નવસારીમાં રૂ. 450 કરોડના ખર્ચે નિર્માણાધીન નેત્ર હોસ્પિટલના લાભાર્થે 5થી 13 ડિસેમ્બર દરમિયાન મોરારીબાપુની રામકથા યોજાશે

નવસારીમાં રૂ. 450 કરોડના ખર્ચે નિર્માણાધીન નેત્ર હોસ્પિટલના લાભાર્થે 5થી 13 ડિસેમ્બર દરમિયાન મોરારીબાપુની રામકથા યોજાશે
1 કરોડ દર્દીઓને અંધત્વ મુક્ત કરવાનો SVNM ટ્રસ્ટનો નિઃસ્વાર્થ સંકલ્પ ગુજરાતમાં નેત્ર ચિકિત્સાક્ષેત્રે જરૂરિયાતમંદ- દર્દીનારાયણની આંખોમાં નવી દ્રષ્ટિનું સ્વપ્ન સાકાર કરશે
સુરત તા. 24 ઓક્ટોબર 2026:સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા નવસારીના સુપા ગામની સેવાભાવી ધરા પર દ્રષ્ટિહીન વ્યકિતઓની આંખોમાં રોશની પ્રગટાવવાના સંકલ્પને વધુ પરિપૂર્ણ બનાવવા તથા દ્રષ્ટિહીન લોકોને અંધકારથી ઉજાસ તરફ લાવવાના ઘર ઘર દ્રષ્ટિ અભિયાનના સેવામય પ્રયાસના ભાગરૂપે રૂ.450 કરોડના ખર્ચે નિર્માણાધીન પશ્ચિમ ભારતની વિશ્વકક્ષાની અત્યાધુનિકનેત્ર હોસ્પિટલના લાભાર્થે તા. 05, ડીસેમ્બર થી તા. 13 , ડીસેમ્બર-2026 દરમિયાન સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર, પુર્ણા નદીના કિનારે, સુપા ગામ (ગુરૂકુલ), જી. નવસારી ખાતે વિશ્વ વંદનીય, સંત વિભૂતિ, પરમ પૂજ્યશ્રી મોરારી બાપુની‘શ્રી રામ કથા’નું આયોજન કરવામાં આવ્યું છે.
સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ(SVNM Trust)ના ચેરમેન ડો. ભાવિનભાઈ પટેલે જણાવ્યું હતું કે,વર્તમાન સમયમાં આંખોની તકલીફો ખૂબ જ ઝડપથી વધતી જોવા મળે છે, જેથી આવા જરૂરિયાતમંદ લોકોને અંધકારથી ઉજાસ તરફ લઈ જવાના SVNM Trustના નિઃસ્વાર્થ સેવા મિશનના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના સુપાગામ ખાતે અંદાજે ₹450 કરોડના ખર્ચે વિશ્વકક્ષાની આંખની હોસ્પિટલનું નિર્માણકાર્ય હાથ ધર્યું છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સાકાર થતાં આંખના રોગોની આધુનિક નેત્ર ચિકિત્સા ક્ષેત્રે નવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
ડો. ભાવિનભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે,સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર, સુપા ગામ ખાતે રૂ.450 કરોડના ખર્ચે નિર્માણ પામવા જઈ રહેલી આંખની હોસ્પિટલના લાભાર્થે તા. 05, ડીસેમ્બર થી તા. 13 , ડીસેમ્બર-2026 દરમિયાન વિશ્વ વંદનીય, સંત વિભૂતિ, પરમ પૂજ્યશ્રી મોરારી બાપુની‘શ્રી રામ કથા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજનમાં ચાર હજારથી વધુ સ્વયંસેવકો ખડેપગે રહેશે. રામકથાના આયોજન દરમિયાન મેગા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ રામકથાનો લાભ મહત્તમ લોકો લે તે હેતુથી 25 કિલોમીટર લાંબી એવી ‘ ભવ્ય આમંત્રણ રેલી’ નું પણ આયોજન કરવામાં આવશે. સમગ્ર કથા મંડપને સીસી ટીવી કેમેરા, હાઈટેક સિકયુરીટી, વિમા