ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની અધ્યક્ષતામાં મહુવાના કાછલ ગામે ‘દિવ્યાંગ બાળકોનો પતંગોત્સવ’ યોજાયો
મહાનુભાવોના હસ્તે દિવ્યાંગ બાળકોને UDID ઓળખકાર્ડ અને પ્રમાણપત્ર અર્પણ

સુરત:ગુરુવાર: સમગ્ર શિક્ષા અને જિલ્લા પ્રોજેકટ કો.કચેરી હેઠળના બી.આર.સી.ભવન આઇ.ઈ.ડી વિભાગ દ્વારા મહુવા તાલુકના કાછલ ગામ સ્થિત સરકારી વિનયન,વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખાતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની અધ્યક્ષતામાં દિવ્યાંગ બાળકોનો પતંગોત્સવ યોજાયો હતો. જેમાં તમામ દિવ્યાંગ બાળકોને પતંગ, ચરખી અને તલના લાડુનું વિતરણ કરાયું હતું.
મહાનુભાવોના હસ્તે દિવ્યાંગ બાળકોને UDID ઓળખકાર્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરાયું તેમજ રાજ્ય કક્ષાએ જ્ઞાનગુરૂ ક્વિઝના સ્પર્ધક વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ તાલુકા શિક્ષણ સમિતિ દ્વારા યોજાયેલી અનોખી પહેલ માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા. વિવિધ ક્ષેત્રે દિવ્યાંગ બાળકો દ્વારા કરાતી ખાસ પ્રવૃત્તિઓ તેમજ સરકારી અને ખાનગી ક્ષેત્રે નોકરી કે વ્યવસાય કરતા દિવ્યાંગજનોના હકારાત્મક અભિગમ અને ઉત્સાહની પ્રશંસા કરી હતી. તેમણે છેવાડાના વિસ્તારના ગરીબ, આદિવાસી કે પછાત વંચિત દિવ્યાંગજનો માટે સરકાર દ્વારા અપાતી કલ્યાણકારી યોજનાઓ અને સહાય વિષે માહિતી આપી હતી.
શ્રી ઢોડિયાએ સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે અપાતી સુવિધાઓ અને યોજનાઓની જાણકારી આપી દરેક સ્થાનિકોને તેનો મહત્તમ લાભ લેવા જણાવી તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓને જરૂરિયાતમંદોને મદદ કરવાનો અનુરોધ કર્યો હતો.