દિલ્હીના કર્તવ્ય પથ ખાતે ‘‘મેરી માટી મેરા દેશ’’ના રાષ્ટ્રીય કાર્યક્રમ અમૃત કળશ યાત્રામાં સૂરતના દીપક જાયસવાલ ભાગ લેશે

સુરત:ગુરૂવાર: જીલ્લા યુવા કાર્યક્રમ સલાહકાર સમિતિના સદસ્ય અને વાઈ. કે. એસ. સૂરતના પૂર્વ રાષ્ટ્રીય યુવા સેવાકર્મી અને યુવા સામાજિક કાર્યકર દીપક જાયસવાલ દિલ્હીના કર્તવ્ય પથ ખાતે આયોજિત આગામી રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ ‘‘મેરી માટી મેરા દેશ’’ અમૃત કળશ યાત્રામાં સમગ્ર ટીમ સાથે સુરત મહાનગરપાલિકા તરફથી પ્રતિનિધિ તરીકે ભાગ લેશે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ એ દેશની આઝાદીના ૭૫ વર્ષ અને દેશના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઇતિહાસની યાદમાં દેશવ્યાપી અને લોક કેન્દ્રિત પહેલ છે. આઝાદી કા અમૃત મહોત્સવની યાત્રા ૧૨મી માર્ચ ૨૦૨૧ ના રોજ શરૂ થઈ હતી. બે વર્ષથી વધુ એવા આ સમયગાળામાં AKAM કાર્યક્રમોમાં રેકોર્ડ બ્રેકિંગ જનભાગીદારી જોવા મળી હતી. ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ સમગ્ર વિશ્વમાં ૨ લાખ થી વધુ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. ભારતની સ્વતંત્રતા પછીના ઈતિહાસમાં સ્વતંત્રતાના ૭૫ વર્ષ માટે આ એક અનોખો અને સૌથી મોટી ઉજવણીનો પ્રયાસ છે.