નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસીબોરસી ખાતેથી રૂ.૪૪,૨૧૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસીબોરસી ખાતેથી રૂ.૪૪,૨૧૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી
◆» ગરીબ, યુવાનો, અન્નદાતા એવા ખેડૂતો અને મહિલાઓ વિકસિત ભારતના આધારસ્તંભ
◆» સુરતના ડાયમંડ અને નવસારીના પરિધાનની ગુંજ વિશ્વભરમાં ફેલાશે
◆» પી.એમ. મિત્ર પાર્ક નવસારી અને આસપાસના ગામોમાં રોજગારીના નવા અવસરો લઈને આવ્યો છે.
◆» ‘મોદીની ગેરન્ટી’ યોજનાઓ બનાવવા પૂરતી સીમિત નથી, પણ ગરીબ, વંચિત, હકદાર લાભાર્થીઓ સુધી પહોંચાડવાની પણ ગેરન્ટી છે
◆» કાકરાપાર અણુમથકમાં ૭૦૦- ૭૦૦ મેગા વોટના બે નવા રિએક્ટર સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીથી નિર્માણ પામ્યા: ‘મેડ ઈન ઈન્ડિયા’નું તાદ્રશ્ય ઉદાહરણ
◆» પરિવારવાદ નહીં, પરંતુ પ્રતિભાને પ્રોત્સાહન આપવું એ અમારી કાર્યશૈલી
◆» સરકારે માત્ર દસ વર્ષમાં જ ૪ કરોડથી વધુ પાકા મકાનો જરૂરિયાતમંદ લાભાર્થીઓને આપ્યા: ભારતને ૧૧માં ક્રમેથી પાંચમા ક્રમની વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ:-
◆» આજે જન જનમાં વિશ્વાસ છે કે, “મોદી હૈ તો મુમકીન હૈ”
◆»ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે કે, જેણે વિકસિત ભારત ૨૦૪૭ને અનુરૂપ પોતાનું વિઝન તૈયાર કરી વર્લ્ડ કલાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આગળ વધી રહ્યું છે
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસીબોરસી ખાતેથી રાજ્યના દક્ષિણ ઝોનના વિવિધ જિલ્લાઓમાં જનસુવિધા અને સુખાકારી વધારતા કુલ રૂ.૪૪,૨૧૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગરીબ, યુવાનો, અન્નદાતા એવા ખેડૂતો અને મહિલાઓ વિકસિત ભારતના આધારસ્તંભ છે, એટલે તેમનું સશક્તિકરણ કરવું એ અમારી પ્રતિબદ્ધતા છે. હવે દેશના ગરીબ, વંચિત, પીડિત, શોષિત વર્ગોને કલ્યાણ યોજનાઓના લાભો અને વિકાસના ફળો મળવાની આશા જાગી છે.
વડાપ્રધાનશ્રીએ રૂ.૨૨,૫૦૦ કરોડથી વધુનાં ખર્ચે કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટના યુનિટ-૩ અને ૪નું લોકાર્પણ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના રૂ. ૧૦,૦૦૦ કરોડથી વધુનાં કાર્યો, માર્ગ અને મકાન વિભાગના રૂ.૨૦૦૦ કરોડના વિકાસ કાર્યો, ભારતીય રેલવેના રૂ. ૧,૧૦૦ કરોડના કામો, સુરત મહાનગર પાલિકા, SUDA અને ડ્રીમ સિટીના રૂ. ૫,૦૦૦ કરોડથી વધુનાં કાર્યો, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનાં રૂ.૫૦૦ કરોડના કામો, જળ સંપત્તિ વિભાગના રૂ. ૩૦૦ કરોડ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના રૂ. ૧૦૦ કરોડ, પાણી પુરવઠા વિભાગના રૂ. ૫૦૦ કરોડ, આદિજાતિ વિકાસ વિભાગના રૂ. ૧૦૦ કરોડ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રૂ. ૭૫ કરોડ, ગૃહ વિભાગનાં રૂ. ૨૦૦ કરોડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રૂ. ૯૦૦ કરોડ, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના રૂ. ૪૦૦ કરોડથી વધુનાં કાર્યો મળી કુલ રૂ.૪૪,૨૧૬ના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાનશ્રીએ નવસારીના જલાલપોર તાલુકાના વાંસીબોરસીમાં નિર્માણ પામનાર PM મિત્ર (મેગા ટેક્સટાઈલ પાર્ક) ની કામગીરીનો પ્રારંભ પણ કરાવ્યો હતો.
