શારીરિક-માનસિક વિકાસમાં ખામી ધરાવતા બાળકો માટે આશાની કિરણ બન્યું સુરત સિવિલ હોસ્પિટલનું DEIC કેન્દ્ર

શારીરિક-માનસિક વિકાસમાં ખામી ધરાવતા બાળકો માટે આશાની કિરણ બન્યું સુરત સિવિલ હોસ્પિટલનું DEIC કેન્દ્ર
એક જ છત નીચે નિઃશુલ્ક મલ્ટિડિસિપ્લિનરી સારવારથી હજારો બાળકોના જીવનમાં આવ્યું પરિવર્તન
ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર (DEIC)માં વર્ષ ૨૦૧૬થી અત્યાર સુધી ૧,૦૧,૩૮૩થી વધુ બાળકોને સારવારનો લાભ મળ્યોઃ હાલમાં ૭૦ બાળકો મેળવી રહ્યાં છે સારવાર
બાળકના વિકાસમાં વિલંબ જણાય તો વહેલી તકે તપાસ અને થેરાપી શરૂ કરવી જરૂરી: ડો. સંદેશ મહિપાલ
દર વર્ષે ૬ ઓક્ટોબરના રોજ ઉજવાતા વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસનો મુખ્ય હેતુ સેરેબ્રલ પાલ્સી અને વિકાસલક્ષી પડકારોનો સામનો કરતા બાળકો તથા તેમના પરિવારો પ્રત્યે સમાજમાં જાગૃતિ અને સંવેદના વધારવાનો છે. આવા બાળકોને સમયસર ઓળખી યોગ્ય સારવાર અને થેરાપી મળે તો તેમના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો શક્ય બને છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર (DEIC) શારીરિક-માનસિક વિકાસમાં ખામી ધરાવતા બાળકો માટે આશાનું કેન્દ્ર બની રહ્યું છે.
નવી સિવિલ હોસ્પિટલના DEIC વિભાગના બાળરોગ નિષ્ણાત ડો. સંદેશ મહિપાલએ જણાવ્યું હતું કે, “DEICમાં માનસિક વિકાસ, શારીરિક વિકાસ, ભાષાકીય વિકાસ અને વ્યાવહારિક વિકાસમાં વિલંબ ધરાવતા બાળકોને એક જ છત નીચે વિવિધ નિષ્ણાતો દ્વારા ૧૮ વર્ષ સુધીના બાળકોની સારવાર કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને ૬ વર્ષથી નાની ઉંમરના બાળકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. બાળકનો વિકાસ ધીમી ગતિએ થઈ રહ્યો હોય અથવા વિકાસમાં વિલંબ થવાની સંભાવના હોય તો આવા બાળકોનું નિયમિત મૂલ્યાંકન અને સારવાર કરવામાં આવે છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, NICUમાં દાખલ થયેલા, સમય પહેલાં જન્મેલા (પ્રિમેચ્યોર) બાળકો અને જન્મ સમયે ગંભીર તકલીફોનો સામનો કરનારા બાળકોને ડિસ્ચાર્જ બાદ પણ નિયમિત ડેવલપમેન્ટલ ટ્રેકિંગ હેઠળ રાખવામાં આવે છે. બાળકના વિકાસનું સતત નિરીક્ષણ કરીને જરૂરી સારવાર અને થેરાપી આપવામાં આવે છે.
DEIC કેન્દ્રમાં જન્મજાત ખોડખાંપણ, દિવ્યાંગતા, સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર, ભાષાકીય અને બૌદ્ધિક વિકાસમાં વિલંબ સહિતની સમસ્યાઓ ધરાવતા બાળકોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે. અહીં સ્પીચ થેરાપી, ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, સેન્સરી ઇન્ટિગ્રેશન થેરાપી, વિઝન થેરાપી, સ્પેશિયલ એજ્યુકેશન, બિહેવિયર થેરાપી, ડેન્ટલ એસેસમેન્ટ, આંખ અને કાનની તપાસ સહિતની વિવિધ સેવાઓ ઉપલબ્ધ છે. જરૂરિયાત મુજબ ઓનલાઇન સ્પીચ થેરાપીની સુવિધા પણ આપવામાં આવે છે.
ડો. મહિપાલે જણાવ્યું હતું કે, દરેક બાળક માટે વ્યક્તિગત ઇન્ટરવેન્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે. થેરાપી દરમિયાન માતા-પિતાને પણ તાલીમ આપવામાં આવે છે જેથી તેઓ ઘરે રહીને બાળકના વિકાસમાં સહયોગ આપી શકે. અમારો મુખ્ય ઉદ્દેશ બાળકની ક્ષમતામાં વધારો કરી તેને વધુ સ્વાવલંબી બનાવવાનો છે. આ કેન્દ્રમાં અમારી તમામ સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.
હાલમાં DEIC કેન્દ્રમાં આશરે ૭૦ બાળકો નિયમિત સારવાર હેઠળ છે. વર્ષ ૨૦૧૬થી કાર્યરત આ કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં ૧,૦૧,૩૮૩થી વધુ બાળકોને વિવિધ પ્રકારની સારવાર અને થેરાપીનો લાભ આપવામાં આવ્યો છે.
અઢી વર્ષની સારવાર બાદ મારા દોહિત્રના જીવનમાં આવ્યો મોટો ફેરફાર:સર્વજિત યાદવ
ડિંડોલીમાં રહેતા અને પોતાના દોહિત્ર ધ્રુવકુમાર યાદવને સારવાર માટે લાવતા સર્વજિત યાદવે જણાવ્યું હતું કે, “ધ્રુવના માતા-પિતા ઉત્તર પ્રદેશમાં રહે છે અને બાળક અમારી સાથે રહે છે. અમે છેલ્લા અઢી વર્ષથી DEICમાં સારવાર માટે આવી રહ્યા છીએ. શરૂઆતમાં બાળક ચાલી પણ શકતો ન હતો, પરંતુ વિવિધ થેરાપી અને સતત સારવારના પરિણામે તેના વિકાસમાં નોંધપાત્ર સુધારો થયો છે. અહીંના ડોક્ટરો અને સ્ટાફ દ્વારા ખૂબ જ કાળજીપૂર્વક સારવાર આપવામાં આવે છે. નિઃશુલ્ક સારવારના કારણે અમારા જેવા પરિવારને મોટો સહારો મળ્યો છે.”
અહીંની સારવારથી મારી દીકરીને નવું જીવન મળ્યું : ઇશિકાની માતા અંજલિબેન

