ગુજરાત

ડિજિટલ યુગમાં મહિલાઓને સોશિયલ મીડિયા પજવણી સામે કાયદાકીય સુરક્ષા: એડવોકેટ પ્રીતિ જોશી

  • ડિજિટલ યુગમાં મહિલાઓને સોશિયલ મીડિયા પજવણી સામે કાયદાકીય સુરક્ષા: એડવોકેટ પ્રીતિ જોશી
    ​POSH એક્ટ અને BNS હેઠળ વોટ્સએપ તથા સોશિયલ મીડિયા પણ ‘કાર્યસ્થળ’નો ભાગ ગણાશે: હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદાઓ અમલમાં છે
    ​રાજ્યની મહિલાઓ માટે ૧૮૧ અભયમ હેલ્પલાઇન અને એપ્લિકેશન તાત્કાલિક સહાય માટે સૌથી સશક્ત માધ્યમ
    સુરતના બે મહિલા વકીલો પ્રીતિ જોશી અને દીપિકા ચાવડા ‘સ્ક્રોલ ઓફ એવોર્ડથી સન્માનિત
    સુરત : ​નવી દિલ્હી ખાતે સુપ્રીમ કોર્ટના પૂર્વ પ્રમુખ ડો.આદિશ અગ્રવાલાની અધ્યક્ષતામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાનશ્રીના જીવન પર આંતરરાષ્ટ્રીય ફોટો પ્રદર્શન યોજાયું હતું જેમાં સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલો તેમજ મહિલા વકીલો દ્વારા અલગ અલગ ૩૮ વિષયો પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. સુરતના બે મહિલા વકીલો પ્રીતિ જોશી અને દીપિકા ચાવડા ‘સ્ક્રોલ ઓફ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
    વક્તવ્યની શ્રેણીમાં સુરતના વરિષ્ઠ એડવોકેટ શ્રીમતી પ્રીતિ જોશીએ POSH એક્ટ અંગે ઉદ્દબોધન રજૂ કરતા કહ્યું કે, મહિલા વકીલ આજના ડિજિટલ યુગમાં વર્કિંગ વુમન (કામકાજી મહિલાઓ) માટે કાર્યસ્થળ માત્ર ઓફિસની ચાર દીવાલો કે ટેબલ-ખુરશી પૂરતું સીમિત રહ્યું નથી. આજે વોટ્સએપ ગ્રુપ, ફેસબુક મેસેજ અને ઓનલાઇન કોલ્સ તેમજ ઓનલાઈન માધ્યમથી વર્ક ફ્રોમ હોમ પણ કામકાજનો જ એક ભાગ બની ગયા છે. આ ડિજિટલ માધ્યમો જેટલા પ્રગતિ માટે ઉપયોગી છે, તેટલા જ તે ઓનલાઇન પજવણી (Cyber Harassment) માટેના નવા રસ્તા પણ ખોલે છે. પરંતુ કાયદો મહિલાઓને ઓફલાઇનની જેમ જ ઓનલાઇન સ્પેસમાં પણ પૂર્ણ સુરક્ષા આપે છે એમ એડવોકેટ પ્રીતિ જોશીએ કહ્યું હતું.
  • ​ડિજિટલ પ્લેટફોર્મ પણ ‘કાર્યસ્થળ’ નો જ ભાગ:
    એડવોકેટ પ્રીતિ જોશીએ સંજીવ મિશ્રા કેસ (૨૦૨૧) માં રાજસ્થાન હાઇકોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો હતો કે ડિજિટલ પ્લેટફોર્મ પર સહકર્મીને મોકલવામાં આવતા સંદેશાઓ પણ કાર્યસ્થળ પર થતી જાતીય સતામણી (POSH Act) અંતર્ગત જ આવે છે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે ‘એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ વિ. એ.કે. ચોપરા’ કેસમાં નોંધ્યું હતું કે, “કાર્યસ્થળ પર મહિલાની જાતીય સતામણી એ મહિલાના સન્માન અને ગૌરવ સાથે સુસંગત નથી.” નવા ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ સાયબર સ્ટેકિંગ (કલમ ૭૮) અને સાયબર જાતીય સતામણી (કલમ ૭૫) સજાપાત્ર ગુનાઓ છે.
