ગુજરાત

મુખ્ય પાક માટે થતો ખર્ચ સહપાકોમાંથી લેવો અને મુખ્ય પાક બોનસના રૂપમાં મેળવવો તે જ સાચા અર્થમાં પ્રાકૃતિક કૃષિ

Surat News: પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેથી વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે જેથી પ્રાકૃતિક કૃષિના સિધ્ધાંતોને પણ વિસ્તારથી સમજવા આવશ્યક છે.

ફાયદાની પ્રાકૃતિક કૃષિ:
ઝાડ-છોડની વૃધ્ધિ અને તેનું સારું ઉત્પાદન લેવા માટે જે જે સંસાધનોની જરૂરિયાત હોય છે. આ બધા સંસાધનો ઝાડ-છોડને ઉપલબ્ધ કરવા માટે પ્રકૃતિને મજબૂર કરનાર પધ્ધતિને પ્રાકૃતિક કૃષિ કહેવાય છે. મુખ્ય પાક માટે થતો ખર્ચ સહપાકોમાંથી લેવો અને મુખ્ય પાક બોનસના રૂપમાં મેળવવો તે જ સાચા અર્થમાં પ્રાકૃતિક કૃષિ છે.

પ્રાકૃતિક કૃષિના સિધ્ધાંતો
(૧) દેશી ગાય
આ કૃષિ મુખ્યત્વે દેશી ગાય પર આધારિત છે. દેશી ગાયના ગ્રામ છાણમાં ૩૦૦-૫૦૦ કરોડ સૂક્ષ્મ જીવાણુંઓ હોય છે. જ્યારે વિદેશી ગાયના ગ્રામ છાણમાં ફક્ત ૭૮ લાખ સૂક્ષ્મજીવાણુંઓ મળે છે. દેશી ગાયના છાણ અને મૂત્રની સુગંધથી દેશી અળસિયા જમીનના ઉપરના સ્તરમાં આવી જાય છે અને જમીનને ઉત્પાદક બનાવે છે.

(૨) ખેડ:
પ્રાકૃતિક કૃષિમાં ઊંડી ખેડ કરવામાં આવતી નથી. કારણ કે તે જમીનની ફળદ્રુપતા ઓછી કરી દે છે. ૩૬°સે. ઉષ્ણતામાન થતાં જ જમીનમાંથી કાર્બન ઉડવાનું શરૂ થઈ જાય છે. અને ભેજ બનાવવાનું અટકી જાય છે. જેના કારણે જમીનની ઉત્પાદન શક્તિ ઓછી થઈ જાય છે.

(૩)પિયત વ્યવસ્થા:
પ્રાકૃતિક કૃષિમાં પિયત છોડથી થોડે દૂર આપવામાં આવે છે. આમાં માત્ર ૧૦ ટકા પાણીનો ઉપયોગ થાય છે. અને ૯૦ ટકા પાણીની બચત થાય છે. છોડને થોડે દૂર પાણી આપવાથી છોડના મૂળની લંબાઈ વધી જાય છે. મૂળની લંબાઈ વધવાથી છોડના થડની જાડાઈ વધે છે. આ ક્રિયાના કારણે છોડની લંબાઈ પણ વધી જાય છે. આના પરિણામ રૂપે ઉત્પાદન પણ વધી જાય છે.

(૪) છોડની દિશા:
પ્રાકૃતિક કૃષિમાં છોડની દિશા ઉતર-દક્ષિણની હોય છે. જેમાં છોડને સૂર્યપ્રકાશ વધુ સમય મળે છે. છોડની દિશા ઉતર-દક્ષિણ હોવાથી ઉત્પાદન ૨૦ ટકા વધી જાય છે.

(૫) સહયોગી પાક:
પ્રાકૃતિક કૃષિમાં મુખ્ય પાક સાથે સહયોગી પાક પણ લેવામાં આવે છે. જેથી મુખ્ય પાકને નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ વગેરે મળતાં રહે છે.પ્રાકૃતિક કૃષિમાં મુખ્ય પાકની સાથે સહયોગી પાક લેવાથી (મુખ્ય પાક પર) કીટનિયંત્રણ પણ થાય છે.

(૬)આવરણ (મલ્ચીંગ):
જમીનની સપાટી પાકના અવશેષોથી ઢાંકવાને આવરણ કહે છે. તેનાથી પાણીની બચત થાય છે અને જમીનમાં કાર્બન પણ ટકી રહે છે. જેથી જમીનની ઉત્પાદકત્તા વધે છે.

આમ, સુક્ષ્મપર્યાવરણ, કેશાકર્ષણ શકિત (CAPILLARY ACTION), દેશી અળસિયાની સક્રિયતા (પ્રવૃતિઓ), ગુરૂત્વાકર્ષણ બળ, ભવંડર તેમજ દેશી બિયારણ પણ પ્રાકૃતિક ખેતીમાં ખુબ જ ઉપયોગી બની રહે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button