ભાજપના આદિવાસી સભ્યએ સૂચવેલા કામો નો સમાવેશ ના કરાતાં અન્યાય બાબતે સંગઠનમાં રજૂઆત.
16 માં નાણાપંચના તાલુકા કક્ષાના આયોજનમાં 18 ગામો વચ્ચે 90 લાખ રૂપિયાના આયોજનને બહાલી.

✍🏻હસમુખ પટેલ સાધલી
શિનોર તાલુકા પંચાયતની પ્રમુખ હિનાબેન રોહિત ના અધ્યક્ષ સ્થાને તારીખ 25 નવેમ્બર 2026 ના રોજ મળેલ સામાન્ય સભામાં એજન્ડાના કામો સર્વાનુમતે મંજૂર કરાયા હતા. અને તારીખ 13 ઓગસ્ટ 2026 ની સામાન્ય સભામાં 16 માં નાણાપંચની મળનારી ગ્રાંટના ખર્ચ માટે તાલુકા વિકાસ પ્લાન ફોર પીપલ્સ (TPDP)ની ફાળવણી કરવામાં આવેલ તેનું આયોજન કર્યું હતું ,તેને બહાલી આપવામાં આવી હતી. જેમાં અનટાઇડ કામો 13 ગામોમાં 45 લાખના અને ટાઇડ કામો 12 ગામોમાં 45 લાખના મળીને કુલ 90 લાખ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રાન્ટનું તાલુકાના 40 ગામોમાંથી માત્ર 18 ગામોમાં આયોજન થયેલ છે. અને શિનોર મુકામે તાલુકા પંચાયત કમ્પાઉન્ડ માં ₹6,00,000 ના પેપર બ્લોક અને માછી કોલોની માં રૂપિયા સાડા પાંચ લાખના ખર્ચે ગટરનું કામ લેવામાં આવેલ છે, રૂપિયા પાંચ લાખની ઉપરના કામો હોય આ કામો તાલુકા કક્ષાએથી થાય જેથી, શિનોર ગ્રામ પંચાયતની ઈરાદાપૂર્વક બાદબાકી કરવામાં આવેલ છે. જ્યારે અન્ય ગામોમાં રૂપિયા પાંચ લાખની નીચેના કામો પંચાયત દ્વારા કરવામાં આવશે. એ પણ તપાસનો વિષય બનેલ છે.
પ્રમુખ દ્વારા આ આયોજન માટે તમામ ચૂંટાયેલા સભ્યો પાસે વિકાસકામોનું આયોજન માગ્યું હતું. જેમાં શિનોર-2 બેઠક પર ચૂંટાયેલા ભાજપના કલ્પેશ નવનીતભાઈ વસાવા દ્વારા લેટરપેડ પર તેઓની બેઠકમાં સમાવિષ્ટ મુખ્યત્વે આદિવાસી વિસ્તારના અધુરા કામોને પ્રાથમિકતા આપી ભલામણ કરીને યાદી આપેલ હતી. પરંતુ તેઓએ ભલામણ કરેલ કામોને ઈરાદાપૂર્વક બાદબાકી કરેલાનું તેઓના ધ્યાને આવતા અને તેઓ બીજેપીમાં આદિવાસીની અનામત બેઠક ઉપર ચૂંટાયા હોવા છતાં વિરોધ પક્ષના સદસ્ય જેવું વર્તન થતાં તેઓને લાગ્યું કે તેઓએ સૂચવેલા આદિવાસીઓના કામ બાબતે આદિવાસીઓના હકને અન્યાય થયેલ છે જે ગંભીર બાબત હોય તેઓએ લેખિતમાં તાલુકા પંચાયતના પ્રમુખ તથા તાલુકા સંગઠન પ્રમુખ સંકેત પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ ડૉ. બી.જે.બ્રહ્મભટ્ટ અને જિલ્લા પ્રભારી ડૉ. ઋત્વિજ પટેલ ને આ અન્યાય બાબતે પોતાના લેટરપેડ ઉપર લેખિત રજૂઆત કરેલ છે.
આમ ગ્રામ પંચાયતોની ચૂંટણીના સમયે શિનોર ભાજપમાં આદિવાસી સભ્યો ને અન્યાય થતો હોવાની લાગણી ની રજૂઆત જિલ્લા કક્ષાએ થતાં તાલુકામાં આગામી ચૂંટણીઓમાં પણ આની અસર પડે તેમ દેખાઈ આવે છે.
ડભોઇ મુકામે ભરાયેલા સ્નેહ સંમેલનમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ છોટાઉદેપુરમાં માટી અને રેતી ચોરીની ફરિયાદ સામે ડંકાની ચોટ પર જણાવ્યું હતું કે પરિવારના હશે તો બચાવ થશે ,જ્યારે શિનોર તાલુકા પંચાયતમાં ભાજપની સીટ ઉપર ચૂંટાયેલા આદિવાસી સભ્યને પોતાના વિસ્તારના આદિવાસીના કામો થતાં ના હોવા માટે રજૂઆત કરવી પડે છે ,આવો ભેદભાવ કેમ ??? આ ક્યાંનો ન્યાય ગણી શકાય????? તેની ચર્ચા જાગેલ છે.



