે લોકોના રૂપિયા ફ્રી પાર્કિંગ હોવા છતાં પણ ઉઘરાવવામાં આવ્યા છે એ લોકોને એ રૂપિયા પરત આપવામાં આવે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે ગુનાખોરીનું તેમને તાત્કાલિક સજા કરવામાં આવે અને જે પણ અધિકારીને આમાં સંતોવણી હોય તેને તાત્કાલિક અસરથી ઘરે બેસાડી દેવામાં આવે એવી માંગ દિનેશભાઇ કાછડીયા એ કરી હતી.