વિકસિત ભારતના સ્વપ્ન અને અમૃત્તકાળના સંકલ્પને સાર્થક કરતાં કુલ રૂ.૪૪,૨૧૬ ના માતબર વિકાસકાર્યોની ભેટ આપતા વડાપ્રધાનશ્રીએ ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું કે, અમારી સરકારે છેલ્લા દસ વર્ષમાં જ ૪ કરોડથી વધુ પાકા મકાનો જરૂરિયાતમંદ લાભાર્થીઓને આપ્યા છે. ભારતને ૧૧માં ક્રમેથી પાંચમા ક્રમની વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી છે. સરકારના અનેકવિધ કાર્યો, કાર્યક્રમો, યોજનો, નીતિઓ અને કામગીરીથી વિશ્વમાં ભારતનો માન મરતબો અને શાખ વધી છે, પરિણામે ભારતને જોવાની, આકલન કરવાની વિશ્વની દ્રષ્ટિમાં સમૂળગું પરિવર્તન આવ્યું છે.
વડાપ્રધાનશ્રીએ ‘મોદીની ગેરન્ટી એટલે ગેરન્ટીની પૂરી થવાની ગેરન્ટી’ એવો વિશ્વાસ અપાવતા ઉમેર્યું કે, ‘મોદીની ગેરન્ટી’ યોજનાઓ બનાવવા પૂરતી સીમિત નથી, પણ ગરીબ, વંચિત, હકદાર લાભાર્થીઓ સુધી પહોંચાડવાની પણ ગેરન્ટી છે.
વિકસિત ભારત@૨૦૪૭નો સંકલ્પ પાર પાડવામાં ગુજરાતના યોગદાનની સરાહના કરતા તેમણે કહ્યું કે, ભૂતકાળની સરકારોના શાસનમાં ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં મેડિકલ કોલેજોનું નિર્માણ એ સ્વપ્નવત હતું. પણ આજે ઉમરગામથી અંબાજીના આદિવાસી પટ્ટામાં મેડિકલ કોલેજોની ઉપલબ્ધતા સહિત કરોડોના વિકાસપ્રકલ્પોની હારમાળા સર્જાઈ છે અને આદિવાસીઓમાં ઉર્ધ્વગામી પરિવર્તન આવ્યું છે.
ગુજરાતમાં પોતાના મુખ્યમંત્રીકાળ પહેલા વીજળીના સંકટની સ્મૃતિ તાજી કરતા તેમણે કહ્યું કે, એ સમયે ગુજરાતમાં કલાકો સુધી વીજળી ગુલ થઈ જતી હતી. અંધારપટ છવાતા સર્જાતી અનેક મુશ્કેલીઓથી જનતા ત્રસ્ત હતી. પરંતુ અશક્યને શક્ય કરવાની હામ સાથે અવિરત મહેનત તેમજ હકારાત્મક નીતિઓ ઘડીને ગુજરાતમાં પવન ઊર્જા, સૌર ઊર્જા, પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં અવ્વલ ક્રમે પહોંચાડ્યું અને પરિણામે હવે રાજ્યમાં વીજળી સંકટ ભૂતકાળ બન્યું છે.
વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાતના વિકાસનું અનેરૂ યોગદાન રહેશે એવી ભાવના વ્યક્ત કરી નવસારીના દાંડી સ્મારક, નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રકલ્પો ગુજરાતના સપૂતો મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ સાહેબના દેશ પ્રત્યેના પ્રદાનને સાચી અંજલિ હોવાનું જણાવી વિપક્ષો દ્વારા ભૂલાવી દેવાયેલા ખાદી અને નમકના પ્રતિકોને સન્માન આપવા સરકારના પ્રયાસોની છણાવટ કરી હતી.
