વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ઓલપાડ તાલુકાના ગાયત્રી મંદિર હોલ ખાતે જીવનરક્ષા હોસ્પિટલ અને ઓલપાડ સાયણ કીમ નાગરિક ધિરાણ સહકારી મંડળી લિ. દ્વારા આયોજિત નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
ટુંક સમયમાં ઓલપાડમાં ફુલ્લી ઓટોમેટિક આરોગ્ય વાન શરૂ થશે જેમાં ગ્રામવાસીઓને જૈનરિક દવાની સાથે સુગર, ટીબી જેવા રોગોના નિદાનની સેવાઓ ઉપલબ્ધ થશે’:મંત્રી મુકેશભાઈ પટેલ
સ્ત્રી રોગ, સર્જીકલ, હાડકા, નાક-કાન-ગળા, ચામડી, આંખ, દાંત, મગજ, કિડની, બાળ રોગ તેમજ ચામડી સહિતના વિવિધ ૧૩ રોગોનું નિદાન
સુરત:રવિવાર: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ઓલપાડ તાલુકાના ભટગામ રોડ સ્થિત ગાયત્રી મંદિર હોલ ખાતે જીવનરક્ષા હોસ્પિટલ અને ઓલપાડ સાયણ કીમ નાગરિક ધિરાણ સહકારી મંડળી લિ. દ્વારા આયોજિત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં સ્ત્રી રોગ, સર્જીકલ, હાડકા, નાક-કાન-ગળા, ચામડી, આંખ, દાંત, મગજ, કિડની, બાળ રોગ તેમજ ચામડી સહિતના ૧૩ વિભાગોના નિષ્ણાંત તબીબો દ્વારા નિ:શુલ્ક સારવાર-નિદાન કરાયું હતું.
‘જન સેવા એ જ પ્રભુ સેવા’ના ઉમદા આશય સાથે યોજાયેલા આરોગ્ય કેમ્પ માટે જીવન રક્ષા હોસ્પિટલના અધિકારી-કર્મચારીઓની પ્રશંસા કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેવાડાના ગામોમાં વસતા લોકો માટે જીવન રક્ષા હોસ્પિટલ આશીર્વાદ સમાન છે. ઓલપાડ તાલુકા અને નજીકના વિસ્તારના લોકોએ નાની મોટી સમસ્યા માટે શહેર સુધી જવાની જરૂર ના રહે એ હેતુથી રૂ. ૧૦ના નજીવા દરે આ હોસ્પિટલમાં દરેક રોગોનું નિદાન અને સારવાર થાય છે.
આ તકે મંત્રીશ્રીએ ગ્રામજનોને આરોગ્ય કેમ્પનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. જીવનરક્ષા હોસ્પિટલ વિષે વધુ જાણકારી આપતા તેમણે કહ્યું કે, આ હોસ્પિટલ વર્ષોથી નિ:સ્વાર્થ ભાવે લોકસેવાનો હેતુ પાર પાડયો છે. તેમજ આગામી દિવસોમાં ઓલપાડના આંગણે પ્રથમ નર્સિંગ હોસ્પિટલના નિર્માણની વાત પણ તેમણે કરી હતી. સાથે જ મંત્રીશ્રીએ નાના વ્યાપારીઓને આત્મનિર્ભર બનાવતી સરકારી બેંકિંગ યોજનાઓનો લાભ આપતી ઓલપાડ- કીમ અને સાયણની સહકારી બેંકોની ઉત્કૃષ્ઠ કામગીરીને પણ બિરદાવી હતી.
મંત્રીશ્રીએ ટુંક સમયમાં ઓલપાડમાં શરૂ થનારી ફુલ્લી ઓટોમેટિક ‘આરોગ્ય વાન’ અને તેની સુવિધાઓની માહિતી પણ નગરજનોને આપી હતી. જેમાં લોકોને જૈનરિક દવાની સાથે સુગર, ટીબી જેવા નિદાનની ઉપલબ્ધ સેવાઓ મળી રહેશે.
આ પ્રસંગે તા.પં પ્રમુખ અમિતભાઈ પટેલ, તા.પં.ઉપપ્રમુખ જશુબેન વસાવા, જીવન રક્ષા હોસ્પિટલના પ્રમુખ રાકેશભાઈ પટેલ, ઓલપાડ-સાયણ-કીમ નાગરિક સહકારી મંડળીના પ્રમુખ પરીમલભાઈ મોદી, તાલુકા પંચાયતના સભ્યો, જીવન રક્ષા હોસ્પિટલના પદાધિકારીઓ અને કર્મચારીઓ, સહકારી મંડળીના સભ્યશ્રીઓ, તબીબો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.