ગુજરાત

કામરેજ તાલુકાના ૯ ગામોમાં હળપતિ સમાજ માટે અંદાજે ૧૫૦ આવાસોના નિર્માણને રાજ્ય સરકારની મંજૂરી

  • કામરેજ તાલુકાના ૯ ગામોમાં હળપતિ સમાજ માટે અંદાજે ૧૫૦ આવાસોના નિર્માણને રાજ્ય સરકારની મંજૂરી
    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જરૂરિયાતમંદ પરિવારોના પોતાના પાકા ઘરનું સ્વપ્ન સાકાર કરવા રાજ્ય સરકારની પહેલ: આવાસ નિર્માણ માટે પ્રતિ લાભાર્થી રૂ.૧.૭૦ લાખની આર્થિક સહાય
    દરેક જરૂરિયાતમંદ પરિવારને સુરક્ષિત છત અને સન્માનભર્યું જીવન મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : પ્રફુલભાઈ પાનશેરીયા

  • દરેક પરિવારને પોતાના ઘરનું ઘર મળે, પરિવારજનો સુરક્ષિત છત નીચે સુખેથી જીવન વિતાવી શકે અને આવનારી પેઢીનું ભવિષ્ય વધુ સુરક્ષિત બને એવા સંકલ્પને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. સમાજના છેવાડાના પરિવારોને વિકાસની મુખ્યધારામાં જોડવા અને તેમના જીવનધોરણમાં સકારાત્મક પરિવર્તન લાવવાના અભિગમ સાથે કામરેજ તાલુકામાં હળપતિ સમાજ માટે આવાસ નિર્માણની પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જરૂરિયાતમંદ પરિવારોના પોતાના પાકા ઘરનું સ્વપ્ન સાકાર કરવા રાજ્ય સરકારે કામરેજ તાલુકાના ૯ ગામોમાં હળપતિ સમાજ માટે અંદાજે ૧૫૦ આવાસોના નિર્માણને મંજૂરી આપી છે. આવાસ નિર્માણ માટે પ્રતિ લાભાર્થી રૂ.૧.૭૦ લાખની આર્થિક સહાય આપવામાં આવશે.
  • આરોગ્ય રાજ્ય મંત્રી અને કામરેજના ધારાસભ્ય શ્રી પ્રફુલ પાનશેરીયાના પ્રયાસથી તેમજ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના અંતર્ગત કામરેજ તાલુકાના નગોડ-રુંઢવાડા, પાલી, સેગવા, ડુંગર, જાત-ભરથાણા, ઓરણા, સેવણી, અલુરા અને દીગસ-માછી એમ ૯ ગામોમાં પાકા આવાસ બનાવાશે.
  • યોજના અંતર્ગત આવાસ નિર્માણના ચારેય તબક્કા પૂર્ણ થયા બાદ પ્રતિ લાભાર્થીને રાજ્ય સરકાર દ્વારા રૂ.૧.૭૦ લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવશે. આ સહાયથી લાભાર્થી પરિવારોને પાકા આવાસના નિર્માણમાં આર્થિક ટેકો મળશે અને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થશે.
  • આરોગ્ય મંત્રીશ્રીએ કામરેજના સ્થાનિક હોદ્દેદારો અને હળપતિ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં લાભાર્થી પરિવારો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન આવાસ નિર્માણની પ્રક્રિયા, યોજનાના અમલીકરણ અને લાભાર્થીઓને મળનારી સરકારી સહાય અંગે ચર્ચા કરવામાં આવી હતી.
  • આરોગ્ય રાજ્ય મંત્રી અને કામરેજના ધારાસભ્ય શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, પાકું ઘર એ માત્ર ઈંટ-સિમેન્ટનું બાંધકામ નથી, પરંતુ પરિવારની સુરક્ષા, બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સન્માનભર્યા જીવનનો મજબૂત આધાર છે. પોતાનું ઘર હોય તો પરિવારને સુરક્ષિત વાતાવરણની સાથે સ્થિરતા અને આત્મવિશ્વાસ પણ મળે છે. આ જ ભાવનાને કેન્દ્રમાં રાખીને રાજ્ય સરકાર જરૂરિયાતમંદ પરિવારો સુધી આવાસ યોજનાનો લાભ પહોંચાડવા કટિબદ્ધ છે.
  • વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દરેક જરૂરિયાતમંદ પરિવારને પોતાના ઘરનું ઘર મળે, સુરક્ષિત છત મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. સમાજના છેવાડાના પરિવારો સુધી વિકાસનાં ફળ પહોંચે અને કોઈપણ જરૂરિયાતમંદ પરિવાર આવાસની સુવિધાથી વંચિત ન રહે તે લોકકલ્યાણનો અમારો અભિગમ છે. વિકાસનો સાચો અર્થ ત્યારે જ સાર્થક બને છે, જ્યારે તેનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે. આ જ સંકલ્પ સાથે ‘ટીમ કામરેજ’ અને ‘ટીમ ગુજરાત’ જનસેવા અને લોકકલ્યાણનાં કાર્યો માટે સતત કાર્યરત છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button