તેમણે કહ્યું કે, તાપી જિલ્લામાં કાકરાપાર અણુમથકમાં ૭૦૦- ૭૦૦ મેગા વોટના આજે લોકાર્પિત થયેલા બે નવા રિએક્ટર ‘મેડ ઈન ઈન્ડિયા’ની ફળશ્રુતિ છે, જે ભારતની આત્મનિર્ભરતા અને સ્વદેશી ટેકનોલોજીની શક્તિ-ક્ષમતા દર્શાવે છે.
વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, “એક ભારત, શ્રેષ્ઠ ભારત” ની સંકલ્પનાને સાર્થક કરવા કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનું યોગ્ય અમલીકરણ, પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી થવાની કાર્યપદ્ધતિથી વિકાસકામો પૂર્ણ કરી જનસુખાકારી, નાગરિકોના પ્રશ્નોના ઉકેલ લાવીને તેને પૂરા કરવાની અમારી નેમ છે.
વડાપ્રધાનશ્રીએ વાંસી બોરસીમાં નિર્માણ પામનાર પી.એમ. મિત્ર પાર્ક નવસારી અને આસપાસના ગામોમાં રોજગારીના નવા અવસરો લઈને આવ્યો છે એમ જણાવી ઉમેર્યું કે, ૧૧૪૧ એકરમાં સાકાર થનાર મેગા ઈન્ટીગ્રેટેડ એપરલ પાર્ક દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરવાની સાથે ગુજરાતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગને વેગવંતો બનાવશે. આ પહેલ ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘મેક ફોર ધ વર્લ્ડ’નું ઉત્તમ ઉદાહરણ સિદ્ધ કરશે.
ઉપરાંત, ૩૦૦૦ કરોડના રોકાણ સાથે ટેક્ષટાઈલની સેકટરમાં પ્રોડક્શનથી સપ્લાઈ સુધીની સંપૂર્ણ વેલ્યુ ચેઈનનું નિર્માણ કરશે, ત્યારે સુરતના ડાયમંડ અને હવે નવસારીના પરિધાનની ગુંજ વિશ્વભરમાં ફેલાશે એમ તેમણે ગર્વપૂર્વક જણાવ્યું હતું. તેમણે પરિવારવાદ નહીં, પરંતુ પ્રતિભાને પ્રોત્સાહન આપવું એ અમારી કાર્યશૈલીથી આ પ્રકારના અનેકવિધ પ્રકલ્પો દેશની વિકાસને નવી ઊંચાઈ બક્ષી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વિશ્વના લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની સ્થાપનાથી લઈને અત્યાર સુધીમાં એક જ દિવસમાં રૂ. ૫૭,૮૧૫ કરોડના વિકાસના કામોની ભેટ મળી હોય તેવો આજે ઐતિહાસિક અવસરના આપી સૌ સાક્ષી બન્યા છે. સામાન્ય માણસનો વિકાસ એ મોદીનું કમિટમેન્ટ છે.એમ જણાવ્યું હતું.
વડાપ્રધાનશ્રીએ દક્ષિણ ગુજરાતને આજે રૂ. ૪૪૨૧૪ કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. એ વિકાસની પ્રતિબધ્ધતાનું પરિણામ છે એમ જણાવી મુખ્યમંત્રીએ જે કરવું તે કહેવુંની કાર્ય સંસ્કૃતિને વિકસાવીને દુનિયાને વિકાસની રાજનીતિ બતાવી છે. પહેલાના સમયમાં એક દાયકામાં જેટલા રૂપિયા વિકાસના કાર્યો માટે ફાળવાતા ન હતા તેટલા આજે એક દિવસમાં ફાળવાય રહ્યા છે. વડાપ્રધાનશ્રીના સક્ષમ નેતૃત્વમાં લોકોને વીજળી, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ મળી રહી છે. આજે જન જનમાં વિશ્વાસ છે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વિકાસના પર્યાયને આગળ વધારી રહી હોવાનું જણાવી ઉમેર્યુ હતું કે, “મોદી હે તો મુમકીન હે.” આજે ભારત વિશ્વમાં પાંચમી અર્થવ્યવસ્થા બની છે. અયોધ્યામાં મંદિર એ વિરાસતથી વિકાસની યાત્રા છે. સરકારની કલ્યાણકારી યોજનાના લાભો લોકોને ઘર બેઠા મળી રહ્યા છે. આદિવાસી બાળકો શિક્ષણથી સજ્જ થઈ વિશ્વબંધુ બની રહ્યા છે. સુરત શહેરની વિકાસગાથા વર્ણવી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સુરત શહેર રૂ. ૫૦૪૧ કરોડના વિકાસના કામો સાથે “ઇઝ ઓફ લિવિંગ” બન્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત દેશમાં પ્રથમ ક્રમે આવી “સુરત સોનાની મુરત” કહેવતને સાબિત કરી છે.
