ગુજરાત

મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી માર્ગદર્શન હેઠળ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાન સાથે નવી સુવિધાનો પ્રારંભ

મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી માર્ગદર્શન હેઠળ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાન સાથે નવી સુવિધાનો પ્રારંભ
નવી સિવિલમાં ગંદકી કરનાર ખેર નહીં: જાહેરમાં પાન-મસાલાની પિચકારી મારનારને રૂ. ૨૫૦નો દંડ થશે
એકત્રિત દંડની રકમ ‘રોગી કલ્યાણ સમિતિ’માં જમા કરાશે
ઇમરજન્સી વિભાગમાં દર્દીઓ-સ્વજનો માટે ૨૪x૭ નિશુલ્ક ઝેરોક્ષ સેવાનું લોકાર્પણ
અકસ્માત અને ઇમરજન્સીના કિસ્સામાં પેપરવર્ક થશે ઝડપી
સુરત : દક્ષિણ ગુજરાતના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાંથી આવતા હજારો ગરીબ અને સામાન્ય વર્ગના દર્દીઓ માટે આશાનું કિરણ ગણાતી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ભાદરવી પૂનમના પવિત્ર દિવસે બે મહત્વપૂર્ણ જનહિતકારી પહલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ પરિસરમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ હતી. સાથે સાથે દર્દીઓના સગા-સંબંધીઓની સુવિધા માટે ઇમરજન્સી વિભાગમાં ૨૪x૭ નિશુલ્ક ઝેરોક્ષ મશીન સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આરોગ્યના ધામ અને મંદિર સમાન નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છ, તાજગીસભર અને ચેપમુક્ત વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી કડક પગલાં લેવાયા છે. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર, ઓપીડી, સ્ટેમ સેલ અને કિડની બિલ્ડિંગ સહિતના સમગ્ર પરિસરમાં સુરક્ષા જવાનો ૨૪ કલાક તૈનાત રહેશે. જો કોઈ દર્દી, સગા-સંબંધી કે હોસ્પિટલનો કર્મચારી-અધિકારી દીવાલો કે પરિસરમાં પાન, માવા કે ગુટખાની પિચકારી મારતા જણાશે, તો તેમની પાસે સ્થળ પર જ રૂ. ૨૫૦નો દંડ વસૂલવામાં આવશે. આ દંડની સત્તાવાર રસીદ આપવામાં આવશે અને એકત્ર થયેલી તમામ રકમ દર્દીઓના કલ્યાણ અર્થે ‘રોગી કલ્યાણ સમિતિ’માં જમા કરવામાં આવશે.
શનિવાર-રવિવાર કે જાહેર તહેવારોના દિવસે બહારની દુકાનો બંધ હોવાથી દર્દીના સ્વજનોને એમ.એલ.સી. (MLC) કેસ, પોસ્ટમોર્ટમ નોટ, ડેથ સર્ટિફિકેટ કે સરકારી કાર્ડ જેવા જરૂરી કાગળોની ઝેરોક્ષ કરાવવા માટે હોસ્પિટલ બહાર રોડ ઓળંગીને જવું પડતું હતું. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે CMO અને નોડલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ઇમરજન્સી વિભાગ ખાતે તબીબી અધિક્ષક ડૉ.પારુલ વડગામાની પ્રેરક ઉપસ્થિતિમાં કીડની બિલ્ડિંગના નોડલ ઓફિસર ડૉ. ભરત ચાવડાના હસ્તે ૨૪ કલાક કાર્યરત નિશુલ્ક ઝેરોક્ષ મશીન સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેથી અકસ્માત કે કટોકટીના સમયે પેપરવર્ક ઝડપથી પૂર્ણ થઈ શકશે.
આ શુભપ્રસંગે તબીબી અધીક્ષક ડૉ. પારુલ વડગામા, આર.એમ.ઓ. ડૉ. કેતન નાયક, ડૉ. લક્ષ્મણ તહેલાણી, નોડલ ઓફિસર ડૉ. ભરત પટેલ, નર્સિંગ એસોસિએશનના સેક્રેટરી ઈકબાલ કડીવાલા, સિક્યુરિટી ઓફિસર આર. કે. સિંહ, તબીબો, નર્સિંગ સ્ટાફ, સફાઈકર્મી ભાઈઓ-બહેનો, મેડિકલ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર તથા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button