મગ, મઠ, અડદ પાકમાં રોગ નિયંત્રણ અને બીજ માવજત માટે ખેડૂત મિત્રો આટલું કરો

સુરત:સોમવાર: મગ, મઠ, અડદ પાકની ખેતી કરતા ખેડૂતો રોગ નિયંત્રણ અને બીજ માવજત માટે જરૂરી પગલા લઇને યોગ્ય ઉત્પાદન મેળવી શકે છે. જે મુજબ પીળો પચરંગિયા રોગના નિયંત્રણ માટે મગની રોગ પ્રતિકારક જાત ગુજરાત આણંદ મગ-૫ ની વાવણી કરવી તેમજ થાયોમેથોકઝામ ૩૫ એફએસ ૧૦ મિ.લિ./કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપી વાવણી કરવી અને ત્યારબાદ થાયોમેથોકઝામ ૨૫ ડબલ્યુજી (૪ ગ્રામ/ ૧૦ લિટર પાણી)નો પ્રથમ છંટકાવ વાવેતર પછી ૩૦ દિવસે અને બીજો છંટકાવ ૪૫ દિવસે કરવો જેથી આ રોગ ફેલાવતી ચૂસિયાં પ્રકારની જીવાતોનું નિયંત્રણ થઇ શકે છે.
કઠોળ પાકમાં એન્થ્રેક્નોઝ, કોહવારો તેમજ સરકોસ્પોરાથી થતા પાનના ટપકાંના રોગના નિયંત્રણ માટે બીજને વાવતા પહેલાં થાયરમ અથવા કાર્બેન્ડાઝીમ અથવા મેન્કોઝેબ જેવી ફૂગનાશક દવાનો (૩ ગ્રામ/ કિલો બીજ) નો પટ આપીને વાવણી કરવી. જીવાણુંથી થતા પાનનાં ટપકાના રોગના નિયંત્રણ માટે બીજને સ્ટ્રેપ્ટોસાયકલીન ૨૫૦ પીપીએમ (૧ ગ્રામ/૪ લિટર પાણી) ના દ્રાવણમાં ૧૫ મિનીટ સુધી બોળી રાખીને પછી વાવણી કરવી. મગમાં ગંઠવા કૃમિના નિયંત્રણ માટે લીંબોળીનો ખોળ ૧૦૦ કિ.ગ્રા.+ ટ્રાઈકોડર્મા વીરીડી ૨.૫ કિ.ગ્રા./ હે. વાવણી પહેલા ૧૦ દિવસે જમીનમાં આપવી જોઈએ.
વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/જીવાત માટેની દવા છે તે ઉક્ત સૂચના મુજબ અનુસરવાથી રોગ નિયંત્રણ અને બીજ માવજતમાં ખૂબ ફાયદો થાય છે.