વર્ષ ૨૦૪૭ માં આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થશે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે કે, જેણે વર્ષ ૨૦૪૭ને અનુરૂપ પોતાનું વિઝન તૈયાર કરી વર્લ્ડ કલાસ ઈન્સફરાષ્ટ્રક્ચર સાથે આગળ વધી રહ્યું છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં દશેય દિશામાં ભારત વિકાસના પરચમ લહેરાવશે એની ગેરેન્ટી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનશે એવી નેમ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
પ્રારંભે સ્વાગત પ્રવચન કરી વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીને દક્ષિણ ગુજરાતમાં આવકારતા સાંસદ શ્રી સી.આર.પાટીલે જણાવ્યું કે, વિકાસ પુરૂષ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનહિતની યોજનાઓનો લાભ લઈ દેશના ૨૫ કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ૮૦ કરોડ નાગરિકોને નિઃશુલ્ક અન્ન પૂરું પાડ્યું છે.
તેમણે ઉમેર્યું કે, ખેડુતો, મધ્યમ વર્ગ, ગરીબ સહિતના તમામ લોકોના કલ્યાણ માટે સરકાર કાર્ય કરી રહી છે. દેશનો યુવાન સ્વાવલંબી અને નોકરી આપનાર બને તે માટે લોનરૂપી ગેરંટી વડાપ્રધાને આપી છે. ખેડુતોને દર વર્ષે રૂ. ૬ હજાર સીધા તેમના ખાતામાં આપીને ખેડુતોના હિતોની રક્ષા કરી છે. વડાપ્રધાનશ્રીના વિઝનરી લીડરશીપ હેઠળ ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનુ ભગીરથ કાર્ય થયું છે. દેશના નાગરિકોને વિનામૂલ્યે રસીકરણ કરીને સૌને સુરક્ષિત બનાવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રીના હસ્તે રૂ. ૪૪ હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું રિમોટ દ્વારા વિધિવત લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત જનમેદનીએ હર્ષોલ્લાસ અને તાળીના ગડગડાટ સાથે વધાવી લીધુ હતું.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રીના હસ્તે રૂ. ૪૪ હજાર કરોડના વિકાસકાર્યોનું રિમોટ દ્વારા વિધિવત લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત જનમેદનીએ હર્ષોલ્લાસ અને તાળીના ગડગડાટ સાથે વધાવી લીધુ હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીને ગાંધીજીની પ્રતિમા અને વડાપ્રધાનશ્રીને અયોધ્યા મંદિરની ૫ કિલો ચાંદીથી બનાવાયેલી પ્રતિકૃતિ ભેટ સ્વરૂપે અર્પણ કરાઈ હતી. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ અને સાંસદ તેમજ પ્રદેશ સંગઠન પ્રમુખશ્રી સી.આર.પાટીલના હસ્તે પ્રધાનમંત્રીશ્રીનું ફુલહાર અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરાયું હતું. ગુજરાતના મુખ્ય સચિવશ્રી રાજકુમાર અને અધિક મુખ્ય સચિવશ્રી એસ.જે.હૈદરે પણ વડાપ્રધાનશ્રીનું સ્વાગત કર્યું હતું. વિવિધ વિકાસ કાર્યોની દસ્તાવેજી ફિલ્મ ઉપસ્થિત સૌએ નિહાળી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત, નાણા, ઉર્જા મંત્રીશ્રી કનુભાઇ દેસાઈ, આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, સાંસદ કે.સી.પટેલ અને પ્રભુ વસાવા, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિની પટેલ, સુરતના મેયર દક્ષેશ માવાણી, જિલ્લા સંગઠનના પ્રમુખશ્રી ભૂરાભાઈ શાહ, ધારાસભ્યશ્રીઓ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા, સુરત મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા પંચાયતના સભ્યો, પદાધિકારીઓ, સુરત મનપાના અધિકારીઓ અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો, આસપાસના ગામોના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
-૦૦૦-
બોક્સ મેટર
વડાપ્રધાનશ્રી સુરતમાં રૂા.૮૦૦ કરોડના ખર્ચે રીવરફ્રન્ટ સાકારિત થવાથી સુરત પીવાના પાણી સહિત પુરના ખતરાથી છૂટકારો મળશે.
