પ્રાદેશિક સમાચારશિક્ષા

આજે વિશ્વ પુસ્તક દિવસ

આજે વિશ્વ પુસ્તક દિવસ: 1000 વાંચકોની ક્ષમતા સાથે વલસાડની ગાંધી લાઈબ્રેરી ડીજીટલ રૂપમાં નવલુ નજરાણુ બનશે
રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાને રૂ. 1.89 કરોડની ગ્રાંટ ફાળવાઈ હતી, 98 ટકા કામગીરી પૂર્ણ
મહિલા, બાળકો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વાંચકો માટે અલગ અલગ સેકશન બનાવાયા
– ગ્રાઉન્ડ પલ્સ બે માળના લાઈબ્રેરીના નવા બિલ્ડિંગમાં કોન્ફરન્સ હોલ અને ગ્રંથ ભંડાર પણ હશે
ઋગ્વેદમાં લખ્યું છે કે, “આ નો ભદ્રા: ઋતવો યન્તુ વિશ્વત:” અર્થાત દરેક દિશાએથી અમને શુભ અને સુંદર વિચાર પ્રાપ્ત થાવો. શુભ અને સુંદર વિચાર માનવીય ચેતનાનો વિકાસ સાધે છે. ભગવદ ગીતામાં કહેવાયું છે કે, “ન હિ જ્ઞાનેન સદશં પવિત્રમિહ વિદ્યતે” અર્થાત આ વિશ્વમાં જ્ઞાનથી પવિત્ર બીજી કોઈ જ વસ્તુ નથી. માનવ શરીરના મનને પોષણ આપે એવુ ઉત્તમ સાહિત્ય વાંચવુ આજના સાંપ્રત સમયમાં અનિવાર્ય બની ગયુ છે. ત્યારે આજે 23 એપ્રિલે વિશ્વ પુસ્તક દિને ઠેર ઠેર વાંચનનો મહિમા સમજાવવામાં આવશે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતની પ્રજામાં વાંચનની અભિરૂચિ કેળવવા તેમજ જીવન ઘડતર અને સંસ્કાર ઘડતરનો સમન્વય કરી “વાંચે ગુજરાત” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જેને પગલે સમગ્ર રાજ્યમાં વાંચનની લહેર ઉઠી હતી. જેનો લાભ વલસાડની જનતાને પણ મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વલસાડમાં અદ્યતન લાઈબ્રેરી બનાવવા માટે રૂ. 1 કરોડ 89 લાખની ગ્રાંટ ફાળવી હતી. જેના થકી લાઈબ્રેરીનું બાંધકામ સહિતની 98 ટકા કામગીરીને આખરી ઓપ આપી દેવાયો છે. હવે માત્ર 2 ટકા કામગીરી બાકી રહી છે. 1000 વાંચકોની ક્ષમતા ધરાવતી આ આધુનિક લાઈબ્રેરી આગામી ખૂબ જ ટૂંકા દિવસોમાં વલસાડની પ્રજાને રાજ્ય સરકાર દ્વારા ભેટ સ્વરૂપે મળશે.
