ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત ખાસ ઝુંબેશ દિવસોમાં મતદારો સુધારા-વધારા કરી શકશે
સુરતઃશુક્રવારઃ- લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.૦૧લી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
રાજ્યભરમાં ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન ખાસ ઝૂંબેશ દિવસ ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર તા.૨૬/૧૧/૨૦૨૩ (રવિવાર), તા.૦૩/૧૨/૨૦૨૩ (રવિવાર) અને તા.૯/૧૨/૨૦૨૩ના દિવસોએ બૂથ લેવલ ઓફિસર્સ સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા દરમિયાન સંબંધિત બૂથ પર હાજર રહી હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે. સાથે જે નાગરિકો તા.૦૧/૦૧/૨૦૨૪ ના રોજ કે તે પહેલા ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરતા હોય અને મતદારયાદીમાં નામ દાખલ કરવાના બાકી હોય તો પોતાના નામ મતદારયાદીમાં દાખલ કરાવવા માટે ફોર્મ નં.૬, મતદાર ઓળખકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા ફોર્મ નં.6(ખ), મૃત્યુ-સ્થળાંતરના કિસ્સામાં નામ કમી કરવા ફોર્મ નં.૭ તથા ઓળખકાર્ડમાં નામ, અટક, જન્મ તારીખ, ફોટો સુધારવા, સ્થાળંતર માટે ફોર્મ નં. 8 જરૂરી આધાર પુરાવા સાથે ખાસ ઝુંબેશના દિવસોમાં પોતાના વિસ્તારના સબંધિત મતદાન મથકે રજુ કરી શકાશે એમ સુરતના અધિક જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓનલાઈન હક્કદાવા www.voterportal.eci.gov.in અથવા www.voters.eci.gov.in અથવા Voter Helpline મોબાઈલ એપ મારફત પણ રજુ કરી શકાશે.