***
(નવસારી : ગુરુવાર) નવસારી જિલ્લાના વાંસી-બોરસી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુરતના થઇ રહેલા વિકાસની સરાહના કરી જણાવ્યું હતું કે, સુરતમાં રૂા. ૮૦૦ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા તાપી રીવર બેરેજ થકી દાયકાઓ સુધી પીવાના પાણીનું નિરાકરણ અને પૂરના ખતરામાંથી મુકિત મળશે.
વલસાડની હાફુસ કેરી અને નવસારીના ચિકુ દુનિયાભરમાં વિખ્યાત
***
વડાપ્રધાનશ્રીએ વાંસી-બોરસીના કાર્યક્મમાં વલસાડની હાફુસ કેરી અને નવસારીના ચિકુ દુનિયાભરમાં વિખ્યાત હોવાનુ જણાવીને નવસારી જિલ્લાના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના હેઠળ ૩૫૦ કરોડની રાશિની સહાય મળી છે, તેમ ઉમેર્યું હતું.
પીએમ મિત્ર પાર્ક નવસારીને વૈશ્વિક ઓળખ આપશે
નવસારી વાંસી-બોરસી ખાતે રૂા. ત્રણ હજાર કરોડના નિવેશ સાથે પીએમ મિત્રા પાર્કનુ નિર્માણ થશે. જેના થકી નવસારીના વસ્ત્રો દુનિયાભરમાં મશહુર બનશે. સુરતના ડાયમંડ અને નવસારીના વસ્ત્રોની ગુંજ દુનિયાભરમાં મશહૂર બનશે તેવો વિશ્વાસ વડાપ્રધાનશ્રીએ વ્યક્ત કર્યો હતો. ગારમેન્ટ, ટેકનિકલ ટેક્ષટાઇલની આખી ચેનની ઈકોસિસ્ટમ બનશે. શ્રમિકો માટે આવાસની સુવિધા, સ્વાસ્થ્યની સુવિધા, લોજીસ્ટીક પાર્ક, ટ્રેનિગની સાથે આસપાસના ગામોના વિકાસ સાથે લાખો રોજગારીનુ સર્જન થશે.
0000000
નવસારીના વાંસી બોરસીથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.૪૪ હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત… જેમાં:-
નેશનલ હાઈવે ઓથોરિટીના રૂ.૨૦,૦૭૦ કરોડથી વધુ ખર્ચે નિર્મિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના એક હિસ્સાનું લોકાર્પણ-ખાતમુહુર્ત
. . . . . . . . . . . . . . . . . . . . .
સમગ્ર રાજ્યમાં એક મજબૂત રોડ નેટવર્કનું નિર્માણ કરવું એ ગુજરાત સરકારની મુખ્ય પ્રાથમિકતાઓમાંનું એક છે. આ દિશામાં, રાજ્યના વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના ત્રણ ભાગોનું નિર્માણકાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. એમાં પહેલો ભાગ, ૩૨ કિમી લાંબો મનુબરથી સાંપાનો છે, જેને રૂ.૨૪૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ જ રીતે, બીજો ભાગ લગભગ ૩૨ કિમી લાંબો સાંપાથી પાદરાનો છે, જેને રૂ.૩૨૦૦ કરોડથી વધુના ખર્ચે અને ત્રીજો ભાગ ૨૩ કિમી લાંબો પાદરાથી વડોદરાનો છે, જેને રૂ.૪૩૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ રીતે રૂ.૨૦ હજાર કરોડથી વધુના NHAIના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ વડાપ્રધાનશ્રીએ જનતાને સમર્પિત કર્યા હતા.
