સુરતમાં હર ઘર તિરંગા યાત્રામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો
રમશે ગુજરાત, જીતશે ગુજરાતની થીમ પર ટેબ્લો તૈયાર કરાયો છે. વિશાળ તિરંગા યાત્રામાં સૌની નજર સ્પોર્ટ્સને પ્રમોટ કરતા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ટેબ્લો પર રહી. ટેબ્લોમાં ગુજરાતના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટક્ચર, નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ખેલાડીઓની સિદ્ધિઓ, ગુજરાતમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે કરાયેલ નેશનલ કક્ષાના આયોજનો, ખેલ મહાકુંભ ઉપરાંત ખેલાડીને ઉપયોગી વિવિધ યોજનાઓની માહિતી આકર્ષક રીતે રજૂ કરવામાં આવી છે. ગુજરાતની શક્તિદૂત યોજનાની માહિતી અને ખેલાડીઓની તસવીર પણ દર્શાવી છે, જે અગાઉ અને અત્યારે પણ શ્રેષ્ઠ પ્રદર્શન આપી ગુજરાતને ગૌરવ અપાવી રહ્યાં છે. ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકના ખેલાડીઓેમાં જોશ વધે અને અન્ય ખેલાડીઓને પ્રેરણા મળે તે હેતુથી તેમની તસવીર લગાવી છે. સ્પોર્ટ્સ ટેબ્લોમાં તિરંગા યાત્રા દરમિયાન વિવિધ રમતના ખેલાડીઓએ મનમોહક કરતબ કરી શોભા વધારી. દેશની આન, બાન, શાન સમાન તિરંગાને સન્માન સાથે લહેરાવવાની અપીલ પણ કરાઈ.
ટેબ્લોમાં દર્શાવેલ માહિતી
ખેલકૂદ પ્રવૃત્તિને ઉત્તેજન આપવા અને વિકાસ કરવા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંકલ્પબદ્ધ છે. રાજ્યમાં તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ છે, ખેલાડીઓને તાલીમ માટે ઈન્ટરનેશનલ સ્તરની સુવિધા અપાય છે. રાજ્યમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી પણ કાર્યરત છે. ઈન્ટરનેશનલ સ્તરની સ્પર્ધાઓ યોજી શકાય તેને ધ્યાનેરાખી અમદાવાદમાં રૂ.632 કરોડના ખર્ચે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર કરાઈ રહ્યું છે.
ગુજરાત નેશનલ કક્ષાની સ્પર્ધાઓ યોજવા માટે સક્ષમ છે, ફેબ્રુઆરી, 2024માં ગુજરાતમાં 19 NIDJAMનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં દેશભરના 625 જિલ્લાના 7000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું સફળતા પૂર્વક આયોજન કરાયું હતું. 7 વર્ષથી ન યોજાયેલી નેશનલ ગેમ્સનું ગુજરાતે માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં પ્લાનિંગ કરી સફળ આયોજન કર્યું હતું, જેમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના 7,263 રમતવીરો સહભાગી થયા હતાં.
ગુજરાતમાંથી ખેલ પ્રતિભાઓને શોધવા માટે ખેલ મહાકુંભનું આયોજન કરાય છે. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. વર્ષ 2010માં 16 રમતોમાં 16.49 લાખ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું હતું. ખેલ મહાકુંભ 2.0માં 39 રમતોમાં 66 લાખથી વધુ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું હતું.
પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ હાંસલ કરી રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરે તે માટે વર્ષ 2006માં ગુજરાત સરકાર દ્રારા શક્તિદુત યોજના અમલમાં મુકવામાં આવેલ છે. પ્રતિભાશાળી ખેલાડીઓને અદ્યતન રમતગમતના સાધનો અને વિશિષ્ટ તાલીમ માટે સહાય અપાય છે. હાલ શક્તિદૂત યોજના અંતર્ગત રાજ્યના 64 ખેલાડીઓ લાભ લઈ રહ્યાં છે. પ્રત્યેક લાભાર્થીને વાર્ષિક રૂ.25 લાખ સુધીની સહાય અપાય છે.
રાજ્યના ખેલાડીઓને સહાય આપવા અને સપોર્ટ કરવા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ યોજનામાં રમતગમતની તાલીમ સાથે શિક્ષણ અપાય છે, જેમાં પ્રત્યેક ખેલાડીઓ દીઠ રૂ. 1 લાખ 68 હજારની સહાય અપાય છે.
પેરિસ ઓલિમ્પિકમાં ગુજરાતના 3 ખેલાડીઓએ ભાગ લીધો હતો. હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને ઈલાવેનિલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની શક્તિદૂત યોજનાના ખેલાડી છે.
પેરિસમાં પેરા ઓલિમ્પિકમાં પણ ગુજરાતના 3 ખેલાડીઓ ભાગ લેશે. ભાવિના પટેલ, સોનલ પટેલ અને ભાવના ચૌધરી પેરા ઓલિમ્પિકમાં ભાગ લેશે.