પેજ ૩ મેગેઝીન દ્વારા સુરતના શિક્ષિકા ફેનિલબેન વશીનું ‘પ્રતિભાશાળી ગુરુવર્ષ એવોર્ડ’થી વિશિષ્ટ સન્માન

પેજ ૩ મેગેઝીન દ્વારા સુરતના શિક્ષિકા ફેનિલબેન વશીનું ‘પ્રતિભાશાળી ગુરુવર્ષ એવોર્ડ’થી વિશિષ્ટ સન્માન
શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ અને પ્રેરણાદાયી કામગીરી કરનાર ડૉ. સી. એમ. દેસાઈ પ્રાથમિક શાળા ક્રમાંક-૧૪ ના શિક્ષિકા ફેનિલબેન હેમંતભાઈ વશીની ‘પેજ ૩ મેગેઝીન’ (Page 3 Magazine) ની જ્યુરી દ્વારા ‘પ્રતિભાશાળી ગુરુવર્ષ એવોર્ડ’ માટે પસંદગી કરવામાં આવી છે.
પેજ ૩ મેગેઝીનના એડિટર શ્રી નિખિલ મદ્રાસી તથા શ્રી મંથન મદ્રાસી ની વિશેષ ઉપસ્થિતિમાં ફેનિલબેન વશીને આ ગૌરવવંતું સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ફેનિલબેન વશી છેલ્લા ૨૧ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. શૈક્ષણિક કાર્યની સાથે તેઓ સમગ્ર શિક્ષણ જગતમાં લેખક, સમીક્ષક, ટ્રાન્સલેટર અને પ્રૂફ રીડર તરીકે પણ સક્રિય યોગદાન આપી રહ્યા છે. તેમની આ ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવતા ગુજરાત સરકાર દ્વારા ગયા વર્ષે તેઓને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ થી તથા આ વર્ષે શિક્ષક દિન નિમિત્તે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક થી નવાજવામાં આવ્યા છે.
આ પ્રસંગે આભાર વ્યક્ત કરતા ફેનિલબેન વશીએ જણાવ્યું હતું કે, “બહુમાન એ માત્ર પ્રશંસા નથી, પરંતુ નિષ્ઠાપૂર્વક આગળ વધવાનું એક અમૂલ્ય બળ છે. શિક્ષણમાં બાળકોનું સિંચન અને મૂલ્યોનું ઘડતર જ સાચી શિક્ષકતા છે.”
પેજ ૩ મેગેઝીન પરિવાર દ્વારા મળેલી આ સિદ્ધિ બદલ સમગ્ર શિક્ષણ જગતમાં આનંદ અને ગર્વની લાગણી વ્યાપી ગઈ છે.