સુરત મહાનગરપાલિકા, સુડા અને DREAM સિટીના વિકાસકાર્યો મળીને રૂ.૫૦૪૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત
. . . . . . . . . . . . . . . . . . . . .
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સુરત મહાનગરપાલિકા, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ડ્રીમ સિટીના વિકાસકાર્યો મળીને રૂ.૫૦૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતું. તેમાં રૂ.૩૦૦૦ કરોડથી વધુના ખર્ચે ૪૨ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને રૂ.૨૦૦૦ કરોડથી વધુના ખર્ચે ૨૮ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણના કાર્યોમાં રૂ.૮૪૦ કરોડના ખર્ચે ૫૦ ઇલેક્ટ્રિક બસોનો પ્રારંભ, રૂ.૫૯૭ કરોડના ખર્ચે નિર્મિત તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટના વિવિધ કાર્યો અને રૂ.૪૯ કરોડના ખર્ચે ડ્રીમ સિટી લિમિટેડના વિવિધ કાર્યોનો સમાવેશ થાય છે, જ્યારે ખાતમુહુર્તના કાર્યોમાં રૂ.૯૨૪ કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજના, રૂ.૮૨૫ કરોડના ખર્ચે કન્વેન્શનલ બેરેજ, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારના વિવિધ ગામોમાં નલ સે જલ યોજના હેઠળ રૂ.૪૮૦ કરોડના ખર્ચે નિર્માણ થનારી પાણી પુરવઠા યોજના વગેરે જેવા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
₹22,500 કરોડથી વધુના ખર્ચે નિર્મિત બે નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ થશે દેશને સમર્પિત
. . . . . . . . . . . . . . .
વડાપ્રધાનશ્રી દ્વારા જનતાને સમર્પિત વિકાસકાર્યોમાં તાપી જિલ્લાના કાકરાપારમાં સ્થિત બે નવા ન્યુક્લિયર પ્લાન્ટ્સ ઈ લોકાર્પણ કરવામાં આવ્યા હતા. 700- 700 મેગાવોટની ક્ષમતા ધરાવતા બે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ સ્વચ્છ અને સસ્ટેનેબલ ઊર્જાનો ઉપયોગ કરીને રાજ્યને શુદ્ધ ઝીરો કાર્બન ઉત્સર્જન પ્રાપ્તિની દિશામાં આગળ વધારશે. ગુજરાતમાં ભારતના પ્રથમ સ્વદેશી પરમાણુ ઊર્જા સંયંત્ર (ન્યુક્લિયર એનર્જી પ્લાન્ટ), કાકરાપાર એટોમિક પાવર પ્લાન્ટ (KAPP-3) માં યુનિટ-3નું ઉદ્ઘાટન ભારતના પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ આ પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર (PHWR) આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ સ્વદેશી નવીનીકરણ અને અત્યાધુનિક સુરક્ષા ઉપાયોનું ઉદાહરણ છે.
૨૦ વિવિધ વિભાગોના રૂ.૫૪૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું પણ થશે લોકાર્પણ-ખાતમુહુર્ત
. . . . . . . . . . . . . . . . . . . . .
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ ઝોનના ૨૨ જિલ્લાઓ વડોદરા, નવસારી, ભરૂચ, તાપી, વલસાડ, પંચમહાલ, સુરત, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, અને નર્મદામાં ૨૦ વિવિધ વિભાગોના રૂ.૫૪૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતું. આ જિલ્લાઓમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, માર્ગ અને મકાન, જળ સંસાધન અને જળ વિતરણ, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર વિભાગ, ગૃહ, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી અને ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના ૫૫ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્તનો સમાવેશ થાય છે..
