ગુજરાત

ગ્રીનમેન વિરલ દેસાઈના પુસ્તક ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’નું મુંબઈમાં વિમોચન

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ઉદ્યોગપતિ, પર્યાવરણવાદી અને લેખક વિરલ દેસાઈના પુસ્તક ‘અર્કિટેક્ટ ઑફ અમૃતપથ’નું મુંબઈ ખાતે વિમોચન યોજવામાં આવ્યું હતું, જ્યાં બાવીસથી વધુ કૉલેજો ધરાવતી મુંબઈની ખ્યાતનામ સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન સોસાયટી ખાતે મુંબઈના શિક્ષણ જગતના દિગ્ગજો વચ્ચે પુસ્તકનું લોકાર્પણ થયું હતું.

આ પ્રસંગે રાજીપો વ્યક્ત કરતા વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે ‘ભારતના ઇતિહાસમાં જે બે નરેન્દ્રોએ વિશ્વમાં ભારત અને ભારતીયતાનો ડંકો વગાડ્યો હતો એ બંને નરેન્દ્ર પરોક્ષ રીતે એક જ મંચ પર ઉપસ્થિત થયા છે, જ્યાં સ્વામી વિવેકાનંદ કૉલેજ વિવેકાનંદજીના વિચારોને સમર્પિત છે તો મારું પુસ્તક પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા પર્યાવરણીય કાર્યો પર આધારિત છે.’

વિમોચન પ્રસંગ દરમિયાન વિરલ દેસાઈએ વક્તવ્યના માધ્યમથી કૉલેજના વિદ્યાર્થીઓ સમક્ષ ભારતે ક્લાયમેટ એક્શનના ક્ષેત્રમાં શું શું મહત્ત્વની કામગીરી કરી છે, તેમજ ક્લાયમેટ એક્શનના ક્ષેત્રમાં કઈ રીતે ભારત દેશ વિશ્વગુરુ બન્યો છે એ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’ના મુંબઈ વિમોચન દરમિયાન સ્પોર્ટ્સ જર્નલિસ્ટ ચિરાગ દોશી, મુંબઈના અત્યંત લોકપ્રિય આરજે જીતુરાજ, વિવેકાનંદ એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી રાજેશ ગેહાની તેમજ સંસ્થાના ડિરેક્ટર સતિષ મોઢ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વિરલ દેસાઈનું પુસ્તક ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’ અંગ્રેજી અને ગુજરાતી એમ બે ભાષાઓમાં એકસાથે પ્રકાશિત થયું હતું, જેને હાલમાં પર્યાવરણપ્રેમીઓ અને યુવાનો દ્વારા અત્યંત બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button