એન્ટરટેઇનમેન્ટ

વિકી કૌશલ અને એમી વિર્ક આગામી ફિલ્મ ‘બૅડ ન્યૂઝ’ના પ્રમોશન અર્થે અમદાવાદના મહેમાન બન્યા

• બંને કલાકારોએ ગુજરાતી ફૂડનો આનંદ માણ્યો

અમદાવાદ : ધર્મા પ્રોડક્શન્સ અને લીઓ મીડિયા કલેક્ટિવના સહયોગથી એમેઝોન પ્રાઇમ દ્વારા પ્રસ્તુત કોમેડી-ડ્રામા ‘બેડ ન્યૂઝ’ની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકો અને પ્રેક્ષકોમાં તેની આસપાસની ઉત્તેજના વધી રહી છે. વિકી કૌશલ અને એમી વિર્ક ફિલ્મના પ્રમોશન અર્થે અમદાવાદ પહોંચ્યા હતા અને ફિલ્મ અંગે દિલ ખોલીને વાતચીત કરી હતી અને લોકોનું અભિવાદન મેળવ્યું હતું. આનંદ તિવારી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક એકદમ નવા અંદાજમાં જોવા મળશે. આ ફિલ્મ 19 જુલાઈ, 2024ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ઉપરાંત બંને કલાકારોએ ગુજરાતી ફૂડનો આનંદ માણ્યો હતો.

બંને કલાકારોએ ફિલ્મના પ્રમોશન માટે એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી, જ્યાં તેઓએ પત્રકારો સાથે ફિલ્મ, તેમના પાત્રો અને તેની સાથેના તેમના અનુભવો વિશે વાત કરી હતી. વિકી કૌશલે કહ્યું કે, ‘બેડ ન્યૂઝ’ તેણે અત્યાર સુધી કરેલી તમામ ફિલ્મોથી તદ્દન અલગ છે, કારણ કે આમાં મને કોમેડી કરવાનો મોકો મળ્યો. જો કે કોમેડી કરવી એટલું સરળ નથી, પરંતુ મેં તેને સ્વીકારી લીધું છે અને મારી જાતને થોડો બદલવાનો પ્રયાસ કર્યો છે. તેના શૂટિંગ દરમિયાન મને ઘણું શીખવા મળ્યું.

તે જ સમયે, પંજાબી અભિનેતા એમી વિર્કે કહ્યું કે આ ફિલ્મ લોકોને માત્ર હસાવશે જ નહીં પરંતુ હસીને લોટપોટ કરવા પર મજબૂર કરી દેશે.. એમી વિર્કે કહ્યું કે ફિલ્મની વાર્તા જ તેને લોકપ્રિયતા આપે છે. આ ફિલ્મ માટે આખી ટીમે ઘણી મહેનત કરી છે. મને આશા છે કે નવા કોન્સેપ્ટ પર બનેલી આ ફિલ્મ દર્શકોને ચોક્કસ ગમશે.

‘બેડ ન્યૂઝ’ની વાર્તા એક એવી છોકરી વિશે છે જે એક રેર મેડિકલ કન્ડિશનનો શિકાર બને છે. આ સ્થિતિને કારણે તેના ગર્ભમાં ઉછરી રહેલું બાળક એક નહીં પરંતુ બે અલગ-અલગ છોકરાઓનું છે. હવે બાળકનો અસલી પિતા કોણ છે તે પ્રશ્ન પર લડાઈ શરૂ થાય છે અને ડોક્ટર કહે છે કે બંને છોકરાઓ બાળકના પિતા છે. આ પછી, એમી વિર્ક અને વિકી કૌશલ વચ્ચે લડાઈ શરૂ થાય છે અને તૃપ્તિ વિચારવા લાગે છે કે જો તેમને પસંદ કરવું છે, તો બંનેએ સાબિત કરવું પડશે કે કોણ વધુ સારા પિતા બનવા માટે સક્ષમ છે. આ ફિલ્મ ત્રણ કલાકારોની આસપાસ ફરે છે અને રસપ્રદ વળાંકો સામે આવે છે.

નોંધનીય છે કે વિકી કૌશલે ‘તૌબા તૌબા’ ગીતમાં તેના ડાન્સ મૂવ્સથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે અને દર્શકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. ‘તૌબા-તૌબા’માં વિકીના ડાન્સને જોયા બાદ ઘણા સેલેબ્સે તેની ખૂબ પ્રશંસા કરી છે, જેમાં સલમાન ખાન અને રિતિક રોશનનો સમાવેશ થાય છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button