૭મી નવેમ્બર એટલે ‘‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’’
૭૯ વર્ષના વયોવૃધ્ધ નરેન્દ્રભાઈ પરીખે રૂા.બે લાખનો ફાળો આપીને માતૃભુમિ રક્ષા કરતા સૈનિકોના કલ્યાણ અર્થે ઋણ અદા કર્યું
સુરતઃગુરૂવારઃ- દેશની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર બહાદુર સૈનિકોના પરિવારજનો સ્વમાનભેર અને સુરક્ષિત રીતે પોતાનો જીવનનિર્વાહ કરી શકે તેવા ઉમદા હેતુસર તા.૭ ડિસેમ્બર ૧૯૪૯થી સમગ્ર દેશમાં ‘‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’’ ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય સુરક્ષાને સુનિશ્ચિત કરતા સમગ્ર દેશમાં ત્રણેય સેવાઓનું પ્રતિનિધિત્વ કરતા લાલ, વાદળી, બ્લ્યુ રંગોમાં નાના ફ્લેગ અને કાર ફ્લેગ્સ સૈનિક વેલફેર ફંડમાં ફાળો આપ્યા બાદ આપવામાં આવે છે. ખાસ કરીને નાના બાળકો તથા યુવાનોમાં સશસ્ત્ર સેના ધ્વજ દિનના ફ્લેગ એકઠા કરવાનું ખાસ્સું ઘેલું છે.
દોઢ વર્ષ પહેલા અવસાન પામેલા સ્વ.પત્નીની સ્મૃતિમાં સૈનિક વેલફેર ફંડમાં રૂ.બે લાખનો ફાળો આપીને યથાર્થ શ્રદ્ધાંજલિ આપી
સૈનિક વેલફેર ફંડમાં યોગદાન આપીને સરકારી કચેરીઓ, શાળાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, વ્યક્તિગત દાતાઓ માતૃભૂમિના રક્ષકો પ્રત્યેનું ઋણ ચૂકવે છે
‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસે’થી રાજયના દરેક જિલ્લાઓમાં જિલ્લા કલેકટરશ્રીઓના હસ્તે સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં પોતાનો ફાળો આપીને આ ઝુંબેશનો પ્રારંભ કરે છે. સમગ્ર વર્ષ દરમિયાન સરકારી કચેરીઓ, શાળાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, વ્યક્તિગત દાતાઓ પાસેથી ફાળો એકત્ર કરવામાં આવે છે. જેનો ઉપયોગ શારીરિક રીતે ક્ષતિગ્રસ્ત થયેલા સૈનિકોના પુન:વસવાટ માટે, નિવૃત્ત સૈનિકો તથા તેમના પરિવારજનોના કલ્યાણ માટે વિવિધલક્ષી કલ્યાણકારી યોજનાઓ મારફતે સહાય આપવામાં આવે છે.
આજે વાત કરવી છે સુરત શહેરના અલથાણ ખાતે એકલવાયું જીવન જીવતા દિલાવર દાતા એવા ૭૯ વર્ષના વયોવૃધ્ધ નરેન્દ્રભાઈ પરીખની. જેઓએ પોતાની મહામુલી બચતમાંથી રૂા.૨ લાખનો ફાળો સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં જમા કરાવીને અન્યોને પ્રેરણા પૂરી પાડી છે. તેઓ કહે છે કે, દોઢ વર્ષ પહેલા મારા પત્ની વિનાબેન પરીખનું અવસાન થયું હતું. જેની યાદમાં આ ફાળો આપ્યો છે. વધુમાં તેઓ કહે છે કે, એક સવારે હું જાગ્યો ત્યારે કોઈ શુભ કાર્ય કરવાનો વિચાર આવ્યો. ત્યારે મને દેશની રક્ષા કરતા સૈનિકો યાદ આવ્યા. તેઓના કલ્યાણ માટે કાર્ય કરતી સંસ્થા અંગે તપાસ કરી. સુરત શહેરના સરથાણા વિસ્તાર ખાતે આવેલી જિલ્લા સૈનિક કલ્યાણની કચેરી ખાતે પહોચી ગયો. કચેરી ખાતે આવીને રૂા.બે લાખ આપવાની તત્પરતા બતાવી. સૈનિક કલ્યાણની કચેરીના અધિકારીઓ પણ આ વયોવૃધ્ધની વાત સાંભળીને આશ્યાર્ચ ચકિત થયા.
મોટી ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફુર્તિ ધરાવતા નરેન્દ્રભાઈ ત્રણ માળના દાદર ચડી જાય છે. જૈફ ઉંમરે પણ ચુસ્ત દુરસ્ત રહ્યા છે. તેઓ નિ:સંતાન છે અને એકલવાયું જીવન જીવી રહ્યા છે. તાજેતરમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે નરેન્દ્રભાઈને પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરાયું હતું. આમ નરેન્દ્રભાઈ પરીખે પોતાની બચતમાંથી સૈનિકોના કલ્યાણ અર્થે ફાળો આપીને પ્રેરણારૂપ બન્યા છે.
સૈનિક વેલફેર ફંડમાં યોગદાન આપીને સરકારી કચેરીઓ, શાળાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, વ્યકિતગત દાતાઓ માતૃભૂમિના રક્ષકો પ્રત્યેનું ઋણ ચૂકવે છે, ત્યારે વયોવૃદ્ધ નરેન્દ્રભાઈનો માનવીય અભિગમ સરાહનીય અને પ્રેરક છે.
નોંધનીય છે કે, કોઈ પણ વ્યક્તિ પોતાનો ફાળો સુરત ખાતે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ખાતે ગૌરવ સેનાની ભવન, સરથાણા ખાતે રોકડમાં અથવા ડ્રાફટ/ચેક કલેક્ટર અને પ્રમુખશ્રી, સશસ્ત્ર સેના ધ્વજ દિનફંડ, સુરતના નામનો જમા કરાવીને સરકારી પહોચ મેળવી શકે છે. (અહેવાલઃ- મહેન્દ્ર વેકરીયા)