ગુજરાત

સરસાણા ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ‘Vande Ayu Con-26’ આયુર્વેદ કોન્ફરન્સ યોજાઈ

સરસાણા ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ‘Vande Ayu Con-26’ આયુર્વેદ કોન્ફરન્સ યોજાઈ
આયુર્વેદ ભારતની અમૂલ્ય પરંપરા, જેને વિશ્વને જીવન જીવવાની દિશા આપી : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના સહયોગથી ગુજરાત કાઉન્સિલ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઑફ મેડિસિન દ્વારા દક્ષિણ ગુજરાત ઝોનમાં નોંધાયેલા આયુર્વેદ અને યુનાની તબીબો માટે એક દિવસીય આયુર્વેદ કોન્ફરન્સ ‘GCAU વંદે આયુકોન-3 નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે યોજાઈ હતી. જેમાં રાજ્યભરના આયુર્વેદ તબીબો, વૈદ્યો અને આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પધારેલા આયુર્વેદ તબીબોનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, આયુર્વેદ ભારતની એવી પ્રાચીન પરંપરા છે, જેણે સમગ્ર વિશ્વને સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવાની રીત આપી છે. આપણાં માટે ગૌરવની વાત છે કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નું આયુર્વેદ માટેનું વૈશ્વિક પરંપરાગત ચિકિત્સા કેન્દ્ર ગુજરાતના જામનગર ખાતે સ્થાપિત થયું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હજારો વર્ષોથી આપણા ઋષિ-મુનિઓએ વેદો, ઉપનિષદો અને આયુર્વેદિક ગ્રંથોમાં આરોગ્ય અને જીવનશૈલી અંગે અમૂલ્ય જ્ઞાન આપ્યું છે. આ સમૃદ્ધ પરંપરાને આજના આધુનિક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના યુગમાં પણ જીવંત રાખવાનું મહત્વપૂર્ણ કાર્ય આયુર્વેદ તબીબો કરી રહ્યા છે, જે પ્રશંસનીય છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ડિજિટલ યુગમાં લોકો ગૂગલ સર્ચ દ્વારા સેકન્ડોમાં માહિતી મેળવી શકે છે, છતાં આરોગ્ય સંબંધિત અનેક સમસ્યાઓના નિરાકરણ માટે લોકોનો વિશ્વાસ આયુર્વેદ તરફ વધી રહ્યો છે. આયુર્વેદ પ્રત્યે લોકોની શ્રદ્ધા અને વિશ્વસનીયતા વધારવામાં આયુર્વેદ તબીબોનું યોગદાન અત્યંત મહત્વનું છે.
તેમણે આયુર્વેદના પ્રચાર-પ્રસાર, સંશોધન અને આધુનિક ટેકનોલોજી સાથેના સમન્વય દ્વારા આ પ્રાચીન ચિકિત્સા પદ્ધતિને વધુ વ્યાપક બનાવવા માટે સૌને અપીલ કરી હતી.
આ કોન્ફરન્સમાં આયુર્વેદ ક્ષેત્રના અગ્રણી તબીબો, સંશોધકો, આરોગ્ય ક્ષેત્રના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રતિભાગીઓ હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button