વ્યાપાર

બજારમાં રોકાણની યોગ્ય તકની રાહ જોવા કરતાં બજારમાં રોકાણ ટકાવી રાખવું વધુ મહત્વનું છે

બજારમાં રોકાણની યોગ્ય તકની રાહ જોવા કરતાં બજારમાં રોકાણ ટકાવી રાખવું વધુ મહત્વનું છે
બજારની ચાલની પૂર્વધારણાઓના આધારે તમારા નિર્ણયો ન બદલો
તમારા રોકાણ પોર્ટફોલિયોને સમય આપવો એ સૌથી સારી રોકાણ પસંદગીઓમાંથી એક છે, કારણ કે ઇક્વિટી આધારિત રોકાણનો સાચો લાભ લાંબા ગાળે જ મળે છે.
ઘણા રોકાણકારો વર્ષો સુધી “યોગ્ય સમયે પ્રવેશ” કરવાની રાહ જોતા રહે છે અથવા બજારમાં થોડો ઘટાડો દેખાતા જ ગભરાઈ જાય છે, પરંતુ નાણાંકીય બજારોમાં બે દાયકાથી વધુના અનુભવમાંથી એક બાબત સ્પષ્ટ થાય છે કે સંપત્તિનું સર્જન બજારમાં લાંબા સમય સુધી ટકીને રહેવામાં છે, બજારમાં પ્રવેશવાના યોગ્ય સમયની રાહ જોવામાં નહીં.
બજારમાં પ્રવેશના યોગ્ય સમયની રાહ જોવી એ મુંબઈમાં ચોમાસું ક્યારે શરૂ થશે તેની આગાહી કરવા જેવું છે, જે લગભગ અણધાર્યું હોય છે. અનુભવી નિષ્ણાંતો માટે પણ ટૂંકા ગાળાના બજારના ઉતાર-ચઢાવની આગાહી કરવી મુશ્કેલ બને છે, કારણ કે બજાર પર ભૂરાજકીય ફેરફાર, જાહેર થતા આર્થિક આંકડા, નાણાંકીય સંકટ અને ક્યારેક કોઈ વાયરલ ટ્વીટ કે ટિપ્પણીની પણ અસર પડે છે.
એક ઉદાહરણ જોઈએ: 2005 પછીના નિફ્ટી 50ના અભ્યાસમાં અમે તેવા પ્રસંગો જોયા જ્યાં ઇન્ડેક્સમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આવા અગાઉના 15 પ્રસંગોમાંથી 13 વખત એક વર્ષ પછી ઇન્ડેક્સે સકારાત્મક વળતર આપ્યું હતું. માત્ર બે વખત નકારાત્મક વળતર મળ્યું હતું. 10 ટકાના ઘટાડા પછી સરેરાશ એક વર્ષનું વળતર 18 ટકા રહ્યું હતું.
તેથી બજારમાં વધઘટ થાય ત્યારે પણ ધીરજ રાખો. વર્તનવિજ્ઞાનના અભ્યાસુ કોઈપણ નિષ્ણાંત તમને કહેશે કે ભાવનાત્મક રીતે આ રીતે આગળ વધવું મુશ્કેલ છે, પરંતુ ઘણી વખત તરત પ્રતિક્રિયા આપવાની ઇચ્છાને કાબૂમાં રાખીને ધીરજ અને મક્કમતા સાથે આગળ વધવું જ સંપત્તિ સર્જનની સફરમાં અંતિમ પરિણામ નક્કી કરે છે.
બજારમાં ગભરાટ ફેલાય ત્યારે તમારું નુકસાન થતું નથી. તમે ગભરાઈ જાઓ ત્યારે નુકસાન થાય છે.
