તારીખ 5 સપ્ટેમ્બર 2026, 77 મો શિનોર તાલુકા કક્ષાનો વન મહોત્સવ સાધલી મુકામે યોજાયો

તારીખ 5 સપ્ટેમ્બર 2026, 77 મો શિનોર તાલુકા કક્ષાનો વન મહોત્સવ સાધલી મુકામે યોજાયો
વૃક્ષારોપણ કાર્યક્રમ માં ફરાસખાના ના મંડપ સહિત સાધનોના બિલના નાણાં તંત્ર દ્વારા ચૂકવાયા નથી
શિનોર તાલુકાના સાધલી મુકામે ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં 77 મો શિનોર તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ 2026 વૃક્ષારોપણ કાર્યક્રમ સામાજિક વનીકરણ રેન્જ શિનોર અને સાધલી ગ્રામ પંચાયત દ્રારા તા.5 સપ્ટેમ્બર 2026 ના રોજ શ્રી વેરાઈ માતા મંદિર પાસે રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય અક્ષય પટેલ, મામલતદાર મુકેશભાઈ જે બારીયા, તાલુકા પંચાયત પ્રમુખ હીનાબેન રોહિત, ઉપપ્રમુખ પ્રિતેશ પટેલ ,ઇન્ચાર્જ સરપંચ સંકેત પટેલ, આર.એફ.ઓ. ચિરાગ માછી શિનોર, બજાર સમિતિ ચેરમેન મુકેશ બિરલા સહિત ભાજપા કાર્યકરો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.અને મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વિશાળ મંડપમાં મહેમાનોએ પ્રસંગિક પ્રવચનો કર્યા હતા.
વન વિભાગ શિનોર દ્વારા 200 રોપા તથા રોપાની જાળવણી માટે 200 પિંજરા અને વૃક્ષારોપણ માટે પોતાના કર્મચારીઓ મારફત વ્યવસ્થિત ખાડાઓ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં વૃક્ષારોપણ કરાયું હતું.
મંડપ વાળા દ્વારા 8 ગાળાનો વિશાળ મંડપ, 150 ખુરશીઓ ,4 સોફા અને 12 બાય 15 ફુટનું વિશાળ સુશોભિત સ્ટેજ બનાવવામાં આવ્યુ હતું. સામાજિક વનીકરણ રેંજ શિનોરે વૃક્ષારોપણનું બેનર બનાવવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ પૂરો થયાને આજે 50 દિવસ પૂરા થયા હોવા છતાં મંડપ વાળાને બિલના નાણાં આપવામાં આવ્યા નથી. વન વિભાગ તથા મામલતદાર દ્વારા જણાવવામાં આવે છે કે સાધલી ગામે કાર્યક્રમ પંચાયતના સહયોગથી રાખવામાં આવ્યો હતો.જેમાં અમે હાજર રહ્યા હતા. મંડપ વાળાએ બીલ ગ્રામ પંચાયતમાં જમા કરાવેલ છે. જોકે ઇન્ચાર્જ સરપંચે આ બિલ ની રકમ ગમે તે જોગવાઈ કરી આપવાની ખાતરી આપી હતી, જ્યારે તલાટીએ જણાવ્યું કે ટૂંક સમયમાં આ બિલની રકમ પંચાયત દ્વારા આપવામાં આવશે. પંચાયત જેવી સધ્ધર સંસ્થા મંડપ વાળા ને 50 દિવસ સુધી બિલ ની રકમ ના આપે એ કયાંનો ન્યાય ગણી શકાય. સરકાર દ્વારા કાર્યક્રમ થાય છે પરંતુ પાછળથી તેના બિલો માટે ધક્કા ખાવા પડે એ સરકાર માટે પણ શરમજનક છે.



