કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા બલ્લુકાકા સંકુલ કુમાર-કન્યા છત્રાલય, વિરપોર ખાતે ‘વૈચારિક ક્રાંતિ દ્વારા માનસ પરિવર્તન’ પરિસંવાદ યોજાયો

કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા બલ્લુકાકા સંકુલ કુમાર-કન્યા છત્રાલય, વિરપોર ખાતે ‘વૈચારિક ક્રાંતિ દ્વારા માનસ પરિવર્તન’ પરિસંવાદ યોજાયો
વિશ્વની કોઈ પણ વ્યક્તિ દરેક વખતે સફળ થઈ શકતી નથી. સફળતા-નિષ્ફળતા, લાભ-હાનિ અને સુખ-દુઃખ જેવાં દ્વંદ્વોનો સહજ સ્વીકાર કરતાં શીખવું જોઈએ.— રાજેશ ધામેલિયા
વિરપોર (વાલોડ): કાશીબા ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટના ‘વૈચારિક ક્રાંતિ અભિયાન’ અંતર્ગત ૧૩૬મો પરિસંવાદ માનવ કલ્યાણ ટ્રસ્ટ, બુહારી સંચાલિત બલ્લુકાકા કુમાર-કન્યા છાત્રાલય, વિરપોર (તા. વાલોડ, જિ. તાપી) ખાતે યોજાયો. સંસ્થાના પ્રમુખ શ્રી સત્યજીતભાઈ બલ્લુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને અભ્યાસ, જીવનઘડતર અને હકારાત્મક દૃષ્ટિકોણ અંગે પ્રેરક માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.
કાશીબા ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેશનાં ૧૭ રાજ્યોમાં શાળાભવનોના નિર્માણનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે. ટ્રસ્ટના પ્રમુખ શ્રી કેશુભાઈ ગોટીના ૧૦૦૮ સરસ્વતીધામના નિર્માણના શુભ સંકલ્પ અંતર્ગત અત્યાર સુધીમાં ૨૬૫ શાળાભવનોનું નિર્માણ પૂર્ણ થયું છે અને આશરે ૫૦ ભવનોનું નિર્માણકાર્ય પ્રગતિમાં છે. શાળાભવનોનાં નિર્માણ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા ‘વૈચારિક ક્રાંતિ અભિયાન’, ‘કુપોષણમુક્તિ અભિયાન’ અને ‘શિક્ષા સાથી અભિયાન’ જેવી સમાજોત્થાનની પ્રવૃત્તિઓ પણ સતત ધમધમી રહી છે.
કાર્યક્રમના પ્રારંભે છાત્રાલયની દીકરીઓએ કુમકુમનો ચાંદલો કરી તથા પુષ્પગુચ્છ અર્પણ કરીને મહેમાનોનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. કર્મયોગી શ્રી અશોકભાઈ અણઘણે મધુર પ્રાર્થના રજૂ કરી વાતાવરણને પવિત્ર બનાવ્યું હતું. ત્યારબાદ શ્રી લક્ષ્મણભાઈ મોરડિયાએ વિદ્યાર્થીઓને સંસ્કારી અને વ્યસનમુક્ત જીવન જીવવા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્ય વક્તા શ્રી રાજેશકુમાર ધામેલિયાએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે, “વિદ્યાર્થી અવસ્થા જીવનનો સુવર્ણ સમયગાળો છે. આ સમયનો સદુપયોગ કરીને સારી ટેવો કેળવીએ તો સમગ્ર જીવન મહેકી ઊઠે છે. સફળતાનું પ્રથમ સોપાન સ્પષ્ટ લક્ષ્યનિર્ધારણ છે. જીવનમાં સફલતા મેળવવા અદમ્ય ઉત્સાહ, દૃઢ મનોબળ અને આયોજનપૂર્વકનો નિયમિત અભ્યાસ અત્યંત આવશ્યક છે. જીવનમાં આર્થિક સંપત્તિની જરૂર છે, પરંતુ તેનાથી પણ વધુ મહત્ત્વ સાચી સમજણનું છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “સફળતા મેળવવા માટે નિષ્ઠાપૂર્વક પુરુષાર્થ કરવો અને ત્યાર પછી જે પરિણામ મળે તેનો સહર્ષ સ્વીકાર કરવો. વિશ્વની કોઈ પણ વ્યક્તિ દરેક વખતે સફળ થઈ શકતી નથી. સફળતા-નિષ્ફળતા, લાભ-હાનિ અને સુખ-દુઃખ જેવાં દ્વંદ્વોનો સહજ સ્વીકાર કરતાં શીખવું જોઈએ. ‘આપણું ધાર્યું થાય તો હરિકૃપા અને ન થાય તો હરિઇચ્છા’ એવો ભાવ કેળવવાથી જીવનમાં સમતા અને શાંતિ જાળવી શકાય છે.”
આ પરિસંવાદમાં છાત્રાલયના વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. પરિસંવાદમાં પ્રશ્ન પૂછનાર તેમજ ઉત્તર આપનાર સૌ વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કર્મયોગી શ્રી ભદ્રેશભાઈ સાવાલિયાએ ફોટોગ્રાફીની સેવા આપી હતી, જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા છાત્રાલયના કર્મચારીઓએ સુંદર જહેમત ઉઠાવી હતી.