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતના વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસની આ લાંબી શ્રેણીમાં રેલવેના રૂ.૨૨૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યો પણ સામેલ છે. આ રેલવે પ્રોજેક્ટ્સથી દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓને ફાયદો થશે.
-૦૦૦-
પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમની સાથે સાથે…
વડાપ્રધાનશ્રીએ “કેમ છો બધા અને આપણું નવહારી” કહી સૌને સંબોધતા તાળીનો ગડગડાટ ગુંજી ઉઠ્યો
મોદીએ સૌને મોબાઇલની ફ્લેશ લાઈટ ચાલુ કરી વિકાસ કાર્યોમાં સહભાગી થવા કહેતા પાંચેય ડોમ ફ્લેશ લાઈટથી ઝળહળી ઉઠ્યા
વડાપ્રધાનશ્રીએ ભારત માતા કી જયના નારા બોલાવી સૌને શાબાશી આપી
નવસારીમાં હીરા ચમકતા હોઈ એવું આજે લાગી છે એમ વડાપ્રધાનશ્રી એ કહેતા સૌ ખુશીથી ઝૂમી ઉઠ્યા
મોદીએ ગુજરાતની જનતાને 5 F નો મંત્ર આપ્યો
આપણે ગુજરાતીઓ હિસાબના પાક્કા, પાય પાય નો હિસાબ રાખીએ કહી વડાપ્રધાનશ્રીએ ગુજરાતીઓને વખાણયા
વલસાડની હાફૂસ અને નવસારીના ચીકુ દુનિયાભરમાં ફેમસ હોવાનું વડાપ્રધાનશ્રીએ જણાવ્યુ
પીએમ સૂર્ય ઘર યોજનાને “વકરો એટલો નફો” ની યોજના વડાપ્રધાનશ્રી એ ગણાવી
•વાંસી-બોરસીનો પ્રિયમિત્ર પાર્ક દેશનો એવો પ્રથમ પાર્ક છે. જે માટે નવસારી દેશની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝ નો રાહબર બનશે.
•પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના હેઠળ નવસારી જિલ્લાને રૂા.૩૫૦ કરોડની સહાય કરવામાં આવી છે.
•દાડી નમક સત્યાગ્રહને વિશ્વના નકશા પર અંકિત કરવાનું સૌભાગ્ય આ સરકારે મેળવ્યું છે.
•”મોદીની ગેરંટી” લાખોની જનમેદનીએ મોબાઇલની ફલેશ ચાલુ કરીને વડાપ્રધાનની વિકાસની ગેરંટીને સમર્થન આપ્યું હતું.
•દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વાંસી-બોરસી વિશાળ સમિયાણા આવી પહોંચતા ખુલ્લી જીપમાં પાંચેય ડોમમાં લોક અભિવાદન ઝીલ્યું હતું. લોકોએ તાળીઓના ગડગડાટ અને ભારત માતાકી જે ના નારા સાથે ઉમળકાભેર આવકાર્યા હતા. એક લાખ ઉપરાંતની જનમેદનીએ વડાપ્રધાનશ્રીએ નવસારીની ધરતીના આંગણે આવકાર્યા.
•મુખ્યમંત્રીશ્રીએ ગાંધીજીની મૂર્તિ અને વડાપ્રધાનશ્રીને અયોધ્યા મંદિરની ૫ કિલો ચાંદીથી બનાવાયેલી પ્રતિકૃતિ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી
•મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નવસારીના સાંસદ તેમજ પ્રદેશ સંગઠન પ્રમુખશ્રી સી.આર.પાટીલના હસ્તે પ્રધાનમંત્રીશ્રીનું ફુલહાર અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરાયું
•મહિલાઓએ એક સરખા કલરની સાડી પહેરી રામધુન સાથે વડાપ્રધાનશ્રીનું અભિવાદન કર્યું
•જયશ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમના નારાથી પાંચેય ડોમ ગુંજી ઉઠ્યા
•મહિલાઓ દ્વારા રામધૂન અને ભજન સાથે આધ્યાત્મિક માહોલમાં ઉષ્માભેર વડાપ્રધાનશ્રીનું સ્વાગત કર્યું.