આને આંકડાથી સમજીએ. 2005થી 2025 વચ્ચે અલગ-અલગ વર્ષોમાં એવા 15 દિવસ લેવામાં આવ્યા હતા જ્યારે બજાર 10 ટકા ઘટ્યું હતું. આ દરેક તારીખથી એક વર્ષ પછીનું વળતર ગણવામાં આવ્યું. 15માંથી 11 વખત બજારે ફરી ઉછાળો લઈને ડબલ ડિજિટ વળતર આપ્યું હતું. તાજેતરનું ઉદાહરણ જોઈએ તો 4 માર્ચ 2025ના રોજ બજાર 10 ટકા ઘટ્યું હતું, પરંતુ એ દિવસથી એક વર્ષ પછી 11 ટકા વળતર મળ્યું હતું.
આ વાત મને એક તાજેતરના કાર્યક્રમની યાદ અપાવે છે જ્યાં રસપ્રદ ઘટના બની હતી. આગળની હરોળમાં બેઠેલા એક ભાઈએ જોયું કે નાસ્તો રૂમમાં પાછળના ભાગેથી વહેંચાઈ રહ્યો હતો. જ્યાં સુધી નાસ્તો તેમની પાસે પહોંચ્યો ત્યાં સુધી બધું ખતમ થઈ ગયું હતું. ફરી આવું ન બને તે માટે જ્યારે પીણાં વહેંચાવા લાગ્યા ત્યારે તેઓ પાછળ જઈને બેઠા, પરંતુ આ વખતે પીણાં આગળથી વહેંચાયા. ત્યારબાદ એક મહિલા હાથમાં બાઉલ લઈને આવી. આશા રાખીને તેમણે હાથ આગળ કર્યો પણ તેમને મળ્યું માત્ર એક ટૂથપિક!
આ વાર્તાનો સાર એટલો જ છે કે બજારમાં પ્રવેશ માટેના યોગ્ય સમયની રાહ જોતા વારંવાર પોતાની સ્થિતિ બદલવાનો પ્રયાસ ન કરો. જો તમે શિસ્ત અને ધીરજ રાખશો તો સારા વળતર તમને મળશે જ. સતત યોગ્ય સમયની આશામાં પોતાની સ્થિતિ બદલતા રહેવાથી ઘણી વખત નુકસાન વધુ થાય છે. ધીરજ અને શિસ્તનું ફળ સામાન્ય રીતે સારું મળે છે.
તમારા પોર્ટફોલિયોને સમય આપવો એ સૌથી શ્રેષ્ઠ રોકાણ નિર્ણયો પૈકીનું એક છે, કારણ કે ઇક્વિટી રોકાણમાં સાચું પરિણામ લાંબા ગાળે જ મળે છે. જૂન 1999માં નિફ્ટી 50 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ શરૂ થયો ત્યારથી લઈને 26 વર્ષના સમયગાળાના રોલિંગ રિટર્નના અભ્યાસ મુજબ, જો રોકાણકારે સાત વર્ષ સુધી રોકાણ જાળવી રાખ્યું હોય તો નકારાત્મક વળતરનો એક પણ પ્રસંગ નોંધાયો નથી. વધુમાં, 20 એપ્રિલ 2026 સુધીના આંતરિક અભ્યાસ મુજબ સાત વર્ષના સમયગાળામાં સરેરાશ રોલિંગ રિટર્ન 15 ટકા રહ્યું હતું.
સંપત્તિ એક જ દિવસમાં બનતી નથી, તે લાંબા સમયની સફર છે. બજાર ધીરજ રાખનારા લોકોને સારું પરિણામ આપે છે. તમે જે બાબતો પર નિયંત્રણ રાખી શકો તેના પર ધ્યાન આપો – સમય, સતત રોકાણ અને શાંતિથી નિર્ણય લેવાની ટેવ. બાકીનું કામ બજારને કરવા દો. સંજય ગ્રોવર, એમડી અને સીઈઓ, બરોડા બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (અહીં રજૂ કરાયેલા વિચારો લેખકના અંગત છે)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button