વંદે ભારતમ’ને દેશના સંશોધકોનો જોરદાર પ્રતિસાદ

વંદે ભારતમ’ને દેશના સંશોધકોનો જોરદાર પ્રતિસાદ
પ્રાપ્ત ૨૬,૦૦૦થી વધુ અરજીમાંથી ‘વંદે ભારતમ’ દ્વારા પ્રથમ જૂથ પસંદગી
અમદાવાદ : અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ પોતાના દીલની નજીક રહેલ વિચાર જડમૂળના સ્તરથી નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાની પહેલ હેઠળ ‘વંદે ભારતમ’ માટે સમગ્ર ભારતમાંથી મળેલી ૨૬,000થી વધુ અરજીઓમાંથી તેના પ્રથમ નવોદિત સંશોધકોના સમૂહની પસંદગી કરી છે.
આ પહેલ અંતર્ગત ‘વંદે ભારતમ’ને દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી વ્યાપક આવકારરુપે અરજીઓ મળી હતી, જેમાં ગતિશીલતા, ટકાઉપણું, ટેકનોલોજી, કૃષિ, સંરક્ષણ, આરોગ્ય સંભાળ, ઉત્પાદન, શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા વિષયો સંબંધી અભિનવ વિચારો શામેલ હતા. આ જૂથ વિવિધ પ્રદેશો, ક્ષેત્રો અને ભિન્ન ભિન્ન પૃષ્ઠભૂમિના નવીન વિચારકો, સંશોધકોને અનુરુપ એક મંચ ઉપર એકઠા કરી રહ્યું છે, આ નવાંગતૂક વિચારશીલ સંશોધકો દેશની સમસ્યાઓ ઉકેલવા, રાષ્ટ્ર-નિર્માણ માટેના સાહસોની સ્થાપના કરવા અને દેશવ્યાપી પ્રભાવશાળી આયામો હાથ ધરવાના સંકલ્પથી જોડાયેલા છે.
‘ભલે તકો દરેક જગ્યાએ ઉપલબ્ધ ન હોય પણ પ્રતિભા દરેક જગ્યાએ વસતિ હોય છે,’ આ વિચારધારા કેન્દ્રિત ‘વંદે ભારતમ’નો હેતુ આશાસ્પદ નવીન વિચારકોને શ્રેષ્ઠ માર્ગદર્શકો, ઉદ્યોગ જગતના માંધાતાઓ તેમજ યોગ્ય મંચ અને તકો સાથે જોડીને તેમના વિચારોને સાર્થક સાહસોમાં પરિવર્તિત કરવાનો છે. જે દેશે તેમને સપનાં જોવાની, નિર્માણ કરવાની અને વિકાસ કરવાની તક આપી છે, તેને કંઈક પાછું આપવું જોઈએ અને અન્ય લોકો માટે પણ આવું કરવાના માર્ગો ઊભા કરવા જોઈએ એવી શ્રી ગૌતમ અદાણીની દ્રઢ માન્યતા પર આ પહેલ આધારિત છે
પ્રથમ સમૂહના લોન્ચિંગ પ્રસંગે શ્રી ગૌતમ અદાણીએ કહ્યું હતું કે આ નવીન વિચારકોને જ્યા હું જોઉં છું, ત્યારે મને તેઓમાં આવતીકાલના ભારતની ભરપૂર સંભાવનાઓ દેખાય છે. તેમણે કહ્યું હતું કે જેમ પ્રતિભાને કોઈ ભૌગોલિક બંધનો ભેદી શક્તા નથી તો તકો માટે પણ બંધનો કે મર્યાદાઓ હોવી જોઈએ નહીં. તેમણે આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વર્ષો પછી આપણે આ પ્રથમ જૂથ તરફ ફરી નજર નાંખીશું ત્યારે તેમાં એવા સ્થાપકો અને નવીન વિચારકો જોવા મળશે જેમણે એવા સાહસોનું નિર્માણ તથા ભારતના પરિવર્તનમાં યોગદાન આપ્યું હશે. આ તેમનો અને ‘વંદે ભારતમ’નો પ્રથમ અધ્યાય છે એમ તેમણે ઉમેર્યું હતું.
બહુવિધ તબક્કાની મૂલ્યાંકન પ્રક્રિયા દ્વારા પસંદ કરવામાં આવેલ આ પ્રથમ સમૂહ ‘વંદે ભારતમ એકાગ્ર સપ્તાહમાં ભાગ લેશે. જેમાં માર્ગદર્શન સત્રો, વ્યવસાયના અગ્રણીઓ, ઉદ્યોગસાહસિકો અને નિષ્ણાતો સાથે સંવાદ તેમજ મૂલ્યાંકનના વિવિધ તબક્કાઓનો સમાવેશ થશે. આ કાર્યક્રમનું સમાપન ૧૪ ઓગસ્ટે ‘વંદે ભારતમ ગ્રાન્ડ ફિનાલે’ સાથે થશે, જેમાં શ્રેષ્ઠ નવીન વિચારકોનું સન્માન વંદે ભારતમ ટ્રોફી’ એનાયત કરી થશે.
‘વંદે ભારતમ’ની રચના એક સ્પર્ધાથી કંઈક વિશેષ રીતે કરવામાં આવી છે. લાંબા ગાળાનો તેનો ઉદ્દેશ્ય એક એવો રાષ્ટ્રીય તખ્તો તૈયાર કરવાનો છે જે વિચારોને વહેલાસર શોધીને ભારતના પરંપરાગત ઉદ્યોગસાહસિક કેન્દ્રોથી ઉપરવટ જઈ વિચારકોની નવી પેઢી એવા લોકો અને સંસ્થાઓ સુધી પહોંચ પૂરી પાડે જે તેમની પ્રગતિની સફરને વેગ આપી શકે.