કવચ હેઠળ આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સુપા ગામ ખાતે નિર્માણ પામવા જઈ રહેલા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરમાં વર્ષે 1,20,000 ઓપરેશનના ક્ષમતાવાળા અત્યાધુનિક 21 ઓપરેશન થિયેટર હશે. આ સાથે આંખ, ઓપ્ટોમેટ્રી અને નર્સિંગ કોલેજ કોલેજ વિભાગ પણ હશે. સાથોસાથ અંધશાળા, તાલીમ અને વ્યવસાય કેન્દ્ર પણ બનાવવામાં આવશે. જેના કારણે દક્ષિણ ગુજરાત સહિત આસપાસના વિસ્તારોના લોકોને આંખની વિવિધ બીમારીઓની સારવાર માટે અદ્યતન તબીબી સુવિધાઓ પૂરી પાડી શકાશે. ખાસ કરીને મોતિયો, ગ્લુકોમા, રેટિના સંબંધિત રોગો તથા આંખની અન્ય જટિલ સમસ્યાઓ માટે વૈશ્વિક કક્ષાની આધુનિક સારવારની સુવિધાઓ વિકસાવવાની દિશામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ બનશે.આ હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના છેવાડાના માનવી સુધી ઉત્કૃષ્ટ અને રાહત દરે અથવા મફત નેત્ર સારવાર પહોંચાડવાનો છે.
ડો. ભાવિનભાઈ પટેલે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટની વિવિધ સેવાઓ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે,“પ્રોજેક્ટ દ્રષ્ટિ” SVNM ટ્રસ્ટ દ્વારા સુરત તથા ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ દ્વારા લોકોને નવી દ્રષ્ટિ અને ઉજાસ આપવાનો સતત પ્રયાસ કરવામાં આવે છે, જેમાં વર્ષ 2025-26 દરમિયાન 420 થી વધુ કેમ્પ દ્વારા 44,800 થી વધુ લોકોનું સ્કેનિંગ અને 11,531 લોકોને નિઃશુલ્ક ઑપરેશન કરવામાં આવ્યા છે. “દ્રષ્ટિમિત્ર પ્રોજેક્ટ” હેઠળ અંતરિયાળ ગામોમાંથી દીકરીઓને લાવી તાલીમ આપી તેમને આત્મનિર્ભર બનાવવા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. હાલમાં આ પ્રોજેક્ટ હેઠળ 40 કરતાં વધુ દીકરીઓ આરોગ્યક્ષેત્રની તાલીમ મેળવી પોતાના ઉજ્જવળ અનેસ્વાભિમાની ભવિષ્ય તરફ આગળ વધીરહીછે.“SVNMપ્રજ્ઞાચક્ષુ સ્કિલ ડેવલપમેન્ટ અને ટ્રેનિંગ સેન્ટર” સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ આ સેન્ટર દ્રષ્ટિ ગુમાવેલા વ્યક્તિઓને કાઉન્સેલિંગ, મોબિલિટી ટ્રેનિંગ, ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ અને સ્માર્ટફોન ઉપયોગની તાલીમ આપી આત્મનિર્ભરબનાવેછે.આ સાથે ‘ચશ્મા રથ’ દ્વારા અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચી માત્ર 10 મિનિટમાં નંબર પ્રમાણેના ચશ્મા આપી લોકોને નવી દ્રષ્ટિ અને સ્પષ્ટ વિઝન આપવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.“ઘર ઘર દ્રષ્ટિઅભિયાન” આ પ્રોજેક્ટ અંતર્ગત ગામેગામ ઘરે ઘરે જઈ આંખોની તપાસ કરવામાં આવે છે.“જૂના ચશ્મા એકત્રીકરણ અભિયાન” હેઠળજૂના ચશ્મા એકત્ર અભિયાન દ્વારા ઉપયોગમાં ન હોય એવા ચશ્મામાં નવા ગ્લાસ ફિટ કરી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે.