પાંડેસરા ખાતે રહેતા અને પાંચ વર્ષની દિકરી ઇશિકાને સારવાર માટે લાવતા માતા અંજલિબેન રાણાએ જણાવ્યું હતું કે, મારી દીકરીને જન્મથી જ વિકાસની ઉણપ હતી અને તેનો વિકાસ ખૂબ ધીમો હતો. ત્યારબાદ અમે નવી સિવિલના DEIC વિભાગમાં સારવાર માટે આવ્યા. અહીં વિવિધ થેરાપી મળતા દીકરીમાં ધીમે ધીમે સુધારો જોવા મળ્યો. આજે તે પોતાના પગે ઉભી પણ થતી થઈ ગઈ છે, આસપાસની બાબતો વધુ સારી રીતે સમજે છે અને પહેલાં કરતાં ઘણું ઓછું રડે છે. DEICમાં મળેલી સારવારથી અમારી દીકરીને નવું જીવન મળ્યું હોય એવું લાગે છે.”
સેરેબ્રલ પાલ્સી શું છે?

સેરેબ્રલ પાલ્સી એ મગજના વિકાસ દરમિયાન અથવા જન્મ સમયે મગજને થયેલી ઇજાના કારણે થતો ન્યુરોલોજિકલ વિકાર છે. તેના કારણે બાળકનું હલનચલન, સ્નાયુઓનું નિયંત્રણ, સંતુલન અને સંકલન ક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. કેટલાક બાળકોમાં બોલવામાં, શીખવામાં અથવા વર્તનમાં પણ મુશ્કેલીઓ જોવા મળે છે. સમયસર નિદાન, ફિઝિયોથેરાપી, સ્પીચ થેરાપી અને અન્ય સહાયક સારવાર દ્વારા બાળકના જીવનમાં નોંધપાત્ર સુધારો શક્ય બને છે.
વહેલી ઓળખ અને સમયસર થેરાપી જ સફળતાની ચાવી
બાળક બેસવામાં, ઊભું થવામાં, ચાલવામાં, બોલવામાં અથવા અન્ય વિકાસલક્ષી સોપાનો પ્રાપ્ત કરવામાં વિલંબ કરતું હોય તો તેને સામાન્ય બાબત માની અવગણવી જોઈએ નહીં. વહેલી તકે નિષ્ણાતની સલાહ લઈને યોગ્ય સારવાર શરૂ કરવામાં આવે તો બાળકના વિકાસની શક્યતાઓમાં વધારો થઈ શકે છે. સુરત સિવિલનું DEIC કેન્દ્ર આવા બાળકો અને તેમના પરિવારો માટે આશાનું કેન્દ્ર બન્યું છે.