  • ​આંકડા દર્શાવે છે કે જાગૃતિ અને સુરક્ષા જરૂરી છે:
    પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS 2023-24) મુજબ, ભારતમાં મહિલા શ્રમ દળની ભાગીદારી ૨૩.૩% થી વધીને ૪૧.૭% થઈ છે. સામે પક્ષે, NCRB 2022 ના અહેવાલ મુજબ સાયબર ગુનાઓમાં ૨૪.૪% નો વધારો થયો છે. જેમ જેમ વધુ મહિલાઓ કામકાજના ક્ષેત્રે આગળ વધી રહી છે, તેમ તેમની ડિજિટલ સુરક્ષા સુનિશ્ચિત કરવી અનિવાર્ય બની છે.
  • ફરિયાદ માટેના ત્વરિત માધ્યમો અને હેલ્પલાઇન:
    ઓનલાઇન પજવણીનો સામનો કરતી મહિલાઓ માટે અનેક ત્વરિત સુવિધાઓ ઉપલબ્ધ છે:
    *પોર્ટલ: સરકારી અને ખાનગી ક્ષેત્રની મહિલાઓ સીધી જ તેમની આંતરિક સમિતિઓ (Internal Committees) ને આ પોર્ટલ મારફતે ફરિયાદ નોંધાવી શકે છે.
  •  ​સાયબર ક્રાઇમ પોર્ટલ અને ૧૯૩૦: સાયબર ગુનાઓની ત્વરિત ફરિયાદ માટે cybercrime.gov.in અથવા હેલ્પલાઇન નંબર ૧૯૩૦ નો ઉપયોગ કરી શકાય છે.
  •  ​૧૮૧ અભયમ હેલ્પલાઇન (ગુજરાત): ગુજરાતમાં ૨૪x૭ કાર્યરત ‘૧૮૧ અભયમ’ હેલ્પલાઇન અને તેની મોબાઇલ એપ ઓનલાઇન પજવણી, સાયબર ક્રાઇમ કે સ્ટેકિંગ સામે ત્વરિત સુરક્ષા અને માર્ગદર્શન પૂરું પાડે છે.
  • ગૌરવનો અધિકાર અને યોગ્ય કાનૂની પ્રક્રિયા
    શ્રીમતી પ્રીતિ જોશીએ કેટલાક પ્રિયા રમણી કેસમાં અદાલતની મહત્વપૂર્ણ ટિપ્પણી ટાંકતા કહ્યું હતું કે, “કોઈ વ્યક્તિના નામના રક્ષણ માટે મહિલાના સન્માન અને ગૌરવના અધિકારનો ભોગ આપી શકાય નહીં.” તેની સાથે જ, ઓરેલિયાનો ફર્નાન્ડિસ (૨૦૨૩) ચુકાદામાં સુપ્રીમ કોર્ટે નિષ્પક્ષ તપાસ અને કાનૂની પ્રક્રિયાના પાલન પર ભાર મૂક્યો હતો, જેથી પીડિતાને મજબૂત અને ટકતો ન્યાય મળી શકે.
    ​ટેકનોલોજીના આ સમયમાં POSH એક્ટ, BNS કાયદા અને ૧૮૧ અભયમ જેવી ત્વરિત સેવાઓ મહિલા સશક્તિકરણની ઢાલ બની છે. મહિલાઓ પોતાના કાનૂની અધિકારો પ્રત્યે જાગ્રત થાય અને સુરક્ષિત વાતાવરણમાં પોતાની પ્રગતિ કરે તે સમયની માંગ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button