તાપી તટે બિનઅધિકૃત બાંધકામને અટકાવવા કોંગ્રેસની ઉગ્ર માંગ

તાપી તટે બિનઅધિકૃત બાંધકામને અટકાવવા કોંગ્રેસની ઉગ્ર માંગ
કમિશનના રિપોર્ટ અને હાઈકોર્ટની ભલામણો અભરાઈએ ચઢાવી દેવાઈ, ભ્રષ્ટાચારનું કમિશન કમલમ્ સુધી પહોંચે છે : અમિત ચાવડા
સુરત
૨૦૦૬ના પુર પછી જસ્ટીસ સુજ્ઞાબેન ભટ્ટના કમિશનની ભલામણો તેમજ હાઈકોર્ટના સ્પષ્ટ ડાયરેક્શન પછી પણ તાપી પાળા વિસ્તારમાં ખોટી રીતે બાંધકામની મંજુરી આપીને સુરતને ડુબાડવાનાં ષડયંત્રને હવા આપી રહેલી ભાજપ સરકારની પોલ ખોલતા ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતાએ ધડાકો કર્યો છે અને બિનઅધિકૃત બાંધકામની મંજુરી રદ કરીને તાત્કાલિક અસરથી પાળા વિસ્તારને ખુલ્લો કરવામાં આવે તેવી માંગણી સાથે કોંગ્રેસે સરકાર પર અતિગંભીર આક્ષેપો કર્યાં છે.
વર્ષ ૨૦૦૬નું પુર માનવસર્જિત હોવાની લોકચર્ચા વચ્ચે સરકાર દ્વારા રચવામાં આવેલા જસ્ટીસ સુજ્ઞાબેન ભટ્ટ કમિશન દ્વારા તાપીના પાળા વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. બાયસેક દ્વારા નક્શા અને વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી હતી. જે વિસ્તારો ડુબમાં ગયા હતા તે સ્થળોની રૂબરૂ મુલાકાત લઈને સમીક્ષા કરવામાં આવી હતી તેમજ અભ્યાસ કરીને વિગતવાર રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો જેમાં કમિશન દ્વારા અનેક સૂચનો અને અભિપ્રાયો રજુ કરવામાં આવ્યા હતા પરંતુ મામલો ઠંડો થતાં જ ભાજપના ભ્રષ્ટાચારી શાસકોએ અધિકારીઓ સાથે મળીને સુરતને ડુબાડવાનું રીતસરનું રીતસર મસમોટુ ષડયંત્ર રચ્યું છે.
તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા પાળા વિસ્તારોમાં થઈ રહેલા બાંધકામો અંગે વિગતો એકત્રિત કરી ત્યારે ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. તાપી તટે પાળા વિસ્તારમાં થઈ રહેલા બાંધકામોને કારણે સુરત ફરીથી ડુબાણમાં જાય અને હજારો કરોડ રૂપિયાનું નુકશાન થાય તેવી હકીકત સામે આવી હતી. આ સંદર્ભે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ સુરતના સર્કીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજીને ધડાકો કર્યો હતો. જેમાં પાળા વિસ્તારમાં અનેક સરવે નંબરોને બાંધકામની મંજુરી આપવામાં આવી છે જેને કારણે ભવિષ્યમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
સુરતના ડુમ્મસ ગવિયર, મગદલ્લા, ભાટપોર, ભાટા, અડાજણ, રાંદેર મોટાવરાછા સહિત ૧૭ કરતાં વધુ ગામો ડુબમાં આવે છે. આ વિસ્તારમાં વોટર બોડી કે રીવર સેફ્ટી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરીને અધિકારી-પદાધિકારીઓ દ્વારા કરોડો-અબજોનું ભ્રષ્ટાચાર આચરીને બિનઅધિકૃત બાંધકામની મંજુરી આપવામાં આવી હતી જેને કારણે સંરક્ષિત પાળા વિસ્તાર પર દબાણો ઉભા થઈ રહ્યાં છે. આવા બાંધકામને કારણે ભવિષ્યમાં ફરીથી સુરતમાં પુરની સ્થિતિ સર્જાઈ શકે છે. આવી સ્થિતિનું સર્જન ન થાય અને સુરત સુરક્ષિત રહે તે હેતુથી વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ માંગ કરી છે કે પાળા વિસ્તારનો સવિસ્તાર સરવે થવો જોઈએ. બિનઅધિકૃત બાંધકામ અટકાવીને તેની મંજુરી રદ કરવામાં આવે. તેમજ જવાબદાર અધિકારી, ભૂમાફિયા બિલ્ડરો સામે કડકમાં કડક કાર્યવાહી કરી જનતા સામે ચહેરો ખુલ્લો કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. પત્રકારો સાથેના સંવાદ માં શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂત, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયક, ઉપ-પ્રમુખ દિનેશ સાવલિયા, વિપુલ ઉધના વાલા. સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.