એસપીબી કૉલેજ ખાતે એન્ટી-રેગિંગ અંગે કાનૂની જાગૃતિ વ્યાખ્યાન

એસપીબી કૉલેજ ખાતે એન્ટી-રેગિંગ અંગે કાનૂની જાગૃતિ વ્યાખ્યાન
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લીશ મીડીયમ કોલેજ ઓફ કોમર્સ, સુરત ખાતે એન્ટી-રેગિંગ કમિટી દ્વારા તા. ૧૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ બી.એડ. હોલ ખાતે એસ.વાય.બી.કોમ. તથા ટી.વાય.બી.કોમ.ના વિદ્યાર્થીઓ માટે “Legal Awareness on Anti-Ragging” વિષય પર વિશેષ કાનૂની જાગૃતિ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં એન્ટી-રેગિંગ કાયદા અંગે જાગૃતિ લાવવાનો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષિત, સન્માનપૂર્ણ અને રેગિંગમુક્ત વાતાવરણ જાળવવા માટે વિદ્યાર્થીઓને કાનૂની માહિતી પૂરી પાડવાનો હતો.
વ્યાખ્યાનમાં કાયદાકીય ક્ષેત્રના અનુભવી તજજ્ઞોએ વિદ્યાર્થીઓને રેગિંગના વિવિધ સ્વરૂપો, તેના ગંભીર પરિણામો તથા રેગિંગ સામે ઉપલબ્ધ કાયદાકીય જોગવાઈઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં વક્તા તરીકે એડવોકેટ હેતા દેસાઈ, લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સેલ તથા જિલ્લા અને સેશન્સ કોર્ટ, સુરત હાજર રહ્યા હતા,તેમણે વિદ્યાર્થીઓને રેગિંગની કાનૂની વ્યાખ્યા, રેગિંગના વિવિધ પ્રકારો અને રેગિંગના કૃત્યમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે થઈ શકતી કાયદાકીય કાર્યવાહી અંગે સમજ આપી હતી. તેમણે ખાસ કરીને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે મજાક કે મનોરંજનના નામે કરવામાં આવતી કોઈપણ એવી પ્રવૃત્તિ જે અન્ય વિદ્યાર્થીના માનસિક, શારીરિક કે સામાજિક સ્વાભિમાનને ઠેસ પહોંચાડે, તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ સાથે વિદ્યાર્થીઓને કાનૂની પ્રક્રિયા અંગે વ્યવહારુ માહિતી આપવામાં આવી હતી. તેમણે રેગિંગ સંબંધિત ફરિયાદની પ્રક્રિયા, ફરિયાદ બાદ થઈ શકતી કાર્યવાહી તેમજ કાયદા સમક્ષ દરેક વ્યક્તિની જવાબદારી અને અધિકારો અંગે સરળ ભાષામાં સમજ આપી હતી.
તેમજ એડવોકેટ ફેનીબેન પટેલ, ફેમિલી લૉ પ્રેક્ટિશનર તથા લેડી રિપ્રેઝેન્ટેટિવ, સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન, દ્વારા વિદ્યાર્થીઓને કાનૂની અધિકારો અને જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ખાસ કરીને વિદ્યાર્થીઓમાં પરસ્પર સન્માન, સંવેદનશીલતા અને જવાબદાર વર્તનનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ અથવા રેગિંગનો ભોગ બનવા પર મૌન ન રહેવા અને યોગ્ય સત્તાધિકારીઓનો સંપર્ક કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
વ્યાખ્યાન દરમિયાન વિદ્યાર્થીઓને રેગિંગથી થતી માનસિક અને શારીરિક અસર, સોશિયલ મીડિયા તથા ડિજિટલ માધ્યમ દ્વારા થતી હેરાનગતિ, ફરિયાદ કરવાની યોગ્ય પ્રક્રિયા અને જરૂરિયાતના સમયે કાનૂની સહાય મેળવવાની રીતો અંગે પણ માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ વક્તાઓ સાથે સંવાદ સાધી વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, જેના નિષ્ણાતો દ્વારા સંતોષકારક અને વ્યવહારુ જવાબો આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમનો મુખ્ય સંદેશ એ રહ્યો કે કોલેજનું વાતાવરણ દરેક વિદ્યાર્થી માટે સુરક્ષિત, સ્વસ્થ અને સન્માનપૂર્ણ હોવું જોઈએ. રેગિંગ એ માત્ર શિસ્તભંગની બાબત નથી, પરંતુ તેના ગંભીર કાનૂની અને સામાજિક પરિણામો પણ થઈ શકે છે. તેથી વિદ્યાર્થીઓએ રેગિંગથી દૂર રહેવા તેમજ પોતાના સહાધ્યાયીઓ પ્રત્યે સન્માનપૂર્ણ અને જવાબદાર વર્તન કરવા માટે પ્રતિબદ્ધ થવું જોઈએ.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એન્ટી-રેગિંગ કમિટીના સંયોજક ડૉ. સવિતા સોંઘી દ્વારા કૉલેજના ઇન્ચાર્જ આચાર્ય ડો. આશિષ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
00000



