ગુજરાત

બલેઠી ગામે મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે મહિલાઓના સ્વરોજગાર માટે શરૂ થયેલા સિવણ ક્લાસનું ઉદ્ઘાટન કરાયું

બલેઠી ગામે મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે મહિલાઓના સ્વરોજગાર માટે શરૂ થયેલા સિવણ ક્લાસનું ઉદ્ઘાટન કરાયું
મહિલાઓને રોજગારી સાથે આત્મનિર્ભર બનાવતું બલેઠી ગામ સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ : મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા
ગારમેન્ટ યુનિટ થકી બલેઠીની મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર : સાંસદ પ્રભુભાઈ વસાવા
સુરતઃ વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સુરત જિલ્લાના માંડવી તાલુકાના બલેઠી ગામની મુલાકાત લઈ જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ કમિટી (JFMC), વન સમિતિના સભ્યો અને સ્થાનિક ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે તેમણે ગામમાં મહિલા સશક્તિકરણ, વન સંરક્ષણ અને સ્વરોજગારીના ક્ષેત્રે થઈ રહેલા નોંધપાત્ર કાર્યોની પ્રશંસા કરી હતી. આ અવસરે બારડોલીના સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિત રહી હતી.
મંત્રીશ્રીએ ગામમાં વન વિભાગ, ગ્રામ વિકાસ સહકારી મંડળી તથા સ્થાનિક સંસ્થાઓના સહયોગથી શરૂ કરાયેલા સિવણ ક્લાસવર્ગનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પહેલથી બલેઠી ગામની મહિલાઓને કૌશલ્ય વિકાસ અને સ્વરોજગારીની નવી તકો પ્રાપ્ત થશે.
આ પ્રસંગે મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, બલેઠીમાં આવવાનો અવસર મળ્યો તે મારું સૌભાગ્ય છે. આ ગામ પર્યાવરણના જતન અને સંવર્ધન માટે ઓળખાય છે. આપણે સૌ વનના સંતાનો છીએ અને આપણી પેઢીઓ જંગલોના સાનિધ્યમાં વિકસતી આવી છે. પ્રકૃતિ અને ધરતી માતાની સેવા કરવી આપણી નૈતિક ફરજ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ જંગલનો સાચો રક્ષક છે. વન અને પર્યાવરણના સંરક્ષણમાં સ્થાનિક લોકોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. સાચા અર્થમાં વનના અધિકારી પ્રજાજનો જ છે. બલેઠી ગામ માત્ર સુરત જિલ્લો કે ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવીને કાર્ય કરી રહી છે. વિકાસલક્ષી કાર્યો માટે જરૂરી હોય ત્યારે વન વિભાગ દ્વારા સહકાર આપવામાં આવે છે, પરંતુ સાથે-સાથે પ્રકૃતિ, પાણી, પશુ-પક્ષીઓ અને જૈવ વૈવિધ્યના સંરક્ષણને પણ પ્રાથમિકતા આપવામાં આવે છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના છેવાડાના માનવીના કલ્યાણ અને સર્વાંગી વિકાસના વિઝનની પણ ચર્ચા કરી હતી.
આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, વન વિભાગ, વન સમિતિ અને ગ્રામજનોના સંયુક્ત પ્રયાસોથી બલેઠી ગામ મહિલા સશક્તિકરણ અને ગ્રામ વિકાસનું પ્રેરણાદાયી મોડેલ બની રહ્યું છે. ગામમાં સ્થાપિત ગારમેન્ટ યુનિટના કારણે સ્થાનિક બહેનોને પોતાના ગામમાં જ રોજગારીની તકો પ્રાપ્ત થઈ રહી છે, જેના પરિણામે તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે. મહિલાઓની આવકમાં વધારો થવાથી તેમના પરિવારના જીવનધોરણમાં પણ સુધારો આવ્યો છે. વન આધારિત જીવનશૈલી અને રોજગારીના સમન્વય દ્વારા ગામમાં સર્વાંગી વિકાસને એક માર્ગ મળ્યો છે. બલેઠીમાં હાથ ધરાયેલી આવી પહેલો અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં નવી દિશા દર્શાવે છે
આ પ્રસંગે વન વિભાગના અધિકારીઓ, JFMCના સભ્યો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button