એન્ટરટેઇનમેન્ટ

યુનેસ્કો દ્વારા ૨૦૨૩ના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે ગુજરાતના ગરબાની થઈ પસંદગી

યુનેસ્કો દ્વારા બોત્સાવાના ખાતે આયોજિત સમારોહનું જીવંત પ્રસારણ અડાજણના પરફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે કરાયું

સુરતઃબુધવાર: ગુજરાતના પ્રાચીન ગરબા હવે રાજ્ય અને દેશના સીમાડા વટાવી વિશ્વભરમાં આગવી ઓળખ બની ચૂક્યા છે. ત્યારે UNESCO – યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન એટલે કે યુનેસ્કો એ ગુજરાતના ગરબાને ઈન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ તરીકે જાહેર કર્યા છે, જેના ભાગરૂપે યુનેસ્કો દ્વારા બોત્સાવાના ખાતે આયોજિત સમારોહનું જીવંત પ્રસારણનું અડાજણ સ્થિત પરફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે મનપાના સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ શ્રીમતી સોનલબેન દેસાઈ હાજરીમાં સૌએ નિહાળ્યું હતું.

યુનેસ્કો દ્વારા તેને ઈન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ જાહેર થવું કરોડો ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ બની છે, ત્યારે ગરબો એ ગુજરાત અને ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યપૂર્ણ એકતાની પ્રતીતિ કરાવે છે. જાતિ- ધર્મ, ભાષા – બોલીના ભેદથી ઉપર ઉઠીને સામાજિક સમરસતા અને સમૂહજીવનને આકાર આપવામાં અને પ્રજાજીવનને ધબકતું રાખવામાં, જીવંત રાખવામાં ગરબાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

શ્રીમતી સોનલબેન દેસાઈએ આ પ્રસંગે હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું કે, ગરબો એ ભક્તિભાવ, સ્નેહ અને પારસ્પરિક સહકારનું પ્રતિબિંબ છે. આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમો, સમુહમાં ગવાતો ગરબો એ સમાજ જીવનનું બહુમૂલ્ય અંગ છે જે પરસ્પર પ્રેરણા ઉત્સાહ ઉપરાંત મા આદ્યશક્તિના આવિર્ભાવથી પ્રગટતી ઉત્કટ ભાવનાનું પ્રતિક છે. સદીઓ પુરાણી આ પરંપરા આજના સાંપ્રત સમયમાં પણ જીવંત રહી છે અને આબાલવૃદ્ધ સૌ કોઈ માટે આ અણમોલ વિરાસતની વિશ્વસ્તરે નોંધ લેવાઈ રહી છે તેનો આનંદ અને સવિશેષ ગૌરવ પણ છે.

ગરબાને વિશ્વ સ્તરે ઓળખ મળતા સુરતની વિદ્યાર્થીનિઓએ અહીં ગરબા રમીને ઉજવણી કરી હતી.
આ પ્રસંગે આસિ. કમિશનર (રાંદેર ઝોન) પારુલબેન રાણા, કલ્ચરલ ડિપાર્ટમેન્ટ હેડ અને આસિ. કમિશનર ગાયત્રીબેન જરીવાલા, ડે. એકાઉન્ટન્ટ જ્યોતિબેન રાણા, શાળાના વિદ્યાર્થીઓ સહિત મનપાના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button