માનવતા, બહાદુરી અને એકતાનો ઐતિહાસિક સંગમનો કાર્યક્રમ ફીશાના પ્રમુખ સુરેશ પટેલ (વડોદરા- દિવેર)દ્વારા યોજાયો

માનવતા, બહાદુરી અને એકતાનો ઐતિહાસિક સંગમનો કાર્યક્રમ ફીશાના પ્રમુખ સુરેશ પટેલ (વડોદરા- દિવેર)દ્વારા યોજાયો
કેપ્ટન સ્મિત મછારના સન્માનમાં Unity for cause અને FISANA દ્વારા ભવ્ય સમારોહ યોજાયો
ભારતીય સંસ્કૃતિના માનવતાવાદી મૂલ્યો, અદમ્ય સાહસ અને નિઃસ્વાર્થ સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર બહાદુર ભારતીય પાઇલટ *કેપ્ટન સ્મિત મછાર (Captain Smit Machchar)*ના સન્માનમાં ન્યૂ જર્સીના રોયલ આલ્બર્ટ પેલેસ ખાતે એક ભવ્ય અને યાદગાર સન્માન સમારોહનું તારીખ 15 ઓક્ટોબર 2026 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. Unity for cause and Federation of Indo-American Seniors Association of North America (FISANA) અને રોયલ આલ્બર્ટ પેલેસ તથા સહયોગી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે 500થી 600 મહાનુભાવો અને સમુદાયના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ ભવ્ય કાર્યક્રમનું આયોજન Unity for Causeના પિયૂષભાઈ પટેલ, FISANAના પ્રમુખ સુરેશભાઈ પટેલ (વડોદરા જિલ્લાના દિવેર ના વતની) અને FISANAના 2027–2028ના પ્રેસિડેન્ટ ઇલેક્ટ વિષ્ણુ પટેલના સંયુક્ત નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. તેમની સાથે ન્યૂ જર્સીના અગ્રણી વડીલો, વિવિધ સિનિયર એસોસિયેશનોના પ્રમુખો, સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓના આગેવાનો તથા સ્વયંસેવકોએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
આ સમારોહની સૌથી વિશેષ અને હૃદયસ્પર્શી બાબત એ હતી કે ભારતીય અને યહૂદી (Jewish) સમુદાયના અગ્રણીઓ એક જ મંચ પર એકત્રિત થયા હતા. યહૂદી સમુદાયમાંથી અનેક પ્રતિષ્ઠિત રબાઈઓ, ધાર્મિક આગેવાનો અને સામાજિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેપ્ટન સ્મિત મછારે 30 સપ્ટેમ્બર, 2026ના રોજ FlyDubai ફ્લાઇટ 1073 દરમિયાન દર્શાવેલી અસાધારણ હિંમત, સમયસૂચકતા અને માનવજીવન પ્રત્યેની જવાબદારીને સૌએ બિરદાવી હતી. તેમની બહાદુરી માત્ર ભારતીય સમાજ માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે પ્રેરણારૂપ બની છે.આ કાર્યક્રમ માત્ર એક બહાદુર ભારતીય પાઇલટનું સન્માન નહોતો, પરંતુ માનવતા, કરુણા, પરસ્પર સન્માન અને બે મહાન સમુદાયો વચ્ચેની મિત્રતાની ઉજવણી હતી.
આ પ્રસંગે એક મહત્વપૂર્ણ સંદેશ સમગ્ર સમાજ સુધી પહોંચ્યો હતો કે જ્યારે માનવતાની વાત આવે છે ત્યારે ધર્મ, ભાષા, દેશ અને સંસ્કૃતિની તમામ સરહદો ઓગળી જાય છે.



