ગુજરાત

ડાંગમાં ભારે વરસાદ વચ્ચે રસ્તાઓ પુનઃ શરૂ કરવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાઉન્ડ ધ ક્લોક કલાક કામગીરી

ડાંગમાં ભારે વરસાદ વચ્ચે રસ્તાઓ પુનઃ શરૂ કરવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાઉન્ડ ધ ક્લોક કલાક કામગીરી
આહવા – સાપુતારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૯૫૩ ઉપર ધસી આવેલી ભેખડો તાત્કાલિક દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો
આહવા: ડાંગ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસી રહેલા ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિમાં જનજીવન સામાન્ય રહે અને વાહનવ્યવહારને કોઈ અસર ન થાય તે માટે માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ, આહવા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
ડાંગ કલેક્ટર એન. ડી. પરમારના માર્ગદર્શન તથા કાર્યપાલક ઈજનેર શ્રી કેતન કુકણાની દેખરેખ હેઠળ, વિભાગના અધિકારીઓ અને ફિલ્ડ સ્ટાફ દ્વારા સતત સ્થળ પર હાજર રહીને અસરગ્રસ્ત માર્ગોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને રસ્તા નડતરરૂપ અવરોધો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
ભારે વરસાદને કારણે કેટલાક સ્થળોએ રસ્તાઓ પર માટી, પથ્થરો અને કાદવ ધસી આવતાં તેમજ ગટર અને ક્રોસ ડ્રેનેજ ચોકઅપ થઈ જતાં, જે.સી.બી. મશીન અને અન્ય સાધનોની મદદથી તાત્કાલિક સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત માર્ગો પર ધરાશાયી થયેલાં વૃક્ષો અને ડાળીઓ પણ દૂર કરી વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો.
આ કામગીરીને વેગવંતી બનાવવા માટે વિભાગ દ્વારા ૧૭ જેટલા જે.સી.બી., ૮ ટ્રેક્ટર, ૧૫૦થી વધુ શ્રમિકો તેમજ તમામ ફિલ્ડ સ્ટાફને સતત સેવામાં જોડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આજે સવારથી વરસી રહેલા ભારે વરસાદના કારણે આહવા-સાપુતારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આહવાર્થી માત્ર ૫૦૦ મીટરના અંતરે મોટી ભેખડો ધસી પડવાને કારણે રસ્તો થોડા સમય માટે બંધ થઈ ગયો હતો. પરંતુ, વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે કાટમાળ હટાવીને વાહનવ્યવહાર માટે રસ્તો ફરી ખુલ્લો કરી દીધો હતો.
જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે નાગરિકોની સલામતી જળવાઈ રહે તે માટે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત, રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ) દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, જેને પગલે હાલ તમામ મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર નિયમિત રીતે કાર્યરત છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button