સંશોધક ડૉ. રૂપાભાઈ પટેલને ગુજરાતી સાહિત્યમાં પીએચ.ડી કરીને ધાનેરાનું ગૌરવ વધાર્યું

સંશોધક ડૉ. રૂપાભાઈ પટેલને ગુજરાતી સાહિત્યમાં પીએચ.ડી કરીને ધાનેરાનું ગૌરવ વધાર્યું
ધાનેરા, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના રમુણા ગામના યુવા સંશોધક ડૉ. રૂપાભાઈ રાયમલભાઈ પટેલને ગુજરાતી સાહિત્ય વિષયમાં પીએચ.ડી. (Ph.D.)ની પદવી પ્રાપ્ત થતાં સમગ્ર જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. તેમણે સિદ્ધપુર સ્થિત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાંથી ડૉ. રેણુકાબેન રાજપૂતના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંશોધન પૂર્ણ કર્યું છે.
ડૉ. રૂપાભાઈ પટેલે પોતાના સંશોધનનો વિષય “અનુઆધુનિક નવલકથા : સંજ્ઞા, વિભાવના અને સ્વરૂપ-લક્ષણો” પસંદ કર્યો હતો. તેમના સંશોધનમાં ગુજરાતી સાહિત્યની ગ્રામ્ય ધારા, સ્ત્રી ચેતના અને દલિત ચેતના જેવા મહત્વપૂર્ણ પ્રવાહોનું તટસ્થ અને વિસ્તૃત વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેમણે જોસેફ મેકવાન, મોહન પરમાર, કાનજી પટેલ, કુંદનિકા કાપડિયા, ઇલા આરબ મહેતા અને સુરમલ વહોનિયા જેવા અગ્રણી સર્જકોની કૃતિઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે.
સંશોધનમાં અનુઆધુનિકતાને માત્ર સમયગત પ્રવાહ નહીં પરંતુ ગુણવાચક વિચારધારા તરીકે રજૂ કરવામાં આવી છે. બહુલતાવાદ, લોકજીવન, લોકબોલી, ગ્રામ્ય સંસ્કૃતિ અને સ્થાનિક પરંપરાઓને અનુઆધુનિક સાહિત્યના મહત્વપૂર્ણ આધારસ્તંભ તરીકે રજૂ કરીને સંશોધનને નવી દિશા આપવામાં આવી છે.
ડૉ. રૂપાભાઈ પટેલે જણાવ્યું હતું કે બાળપણમાં રમુણા અને ધાખા ગામની શાળાની લાઇબ્રેરીમાં વાંચેલી બાળવાર્તાઓથી તેમના મનમાં વાંચન પ્રત્યેનો રસ જાગ્યો હતો. ત્યારબાદ પન્નાલાલ પટેલ, ઇશ્વર પેટલીકર અને કનૈયાલાલ મુનશી જેવા મહાન સાહિત્યકારોની કૃતિઓએ તેમને સંશોધન ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા આપી.
તેમણે પીએચ.ડી. સુધીની સફરને પડકારજનક ગણાવતા જણાવ્યું કે પ્રવેશ પરીક્ષા (PET), મેરિટ અને અન્ય અનેક સંઘર્ષો બાદ તેમને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં સંશોધનની તક મળી હતી. આ સિદ્ધિનો શ્રેય તેમણે પોતાના માર્ગદર્શક ડૉ. રેણુકાબેન રાજપૂત, વડીલો તેમજ મુશ્કેલ સમયમાં સતત આર્થિક અને માનસિક સહયોગ પરિવારજનો અને ધર્મપત્નીને આપ્યો હતો.
ડૉ. રૂપાભાઈ પટેલની આ સિદ્ધિને પગલે રમુણા ગામ, ધાનેરા તાલુકા અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સાહિત્યપ્રેમીઓ, શિક્ષણવિદો, મિત્રો અને શુભેચ્છકોએ તેમને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે ડૉ. રૂપાભાઈ પટેલનો આ સંશોધન નિબંધ ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીઓ, સંશોધકો અને સાહિત્યરસિકો માટે માર્ગદર્શક અને ઉપયોગી સાબિત થશે.



