કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા ‘જૂની સાયકલ, નવા સપના’ અભિયાન હેઠળ અત્યાર સુધી ૨૯૪થી વધુ રિપેરીંગ કરેલી સાયકલોનું વિનામૂલ્યે વિતરણ

કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા ‘જૂની સાયકલ, નવા સપના’ અભિયાન હેઠળ અત્યાર સુધી ૨૯૪થી વધુ રિપેરીંગ કરેલી સાયકલોનું વિનામૂલ્યે વિતરણ
‘વિશ્વ અંગદાન દિન’ નિમિત્તે વિદ્યાર્થીઓને ‘અંગદાન મહાદાન’ અંકિત કરેલી છત્રીઓનું વિતરણ કરાયું
અંગદાન જાગૃતિ, ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અને બાળ શિક્ષણને પ્રોત્સાહનનો ત્રિવેણી સંગમ
નવી સિવિલ હોસ્પિટલ થકી અત્યાર સુધીમાં ૯૮ જેટલા સફળ અંગદાન દ્વારા અનેક લોકોને નવજીવન મળ્યું છે
‘વિશ્વ અંગદાન દિન’ની ઉજવણીના ભાગરૂપે સુરત ખાતે અંગદાન જાગૃતિ અને સામાજિક સેવાને સાંકળતા પ્રેરણાદાયી કાર્યક્રમ અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં. ૨૬૫ ના બાળકોને ‘અંગદાન મહાદાન’ના સંદેશ અંકિત કરાયેલી છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ વેળાએ સામાજિક ઉત્તરાદાયિત્વનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતાં નગરસેવક શ્રી વ્રજેશ ઉનડકટ દ્વારા ચલાવવામાં આવતા ‘જૂની સાયકલ, નવા સ્વપ્ના’ અભિયાન અંતર્ગત હોંશિયાર પરંતુ આર્થિક રીતે અત્યંત નબળા પરિવારની વિદ્યાર્થીઓને સાયકલોનું વિતરણ કરાયું હતું. શ્રી ઉનડકટ છેલ્લા ઘણા વર્ષોથી લોકોના ઘરે બિનઉપયોગી પડી રહેલી જૂની સાયકલો એકત્રિત કરી, તેને સુવ્યવસ્થિત રિપેર કરાવીને શ્રમિક કે મજૂરીકામ કરતા પરિવારના બાળકોને અર્પણ કરે છે. અત્યાર સુધીમાં આ અભિયાન હેઠળ ૨૯૪ જેટલી સાયકલો વિતરિત કરવામાં આવી છે. આજના દિવસે ‘ફિટ ઈન્ડિયા મુવમેન્ટ’ના સંસ્થાપક અને ડેન્ટલ સર્જન અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ ના સલાહકાર ડૉ. ભૈરવી જોશીની ઉપસ્થિતિમાં વધુ ૪ તેજસ્વી દીકરીઓને બ્રાન્ડ ન્યૂ સાયકલો અર્પણ કરવામાં આવી હતી.
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી અત્યાર સુધીમાં ૯૮ જેટલા અંગદાન સફળતાપૂર્વક સંપન્ન થયા છે, જેનાથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખ દ્વારા અંગદાન મહાદાનના આ ભગીરથ કાર્યને સમગ્ર ગુજરાતમાં એક સક્રિય જન-આંદોલનમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે, ત્યારે તેમની પ્રેરણા અને સહકાર સાથે વિશ્વ અંગદાન દિન નિમિત્તે આ જનજાગૃતિ અભિયાનને વધુ વેગવંતું બનાવવાના ભાગરૂપે શાળાના બાળકોને છત્રીઓ અર્પણ કરવામાં આવી હતી.
નગરસેવક શ્રી વ્રજેશ ઉનડકટે જણાવ્યું હતું કે, અમારૂ ધ્યેય ‘જૂની સાયકલ, નવા સ્વપ્ના’ સાથે ‘ફિટ ઈન્ડિયા મુવમેન્ટ’ને મજબૂત બનાવવાનો અને બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો છે. સાયકલ મળવાથી આર્થિક રીતે નબળા વર્ગના બાળકો સમયસર શાળાએ પહોંચી શકે છે, તેમનામાં અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધશે અને સાયકલ ચલાવવાથી તેમનું શારીરિક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે. આ ઉપરાંત, પસ્તીદાન એકત્રિત કરીને તેમાંથી મળતી રકમ વડે જરૂરિયાતમંદ બાળકોને નોટબુક તથા શૈક્ષણિક સામગ્રી પણ પૂરી પાડવામાં આવે છે. તેમણે નાગરિકોને પોતાના ઘરમાં ખૂણામાં પડી રહેલી જૂની સાયકલો અને પસ્તી આ સેવાકાર્ય માટે દાન કરવા અપીલ કરી હતી.
TNAI સેક્રેટરી અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તા ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, અંગદાન જેવા પવિત્ર કાર્યની જાગૃતિ જન-જન સુધી પહોંચે તે માટે આ પ્રકારના સામાજિક આયોજનો અત્યંત સરાહનીય છે. આ કાર્યક્રમ થકી અંગદાન જાગૃતિ, ‘ફિટ ઈન્ડિયા મુવમેન્ટ’ અને સાયકલની ભેટ આપી બાળ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો નાનકડો પ્રયાસ છે.
આ પ્રસંગે નર્સિંગ એસો.ના શ્રી જગદીશ બુહા, શાળાના આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.