સોશિયલ મીડિયાના જમાનામાં વાંચનની રૂચિ ઘટતી જઈ રહી છે જેને પગલે ઘણીવાર મનુષ્ય માર્ગ ભટકી જાય છે. તેવા સમયે સારા પુસ્તકો માર્ગ બતાવે છે. કહેવાય છે કે, એક પુસ્તક સો મિત્રની ગરજ સારે છે. જીવનમાં ભણતર, ઘડતર અને ગણતર માટે પુસ્તકોનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. દુનિયા ગમે તેટલી આધુનિક બને પણ જીવન જીવવાનો સાચો માર્ગ અને જીવનમાં ઘોર અંધકાર ર્સજાય ત્યારે તેમાંથી બહાર કેવી રીતે નીકળવુ તેનો રાહ પુસ્તકો બતાવે છે. સારા પુસ્તકોના વાંચન દ્વારા વ્યક્તિત્વ ઘડતરનું નિર્માણ થઈ શકે છે. લોકોમાં વાંચનની ઘટી રહેલી રૂચિને કેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા વાંચે ગુજરાત સહિતના નીત નવા પ્રયોગો થઈ રહ્યા છે. જેમાં હવે સમયની માંગ પ્રમાણ ડીજીટલ લાઈબ્રેરી થકી લોકોના જીવનને જ્ઞાનથી સમૃધ્ધ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પહેલ કરાઈ છે. વલસાડ શહેરમાં ડી.એન.શોપિંગ સેન્ટરની સામે તા.15 ઓગસ્ટ 1948માં લોકો દ્વારા ભેટમાં અપાયેલા 1000 પુસ્તકોથી શરૂ થયેલી વલસાડ નગરપાલિકા સંચાલિત ગાંધી લાઈબ્રેરીએ દાયકાઓ સુધી વલસાડના લોકોની વાંચનની ભૂખ સંતોષી છે પરંતુ જમાના સાથે કદમ મેળવવામાં અગ્રેસર રાજ્ય સરકારે ગાંધી લાઈબ્રેરીને આધુનિક લાઈબ્રેરી બનાવવા માટે રૂ. 1 કરોડ 89 લાખની ગ્રાંટ ફાળવી હતી. જેના થકી ગ્રાઉન્ડ ફલોરની સાથે બે માળની લાઈબ્રેરીનું મકાન તૈયાર થઈ ગયું છે. જેમાં આગામી ટૂંકા દિવસોમાં ડીજીટલ લાઈબ્રેરીનું નવલુ નજરાણુ વલસાડની વાંચન પ્રિય જનતા માટે ઉપલ્બ્ધ હશે. આ અંગે વલસાડ પાલિકાના એન્જિનિયર હિતેશ પટેલે જણાવ્યું કે, સંભવત: ગુજરાત સ્થાપના દિને તા. 1 મે ના રોજ લાઈબ્રેરીનું લોકાર્પણ થાય તે માટે નગરપાલિકા દ્વારા યુધ્ધના ધોરણે તમામ કામગીરી આટોપવામાં આવી રહી છે.
બોક્ષ મેટર
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે વિશેષ વ્યવસ્થા: એન્જિનિયર
વલસાડ નગરપાલિકાના એન્જિનિયર નગ્મા મોદીએ જણાવ્યું કે, સરકારી નોકરી માટે લેવાતી જીપીએસસી-યુપીએસસી સહિતની વિવિધ ર્સ્પધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી પુસ્તકો આ નવી લાઈબ્રેરીમાં ઉપલ્બ્ધ કરાશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને વાંચનમાં ખલેલ ન પહોંચે તેનું પણ ખાસ ધ્યાન રાખી અલાયદી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સિવાય મહિલાઓ માટે અને બાળકો માટે પણ અલગ સેક્શન તૈયાર કરાયા છે. સાથે કોન્ફરન્સ હોલ અને ગ્રંથ ભંડાર પણ ઉપલ્બ્ધ હશે. આ સિવાય પાર્કિંગ, શૌચાલય, બેઠક વ્યવસ્થા સહિતની તમામ સુવિધા ઉપલ્બ્ધ કરાશે.
બોક્ષ મેટર
રૂ. 1 લાખના નવા પુસ્તકો ખરીદ્યા, હવે કુલ પુસ્તક 26607 થયા: ગ્રંથપાલ
વલસાડની ગાંધી લાઈબ્રેરીના ગ્રંથપાલ ઈલિયાસ મંગાએ જણાવ્યું કે, આ નવી લાઈબ્રેરી માટે રૂ. 1 લાખના નવા 600 પુસ્તકોની ખરીદી કરવામાં આવી છે. ત્યાર બાદ દર વર્ષે 500 થી 1000 નવા પુસ્તકો ખરીદવામાં આવશે. હાલ ધાર્મિક, આદ્યાત્મિક, સાહિત્ય, કલા,સંસ્કૃતિ,નાટક, નવલકથા, વાર્તા અને સામાન્ય જ્ઞાન મળી કુલ 26607 પુસ્તકો ઉપલબ્ધ છે. જેમાં અંગ્રેજી નોવેલ 5500, ગુજરાતી ભાષાના 13000, હિન્દી ભાષામાં 1000 અને મરાઠી ભાષામાં 90 પુસ્તકો છે. જ્યારે બાળકો માટે 3000 બાળ સાહિત્યના પુસ્તકો છે. 1000 પુસ્તકો માત્ર ગાંધી બાપુના જીવનને ર્સ્પશતા છે. જે વાંચકો માટે આર્કષણનું કેન્દ્રરૂપ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button