ખેડૂતોના પાક, માલ અને કૌશલ્યને મળશે હવે જીઆઈ ટેગની ઓળખ
ખેડૂતોના પાક, માલ અને કૌશલ્યને મળશે હવે જીઆઈ ટેગની ઓળખ
વર્ષ ૨૦૩૦ સુધીમાં ભૌગોલિક સંકેત નોંધણી સાથે ઉત્પાદનોની સંખ્યા ૬૦૫ થી વધારી ૧૦,૦૦૦ કરવા લક્ષ્યાંક
દેશના ખૂણે ખૂણે વિશિષ્ટ ઓળખ ધરાવતા પાકો, માલસામાન અને કૌશલ્યોને પ્રોત્સાહન આપવા માટે સરકારે જીઆઈ ટેગવાળા ઉત્પાદનોને વધારવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે વર્ષ ૨૦૩૦ સુધીમાં ભૌગોલિક સંકેત (જીઆઈ) નોંધણી સાથે ઉત્પાદનોની સંખ્યા ૬૦૫ થી વધારીને ૧૦,૦૦૦ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. તેમણે કહ્યું કે ૨૦૩૦ સુધીમાં જીઆઈ રજિસ્ટ્રેશનને ૧૦,૦૦૦ સુધી લઈ જવાના પ્રયાસની દેખરેખ રાખવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. તેમણે કહ્યું, ‘આપણી આકાંક્ષા એવી હોવી જાઈએ કે આગામી પાંચ વર્ષમાં આપણે જીઆઈની વાર્તા દરેક રાજ્ય અને દરેક જિલ્લામાં લઈ જઈ શકીએ.’
જીઆઈ ઉત્પાદનો એ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં ઉત્પાદિત કૃષિ, કુદરતી અથવા ઉત્પાદિત ઉત્પાદનો (હસ્તકલા અને ઔદ્યોગિક માલ) છે. સામાન્ય રીતે, ઉત્પાદન સાથે જાડાયેલ જીઆઈ ચિહ્ન ગ્રાહકને તેની ગુણવત્તા અને વિશિષ્ટતા વિશે ખાતરી આપે છે. ગોયલે અહીં આયોજિત ‘જીઆઈ સમાગમ’માં જણાવ્યું હતું કે, “અમારી પાસે આગળ વધવાની ખૂબ જ મહત્વાકાંક્ષી યોજના છે… અમે લક્ષ્ય નક્કી કર્યું છે કે અમારી પાસે ૧૦,૦૦૦ જીઆઈ નોંધણીઓ હોવી જાઈએ.”